ફિલિપાઇન્સના મિંડાનાઓ પ્રદેશમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. અધિકારીઓએ તરત જ સુનામીની ચેતવણી જાહેર કરી છે અને લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા સૂચના આપી છે. ભૂકંપ પછી આફ્ટરશોક્સ (આંચકા) આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપ કેન્દ્ર (EMSC) અનુસાર, આ ભૂકંપ 62 કિલોમીટર (લગભગ 38.5 માઇલ)ની ઊંડાઈએ નોંધાયો હતો. સ્થાનિક વહીવટીતંત્રએ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ઉંચી જમીન તરફ ખસવાની સલાહ આપી છે, જ્યારે બચાવ દળો અને તાત્કાલિક સેવા વિભાગોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
સુનામી ચેતવણી અને સંભાવિત અસર
ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (PHIVOLCS)એ જણાવ્યું છે કે સવારના 9:43 થી 11:43 (PST)ની વચ્ચે સુનામીના પ્રથમ મોજા દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે.
આ મોજા ઘણા કલાકો સુધી ચાલુ રહી શકે છે.
PHIVOLCSના લોકલ સુનામી દૃશ્ય ડેટાબેઝ મુજબ, પાણીના મોજા સામાન્ય સ્તરથી એક મીટર કે તેથી વધુ ઉંચા હોઈ શકે છે, ખાસ કરીને બંધ ખાડીઓ અને સાંકડા જળમાર્ગોમાં વધુ અસર દેખાઈ શકે છે.
ભૂકંપની સ્થિતી
આ ભૂકંપ દાવાઓ ઓરિએન્ટલમાં માનય ટાઉન નજીક કેન્દ્રિત હતો. ફિવોલ્ક્સે જણાવ્યું છે કે આફ્ટરશોક્સ અને સ્થાનિક સ્તરે નુકસાન થવાની શક્યતા યથાવત છે.
હાલ સુધી કોઈ મોટું તાત્કાલિક નુકસાન અથવા જાનહાનિ નોંધાઈ નથી.
ગયા અઠવાડિયે થયેલો વિનાશક ભૂકંપ
આ પહેલા, ગયા અઠવાડિયે સેબુ પ્રાંતમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 74 લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા.
તે ભૂકંપ દરમિયાન સેન્ટ પીટર ધ એપોસ્ટલના ઐતિહાસિક પેરિશ, બાન્ટાયનને પણ ગંભીર નુકસાન થયું હતું.
અધિકારીઓની અપીલ
ફિલિપાઇન સત્તાવાળાઓએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ સત્તાવાર ચેતવણીઓ અને સૂચનાઓનું પાલન કરે, અને જરૂરી હોય તો સેફ ઝોનમાં સ્થળાંતર કરે. કટોકટી સેવાઓ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે.