અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હીમાં યોજાનારી ક્વાડ સમિટ માટેની પોતાની ભારત યાત્રા રદ કરી દીધી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓમાં ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્વાડમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે અને આ જૂથ ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં સહકાર મજબૂત કરવા માટે કાર્ય કરે છે. ભારત આ વર્ષે નવેમ્બરમાં સમિટનું આયોજન કરી રહ્યું છે, જેમાં ચારેય દેશોના ટોચના નેતાઓ ભાગ લેવા માટે આમંત્રિત હતા.
મોદી-ટ્રમ્પ સંબંધોમાં ફેરફાર
અહેવાલ મુજબ, પ્રધાનમંત્રી મોદીએ એક સમયે ટ્રમ્પને “સાચા મિત્ર” તરીકે સંબોધ્યા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. રાષ્ટ્રપતિ કાર્યાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં મોદીને જણાવાયું હતું કે ટ્રમ્પ ભારત આવશે, પરંતુ હવે તેમનો કોઈ પ્રવાસનો પ્લાન નથી.
ભારતમાં નકારાત્મક પ્રતિક્રિયા
ટ્રમ્પના આ નિર્ણય પછી ભારતમાં તેમની વિરુદ્ધ નકારાત્મક માહોલ ઊભો થયો છે. ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં એક ઉત્સવ દરમિયાન તેમનું વિશાળ પૂતળું ફરકાવવામાં આવ્યું હતું, જેમાં તેમને “પીઠમાં છરા મારનાર” તરીકે દર્શાવવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ ભારતીય અધિકારીએ અમેરિકાના કડક પગલાંને સીધી “ગુંડાગીરી” ગણાવી હતી.