ગુજરાતના ગાંધીનગરમાં ‘મોયા મોયા’ નામની દુર્લભ બીમારીનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ અને સામાન્ય લોકોમાં ચિંતા ફેલાઈ છે. આ બીમારી વિશે સામાન્ય જાણકારી ઓછી હોવાથી લોકોમાં ભય અને ગેરસમજ બંને જોવા મળી રહ્યા છે. હકીકતમાં, ‘મોયા મોયા’ એક ગંભીર પરંતુ દુર્લભ મગજ સંબંધિત રોગ છે જેનું યોગ્ય સમય પર નિદાન થાય તે જરૂરી છે. મોયા મોયા બીમારીમાં મગજ સુધી લોહી પહોંચાડતી મુખ્ય ધમનીઓ ધીમે ધીમે સંકુચિત થવા લાગે છે. આ સ્થિતિને વૈજ્ઞાનિક રીતે Moyamoya disease કહેવામાં આવે છે. જ્યારે આ ધમનીઓ પાતળી થઈ જાય છે ત્યારે શરીર નવી નાની નસો બનાવવાનો પ્રયાસ કરે છે પરંતુ આ નસો નબળી અને અસ્થિર હોય છે જેના કારણે સ્ટ્રોક અથવા બ્રેન હેમરેજનું જોખમ વધી જાય છે.
‘મોયા મોયા’ નામ કેમ પડ્યું?
આ બીમારીનું નામ જાપાનીઝ ભાષામાંથી આવ્યું છે. ‘મોયા મોયા’નો અર્થ થાય છે ‘ધુમાડા જેવી દેખાવતી રચના’ મગજનું સ્કેનિંગ કરીએ ત્યારે આ નાની નસો દેખાય છે ત્યારે તે ધુમાડા જેવી રચના દેખાડે છે. તેથી આ નામ આપવામાં આવ્યું છે. આ બીમારી સૌથી પહેલા જાપાનમાં નોંધાઈ હતી. પરંતુ હવે વિશ્વના વિવિધ દેશોમાં પણ કેસ જોવા મળે છે. આ રોગ કોઈ પણ વયના લોકોમાં થઈ શકે છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં વધુ જોવા મળે છે. કેટલાક કેસોમાં આ વારસાગત પણ હોઈ શકે છે.
શું છે લક્ષણો
મોયા મોયા બીમારીના લક્ષણો વ્યક્તિ પ્રમાણે અલગ હોઈ શકે છે. વારંવાર માથાનો દુખાવો, અચાનક હાથ કે પગમાં નબળાઈ, બોલવામાં તકલીફ, નજરમાં અસ્પષ્ટતા અને સંતુલન ગુમાવવું સામેલ છે. કેટલાક દર્દીઓમાં સ્ટ્રોક જેવા લક્ષણો પણ જોવા મળે છે. જેમ કે શરીરના એક ભાગમાં અચાનક સુન્નતા અથવા ચાલવામાં મુશ્કેલી. બાળકોમાં ક્યારેક ખેંચ પણ આવવાની શક્યતા છે. આ લક્ષણો દેખાય તો તરત જ તબીબી સલાહ લેવી અત્યંત જરૂરી છે. કારણ કે વિલંબ જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: ગાંધીનગરનો યુવક 'મોયા મોયા' બીમારીનો શિકાર : આયુર્વેદિક સારવાર બાદ ફરી ચાલતો થતા પરિવારને બંધાઈ નવી આશ
આ બીમારી કેમ થાય છે?
મોયા મોયા બીમારીનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. કેટલાક સંશોધનો મુજબ, જિનેટિક ફેરફારો, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી પરિસ્થિતિઓ હોઈ શકે છે. કેટલાક કેસોમાં આ બીમારી અન્ય રોગો સાથે પણ જોડાયેલી જોવા મળે છે જેમ કે Down syndrome અથવા Sickle cell disease. આથી સ્પષ્ટ થાય છે કે શરીરની અંદરની જટિલ પ્રક્રિયાઓ સાથે આ બીમારી સંકળાયેલી હોઈ શકે છે.
સારવાર અને બચાવ
મોયા મોયા બીમારી માટે સંપૂર્ણ ઉપચાર ઉપલબ્ધ નથી પરંતુ યોગ્ય સારવારથી તેની અસર ઘટાડવામાં આવી શકે છે. મુખ્યત્વે સર્જરી દ્વારા મગજમાં લોહીનો પ્રવાહ સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ડોક્ટરો દવાઓ દ્વારા પણ સ્ટ્રોકના જોખમને ઘટાડવાનો પ્રયાસ કરે છે. સાથે જ, દર્દીને નિયમિત તપાસ અને લાંબા ગાળાની મોનિટરિંગ જરૂરી હોય છે. જીવનશૈલીમાં ફેરફાર, તણાવ નિયંત્રણ અને તબીબી માર્ગદર્શનનું પાલન ખૂબ મહત્વનું છે.
આ પણ વાંચો: રાજકોટવાસીઓ સાવધાન! : જાણીતી બ્રાન્ડના નામે અહીં પીરસાય રહી છે વાસી વસ્તુઓ, મનપાના દરોડામાં થયો મોટો ખુલાસો
જાહેર આરોગ્ય માટે શું મહત્વ?
ગાંધીનગરમાં આ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર માટે પણ ચેતવણી સમાન સ્થિતિ ઊભી થઈ છે. દુર્લભ બીમારીઓ વિશે જાગૃતિ વધારવી અને સમયસર નિદાન સુલભ બનાવવું અત્યંત જરૂરી બની ગયું છે. જો લોકો લક્ષણોને અવગણ્યા વગર સમયસર તપાસ કરાવે છે. તો ગંભીર પરિસ્થિતિઓ ટાળી શકાય છે. ખાસ કરીને બાળકોમાં આવી લક્ષણો દેખાય તો વધુ સાવચેતી રાખવી જરૂરી છે.





