Home Gujarat Savli Pasva Village Ertiga Accident Mumbai Man Death

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સાવલી નજીક પલટી કાર : મુંબઈના આધેડે ગુમાવ્યો જીવ, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

અકસ્માતની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 08, 2026, 10:25 AM IST

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. અહીં વધુ એક જીવલેણ ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પસવા ગામ નજીક અર્ટિગા કાર પલટી જતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતે ફરી એક વખત હાઈવે સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. મૃતકની ઓળખ નવી મુંબઈના વાસી વિસ્તારમાં રહેતા 50 વર્ષનાં દિનેશકુમાર નક્ષત્રમલ જૈન તરીકે થઈ છે. તેઓ તેમના પરિવાર અને મિત્ર સાથે રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની હતી.

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

દિનેશકુમાર જૈન તેમની પત્ની સુશીલાબહેન, પુત્રી ઝીલ અને મિત્ર ચંદ્રકાંતભાઈ અરુણકુમાર સનાઢ્ય સાથે રાજસ્થાન ગયા હતા. લગ્ન પ્રસંગ પૂરો કરીને તેઓ પોતાની અર્ટિગા કારમાં મુંબઈ પરત ફરી રહ્યાં હતા. પરંતુ ખુશીના આ પ્રવાસે ભયાનક વળાંક લીધો. વડોદરા નજીક કાલોલ પાસેથી પસાર થયા બાદ જ્યારે તેઓ સાવલીના પસવા ગામ નજીક પહોંચ્યા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો.

આ પણ વાંચો: ગુજરાતનાં હવામાનમાં ઉથલપાથલ : ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ખતરો, જાણો તમારા શહેરની સ્થિતિ

સ્ટિયરિંગ પરથી ગુમાવ્યો કાબુ

પ્રાથમિક માહિતી મુજબ કાર ચલાવી રહેલા ચંદ્રકાંતભાઈએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર બેકાબૂ બની હાઈવેના નાળા પાસે રોડ વચ્ચે આવેલી ખાલી જગ્યામાં ફંગોળાઈ હતી. કારની ગતિ વધુ હોવાથી અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો કૂળદો બોલી ગયો હતો. ઘટનાની તીવ્રતા જોઈને આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

આ પણ વાંચો: રિક્ષાની રાહ જોતી યુવતી પર હુમલાના કેસમાં સનસનીખેજ વળાંક : યુવતીએ પોતે જ રચ્યું હતું આખું ષડયંત્ર, કારણ જાણી પોલીસ પણ સ્તબ્ધ

સ્થાનિકોની તાત્કાલિક મળી મદદ

કાર પલટી જતા મોટો અવાજ સંભાળાયો હતો. આ અવાજ સાંભાળી આસપાસના ગ્રામજનો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે લોકોએ ભારે મહેનત કરી હતી અને દરવાજા તોડી બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, દિનેશકુમાર જૈનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટનાએ પરિવારજનોને ભારે આઘાતમાં મૂકી દીધા છે.

ઈજાગ્રસ્તોની હાલત ગંભીર

આ દુર્ઘટનામાં ઝીલ જૈન, સુશીલાબહેન જૈન અને ચાલક ચંદ્રકાંતભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. મૃતક દિનેશકુમાર જૈનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની SSG હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. સાવલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now