Samir Shukla (Senior Journalist), New Jersey, USA: નોબેલ શાંતિ પુરસ્કાર 2025ની જાહેરાત 10 ઓક્ટોબર 2025 એટલેકે આજે થશે. આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ચર્ચામાં છે. પરંતુ સૌ કોઈને એ જાણવાની ઇન્તેજારી છે કે નિર્ણય કેવી રીતે લેવાય છે?
પાંચ સભ્યોની નોર્વેજિયન નોબેલ કમિટી, જે નોર્વેની સંસદ દ્વારા નિયુક્ત થાય છે, ઓસ્લોના નોબેલ ઇન્સ્ટિટ્યૂટના ખાસ રૂમમાં બેસે છે. આ રૂમમાં 1901થી એક જ ઝુમ્મર અને ઓક ફર્નિચર છે, અને દિવાલો પર દરેક શાંતિ વિજેતાના ફોટા લાગેલા છે. સોમવારે, જાહેરાતના ચાર દિવસ પહેલાં, કમિટી બેઠક શરૂ કરે છે. જોર્જેન વટને ફ્રાયડનેસ, કમિટીના અધ્યક્ષ છે, તેઓ કહે છે કે"અમે ચર્ચા કરીએ છીએ, દલીલો કરીએ છીએ, પણ સભ્યતાથી, અને સર્વસંમતિ દ્વારા નિર્ણય લેવાનો પ્રયાસ કરીએ છીએ."
આ પુરસ્કાર આલ્ફ્રેડ નોબેલની 1895ની વસિયત અનુસાર આપવામાં આવે છે, જે રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો, સૈન્યમા ઘટાડો અને શાંતિ સંમેલનોને પ્રોત્સાહન આપનારને મળે છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ પુરસ્કારની ખૂબ ચર્ચા કરે છે. તેમણે દાવો કર્યો છે કે તેમણે "સાત યુદ્ધો નો ઉકેલ લાવ્યા, શાંતિ સ્થાપિત કરી. અને એટલે તેઓ નોબેલ શાંતિના પુરસ્કાર મેળવવા માટેના હકદાર છે.
ઇઝરાયેલના નેતા બેન્જામિન નેતન્યાહુ, અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન સરકારે ટ્રમ્પનું નામાંકન કર્યું હોવાનું જાહેર કર્યું છે. ટ્રમ્પના પોતાના સહયોગી સ્ટીવ વિટકોફે પણ તેમને "ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર" ગણાવ્યા. પરંતુ ફ્રાયડનેસ કહે છે, "દર વર્ષે હજારો લોકો અમને નામ સૂચવે છે. આ દબાણ નવું નથી. અમે મજબૂત અને સૈદ્ધાંતિક નિર્ણય લઈએ છીએ."
શું ટ્રમ્પ જીતી શકે?
નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પની જીત મુશ્કેલ છે. નીના ગ્રેગર, PRIO શાંતિ સંશોધન સંસ્થાના ડિરેક્ટર, જણાવે છે કે ટ્રમ્પે WHO અને પેરિસ ક્લાઇમેટ એકોર્ડ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી ખસી જવું અને પ્રદર્શનો પર પ્રતિબંધ જેવી નીતિઓ શાંતિની દિશામાં નથી. ઉપરાંત, 2025ના નામાંકનો 31 જાન્યુઆરીએ બંધ થયા હતા, જ્યારે ટ્રમ્પ હમણાં જ સત્તામાં આવ્યા હતા. જો કે, જો ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના સફળ થશે, જેનો પ્રથમ તબક્કો ગુરુવારે જાહેર થયો, તો ગ્રેગર માને છે કે આગામી વર્ષે તેઓ મજબૂત દાવેદાર હોઈ શકે છે.
ઓસ્લો યુનિવર્સિટીમાં યુદ્ધ, શાંતિ અને નોબેલ પુરસ્કારના અભ્યાસક્રમમાં શામેલ વિદ્યાર્થીઓનું માનવું છે કે આ પુરસ્કાર નમ્રતા અને માનવતા માટે હોવો જોઈએ. થાનોસ મરિઝિસ, એક ગ્રીક વિદ્યાર્થી, કહે છે, "આ પુરસ્કાર માનવતાના લાભ માટે શાંતિની શોધની ઓળખ છે, નહીં વ્યક્તિગત ફાયદા માટે."
વિજેતાને શું મળે?
વિજેતાને મેડલ, 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન (લગભગ 1.19 મિલિયન ડોલર) અને વૈશ્વિક નામના મળે છે. નબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત ઓસ્લોમાં થશે, અને સમારંભ 10 ડિસેમ્બર 2025ના રોજઓસ્લો સિટી હોલમાં યોજાશે. નોબેલ શાંતિ પુરસ્કાર માટેના નામાંકનો અને ચર્ચાઓની વિગતો 50 વર્ષ સુધી ગુપ્ત રહે છે. ટ્રમ્પને જાણવું હોય કે તેમનું નામાંકન કોણે કર્યું હતું અથવા તેમનો વિરોધ કોણે કર્યો હતો, તો તે જાણવા તેમણે રાહ જોવી પડશે!