Home Gujarat Vadodara Vadodara Girl Fakes Attack To Hide Love Affair Waghodia Road

રિક્ષાની રાહ જોતી યુવતી પર હુમલાના કેસમાં સનસનીખેજ વળાંક : યુવતીએ પોતે જ રચ્યું હતું આખું ષડયંત્ર, કારણ જાણી પોલીસ પણ સ્તબ્ધ

Vadodara Fake Attack Story, Waghodia Road
Published by: Nirali Gohil
Last Updated: May 08, 2026, 09:09 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા રોડ પર તાજેતરમાં બનેલી હુમલાની સનસનાટીપૂર્ણ ઘટનામાં એક એવો વળાંક આવ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. બે અજાણ્યા બાઈક સવારોએ હુમલો કરી ઝેરી પ્રવાહી પીવડાવ્યું હોવાનો દાવો કરનાર 19 વર્ષીય વિદ્યાર્થિની પોતે જ આ આખા કાવતરાની માસ્ટરમાઈન્ડ નીકળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી પર્દાફાશ કર્યો છે કે, યુવતીએ તેના ચાર વર્ષ જૂના ગુપ્ત પ્રેમ સંબંધને પરિવારથી છુપાવવા માટે આ આખું ષડયંત્ર જાતે જ રચ્યું હતું. પોતાની જ વાતમાં ફસાયેલી યુવતીના આ કૃત્યથી પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

શું હતો હુમલાનો બનાવ? વિદ્યાર્થિનીની ઉપજાવી કાઢેલી વાર્તા

ઘટનાની વિગતો મુજબ, વાઘોડિયા રોડ પર રહેતી અને કમ્પ્યુટર ક્લાસમાં જતી વિદ્યાર્થિનીએ ગત 6 એપ્રિલના રોજ પરિવારને ફોન કરીને જણાવ્યું હતું કે ઉમા ચાર રસ્તા પાસે બે અજાણ્યા યુવકોએ તેને આંતરી હતી. તેણે દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેને જબરદસ્તી કંઈક પીવડાવી દીધું હતું અને ચપ્પા વડે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થિનીને સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે પોલીસ સમક્ષ કાળા ટીશર્ટ પહેરેલા શખ્સોનું વર્ણન પણ કર્યું હતું. આ હાઈપ્રોફાઈલ ડ્રામાને કારણે સમગ્ર વિસ્તારમાં મહિલા સુરક્ષાને લઈને ભયનો માહોલ ફેલાયો હતો.

આ પણ વાંચો: વડોદરાવાસીઓની સૌથી મોટી સમસ્યાનો આવી ગયો ઉકેલ : પાલિકાએ 50 પ્લોટ્સ પર જાહેર કર્યું ‘ફ્રી પાર્કિંગ’, જાણો તમારા વિસ્તારમાં ક્યાં મળી સુવિધા

CCTV ફૂટેજમાં ભાંડો ફૂટ્યો: પોલીસને ક્યાં ગઈ શંકા?

પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. પટેલ અને તેમની ટીમે જ્યારે ઘટનાની ગંભીરતા જોઈને તપાસ શરૂ કરી, ત્યારે વાર્તાના છેડા મળતા નહોતા. પોલીસે ઘટનાસ્થળના અડધો કિલોમીટરના વિસ્તારના તમામ સીસીટીવી ચેક કર્યા, પરંતુ યુવતીએ જણાવ્યા મુજબના કોઈ બાઈક સવારો કે શંકાસ્પદ હલચલ જોવા મળી નહોતી. વધુમાં, યુવતીના નિવેદનમાં વારંવાર બદલાવ આવતા પોલીસને શંકા ગઈ હતી. જ્યારે યુવતીના મોબાઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવામાં આવ્યા, ત્યારે તેના મહોલ્લામાં જ રહેતા એક યુવક સાથેના પ્રેમ સંબંધની કડીઓ મળી આવી હતી.

પ્રેમ સંબંધ પકડાઈ જવાનો ડર અને ષડયંત્રનો પર્દાફાશ

પોલીસની આકરી પૂછપરછમાં વિદ્યાર્થિની ભાંગી પડી હતી અને સત્ય સ્વીકારી લીધું હતું. તેણે કબૂલાત કરી કે તે ધોરણ 10માં સાથે ભણતા યુવક સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમમાં હતી. પરિવારમાં એક જ ફોન હોવાથી તે ચોરીછૂપીથી વાત કરતી હતી, પરંતુ તાજેતરમાં યુવકે રિપ્લાય આપવામાં મોડું કરતા તેની માતાને શંકા ગઈ હતી. માતા ફોન ચેક કરશે અને પ્રેમ પ્રકરણ પકડાઈ જશે તો શું થશે? એવા ડરથી તેણે આ નાટક રચ્યું. તેણે પોતે જ બજારમાંથી નવું ચપ્પુ ખરીદ્યું હતું અને ઘરેથી જ બોટલમાં ફિનાઈલ ભરીને સાથે લાવી હતી.

આ પણ વાંચો: MSUમાં પ્લેસમેન્ટનો જોરદાર 'ધમધમાટ' : કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીને મળ્યું 13.4 લાખનું પેકેજ, મિકેનિકલનો દબદબો

જાતે જ ચપ્પાના ઘા માર્યા અને ફિનાઈલ પીધું

ષડયંત્રના ભાગરૂપે વિદ્યાર્થિની ક્લાસથી છૂટ્યા બાદ નિર્જન સ્થળે ગઈ હતી. ત્યાં તેણે પોતે જ ફિનાઈલ પીધું અને શરીર પર ચપ્પાના ઘા મારીને લોહીલુહાણ હાલતમાં કાકાને ફોન કર્યો હતો. તેનો આશય પરિવારનું ધ્યાન પ્રેમ સંબંધ પરથી હટાવીને હુમલાખોરો તરફ વાળવાનો હતો. જોકે, વડોદરા પોલીસની સતર્કતાએ ગણતરીના કલાકોમાં જ આ ખોટા કેસનો પર્દાફાશ કરી દીધો છે. આ કિસ્સો હાલમાં વાલીઓ અને યુવા પેઢી વચ્ચે સંવાદના અભાવ અને સોશિયલ મીડિયાના ખોટા પ્રભાવ પર ચર્ચા જગાવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now