પશ્ચિમ બંગાળની રાજનીતિમાં વર્ષો સુધી મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. પરંતુ તાજેતરની ચૂંટણીમાં બનેલી રાજકીય પરિસ્થિતિએ બંગાળની સત્તાની સમીકરણોને જ બદલી નાંખ્યા છે. ભવાનીપુર જેવી પ્રતિકાત્મક બેઠક પર મમતા બેનરજીને હરાવી સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હોવાનું દાવો કરતી ચર્ચાઓએ રાષ્ટ્રીય રાજકારણમાં પણ ભારે રસ જગાવ્યો છે. આ સમગ્ર રાજકીય લડતમાં ગુજરાતના અશોક ચૌધરી અને તેમની ટીમની ભૂમિકાએ ખાસ ધ્યાન ખેંચ્યું છે.
સુવેન્દુ અધિકારીએ પોતાની જીત બાદ જાહેરમાં ગુજરાતના ભાજપ કાર્યકર્તાઓ અને ખાસ કરીને અમૂલ ફેડરેશન તથા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ અશોક ચૌધરીએ પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારના પોતાના અનુભવો શેર કરતા અનેક મહત્વપૂર્ણ દાવા કર્યા, જે બંગાળની રાજકીય અને સામાજિક સ્થિતિ પર પ્રકાશ પાડે છે.
ભવાનીપુર કેમ બની ચૂંટણીનું કેન્દ્ર?
ભવાનીપુર માત્ર એક વિધાનસભા બેઠક નહોતી, પરંતુ પશ્ચિમ બંગાળની રાજકીય પ્રતિષ્ઠાની લડાઈનું કેન્દ્ર બની ગઈ હતી. મમતા બેનરજી માટે આ બેઠક સત્તા અને પ્રભાવનું પ્રતિક હતી, જ્યારે ભાજપ માટે આ બેઠક જીતવી એ બંગાળમાં પોતાના રાજકીય વિસ્તરણનું સૌથી મોટું પ્રતીક બની શકે તેમ હતું. અશોક ચૌધરીના જણાવ્યા મુજબ ભાજપ હાઈકમાન્ડે ગુજરાતમાંથી લગભગ 70 કાર્યકર્તાઓની ટીમ ભવાનીપુરમાં મોકલી હતી. આ ટીમમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના કાર્યકર્તાઓ સામેલ હતા. તેમની મુખ્ય જવાબદારી મતદારો સુધી સીધો સંપર્ક સાધવાનો અને ભાજપ તરફી મતદાન માટે વિશ્વાસ ઉભો કરવાનો હતો. ચૌધરીએ કહ્યું કે, ભવાનીપુર વિસ્તારમાં આશરે 33 હજાર જેટલા ગુજરાતી અને મારવાડી મતદારો વસે છે. વર્ષોથી વેપાર-ધંધા માટે બંગાળમાં વસેલા આ પરિવારો ચૂંટણી દરમિયાન ડર અને દબાણનો સામનો કરતા હતા. તેમના દાવા અનુસાર અગાઉની ચૂંટણીઓમાં કેટલાક વિસ્તારોમાં મતદારોને મતદાનથી રોકવા માટે ગુંડાતત્વો દ્વારા દબાણ કરવામાં આવતું હતું.
ગુજરાતમાં આવેલું આ ગામ છે ભારતનું સૌથી અમીર ગામ: અહીં બેંકોમાં જમા છે ₹1000 કરોડથી વધુની થાપણો! જાણો કેમ કહેવાય છે તેને 'મિની લંડન'
ભાજપની ચૂંટણી રણનીતિમાં “મહત્તમ મતદાન” પર ભાર
અશોક ચૌધરીના નિવેદનોમાં એક મહત્વનો મુદ્દો હતો-ભાજપની આખી ચૂંટણી રણનીતિ “વધુમાં વધુ મતદાન” પર આધારિત હતી. ભાજપને લાગતું હતું કે જો સામાન્ય મતદારો ડર વિના મતદાન કરવા બહાર આવશે તો તેનો સીધો ફાયદો ભાજપને મળશે. આ માટે ભાજપ કાર્યકર્તાઓએ ઘરેઘરે જઈ મતદારોનો સંપર્ક કર્યો. દરેક બુથ પર સતત હાજરી રાખી લોકોમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ થયો. ચૌધરીના જણાવ્યા મુજબ, ચૂંટણી પ્રચારના ચારથી પાંચ દિવસમાં જ કાર્યકર્તાઓને સ્થાનિક લોકોના પ્રતિસાદ પરથી વિશ્વાસ આવી ગયો હતો કે સત્તા વિરોધી લહેર મજબૂત છે. તેમણે મમતા સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સ્થાનિક સ્તરે તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા ગુંડાતત્વોના કારણે સામાન્ય લોકોમાં ભારે અસંતોષ હતો. ઘરનું રિપેરિંગ કરાવવું હોય કે નાના વેપાર માટે પરવાનગી લેવી હોય, લોકો પર દબાણ અને હપ્તાની વ્યવસ્થા ચાલતી હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા.
ગુજરાતના ગાંધીનગરમાં મોયા મોયાનો કેસ આવતા ફફડાટ: આખરે આ બીમારી કઈ રીતે થાય છે અને શું હોય તેના લક્ષણો?
ગુજરાત અને બંગાળ વચ્ચેનું રાજકીય જોડાણ
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી રસપ્રદ બાબત ગુજરાત અને પશ્ચિમ બંગાળ વચ્ચેનું રાજકીય જોડાણ રહ્યું. સામાન્ય રીતે બંગાળની ચૂંટણીમાં સ્થાનિક ભાષા, સંસ્કૃતિ અને પ્રાદેશિક મુદ્દાઓનું પ્રભુત્વ રહે છે. પરંતુ ભાજપે બહારના રાજ્યોના સંગઠનાત્મક મોડલને પણ અહીં અજમાવ્યું. ગુજરાત ભાજપ લાંબા સમયથી મજબૂત બૂથ મેનેજમેન્ટ અને કાર્યકર્તા આધારિત ચૂંટણી મોડલ માટે ઓળખાય છે. એ જ મોડલનો ઉપયોગ ભવાનીપુરમાં કરવાનો પ્રયાસ થયો હોવાનું ચૌધરીના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે. મતદારો સુધી સીધો સંપર્ક, સતત પ્રચાર અને મતદાનના દિવસે સક્રિય દેખરેખ-આ તમામ બાબતો ભાજપની પરંપરાગત ચૂંટણી રણનીતિનો ભાગ રહી છે. ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, પ્રચાર દરમિયાન બંગાળમાં વસતા ગુજરાતી અને મારવાડી પરિવારો દ્વારા તેમને ખૂબ સ્નેહ મળ્યો. રોજ સાંજે અલગ અલગ પરિવારો તેમને પોતાના ઘરે જમવા લઈ જતા હતા. આ ઘટના માત્ર લાગણીશીલ જોડાણ નહીં, પરંતુ બંગાળમાં વસતા વેપારી વર્ગના રાજકીય ઝુકાવને પણ દર્શાવે છે.
"બંગાળમાં પ્રચાર દરમિયાન જ ખબર પડી ગઈ હતી કે ભાજપ જ જીતશે"
ઉત્તર ગુજરાતનું ભાજપનું મોટું માથું અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યુંકે, અમને બંગાળમાં પ્રચાર દરમિયાન જ વિશ્વાસ હતો કે, ભાજપની જીત નિશ્ચિત છે. ત્યાં રહેતા ગુજરાતી પરિવારો અમને દરરોજ રાત્રે તેમના ઘરે લઈ જતા અને જમાડતા હતા. આવું વાતાવરણ અમે બીજે ક્યાંય જોયું નથી.
'માત્ર બે બેઠકોના શૂન્યાવકાશથી સત્તાના શિખર સુધી...': ભારતીય રાજકારણનો નકશો બદલી નાખનારી ભાજપની ઐતિહાસિક સફર
સુવેન્દુ અધિકારીની છબી અને ભાજપની નવી રાજનીતિ
અશોક ચૌધરીએ સુવેન્દુ અધિકારીને “જમીનથી જોડાયેલા નેતા” તરીકે વર્ણવ્યા. તેમના જણાવ્યા મુજબ અધિકારી કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં રહેતા અને સામાન્ય લોકોની સમસ્યાઓને નજીકથી સમજતા હતા. સુવેન્દુ અધિકારીનો રાજકીય પ્રવાસ પણ રસપ્રદ રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અધિકારીએ નંદીગ્રામ આંદોલનથી પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી. ભાજપે તેમને બંગાળમાં મમતા બેનરજી સામે સૌથી મજબૂત ચહેરા તરીકે રજૂ કર્યા. તેમની જીતને ભાજપ માટે માત્ર રાજકીય નહીં પરંતુ માનસિક વિજય તરીકે પણ જોવામાં આવે છે. જોકે પશ્ચિમ બંગાળની રાજનીતિ હંમેશા અત્યંત જટિલ રહી છે. રાજ્યમાં ભાષા, સંસ્કૃતિ, પ્રાદેશિક ગૌરવ અને ઓળખના મુદ્દાઓ ખૂબ પ્રભાવશાળી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ માટે બંગાળમાં મજબૂત રીતે સત્તા સ્થાપિત કરવી એક લાંબી રાજકીય પ્રક્રિયા ગણાય છે.
કેવી રીતે થયો વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીનો ઉદય?: ભાજપ પૂર્વે શું હતું? જાણો જનસંઘથી શરૂ થયેલા ભાજપના સંઘર્ષની કહાની
અશોક ચૌધરીનો રાજકીય અને સહકારી ક્ષેત્રમાં પ્રભાવ
અશોક ચૌધરી માત્ર ભાજપ સંગઠન સાથે જ નહીં, પરંતુ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં પણ મહત્વનું નામ છે. તેઓ દૂધસાગર ડેરી અને અમૂલ ફેડરેશન સાથે લાંબા સમયથી જોડાયેલા છે. ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકો સાથે સીધો સંપર્ક ધરાવતા ચૌધરીનું સંગઠનાત્મક નેટવર્ક ભાજપ માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. તેઓ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ રાજ્ય હાઉસિંગ બોર્ડમાં પણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. સહકારી ક્ષેત્ર અને રાજકીય સંગઠન બંનેમાં તેમનો અનુભવ ભાજપ માટે ચૂંટણી દરમિયાન ઉપયોગી સાબિત થયો હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.





