શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવન ખાતે મુલાકાત લીધી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા સોશિયલ મીડિયા પર બંનેની મુલાકાતની તસવીર શેર કરવામાં આવી હતી.
પીએમ મોદી તાજેતરમાં જાપાન અને ચીનની મુલાકાત બાદ વતન પરત ફર્યા છે. તેમણે 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના રાષ્ટ્રપ્રમુખોની 25મી બેઠકમાં હાજરી આપી હતી. આ સમિટમાં આતંકવાદ વિરોધી, શાંતિ અને સુરક્ષા, આર્થિક સહયોગ અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. SCO ના સંયુક્ત નિવેદનમાં ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરાવી રાજદ્વારી સફળતા મેળવી હતી.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં મુલાકાત
પીએમ મોદીની આ મુલાકાત ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા થઈ છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે મતદાન યોજાશે અને એ જ સાંજે પરિણામો જાહેર થશે. NDA તરફથી મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.