વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં વાહનોના સતત વધતા ભારણ અને પાર્કિંગની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રાજમાર્ગો પર થતા આડેધડ પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે પાલિકા તંત્રએ શહેરના વિવિધ ઝોનમાં કુલ 57 પ્લોટ્સની યાદી તૈયાર કરી છે. આ આયોજનની સૌથી મોટી રાહત એ છે કે, આ પૈકીના 50 પ્લોટ્સ પર નાગરિકો કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર મફતમાં પાર્કિંગ કરી શકશે. નવેમ્બર-2025માં જાહેર કરવામાં આવેલી હંગામી પાર્કિંગ પોલિસીના અમલીકરણના ભાગરૂપે આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ સુવિધા ઉપલબ્ધ થયા બાદ હવે જો કોઈ વાહનચાલક જાહેર રોડ કે પ્રતિબંધિત જગ્યાએ પાર્કિંગ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરી સીધો ઈ-મેમો ફાડવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે.
19 હજાર જેટલા વાહનોને મળશે વ્યવસ્થિત પાર્કિંગ
પાલિકાના સર્વે મુજબ, આ 57 પ્લોટ્સ અંદાજે 53,000 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. આ નવી જગ્યાઓ કાર્યરત થવાથી શહેરના રસ્તાઓ પરથી અંદાજે 17,000 થી 19,000 ટુ-વ્હીલર વાહનોનું ભારણ ઘટશે. આ વાહનો વ્યવસ્થિત રીતે પ્લોટમાં પાર્ક થવાને કારણે મુખ્ય રસ્તાઓ ખુલ્લા થશે અને વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
શહેરના કયા વિસ્તારમાં ફ્રી પાર્કિંગની સુવિધા?
પાલિકાએ શહેરના ચારેય ઝોનમાં નીચે મુજબના મુખ્ય સ્થળોને પાર્કિંગ માટે ખુલ્લા મૂક્યા છે:
ગોત્રી-સેવાસી વિસ્તાર: હરિનગર બ્રિજ અને ગોત્રી બ્રિજની નીચે, તેમજ ક્રિસ્ટલ યજ્ઞપુરુષની સામેનો પ્લોટ.
વાસણા-ભાયલી રોડ: ભાયલી ફાયર સ્ટેશનની સામે, બ્રાઈટ સ્કૂલ અને ધ મધર્સ સ્કૂલની આસપાસના પ્લોટ્સ.
માંજલપુર-તરસાલી: આયુષ હોસ્પિટલની આગળ, તરસાલી ગુરુદ્વારા પાસે અને જાંબુઆ ચોકડી વિસ્તાર.
કારેલીબાગ-સમા: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સામે, આશીર્વાદ પાર્ટી પ્લોટ પાસે અને દર્શન હાઈવ્યૂ પાસેની જગ્યા.
અકોટા-તાંદલજા: મનીષા ચોકડી, આંબેડકર સર્કલ અને ચકલી સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારો પાસે પાર્કિંગ સુવિધા.
MSUમાં પ્લેસમેન્ટનો જોરદાર 'ધમધમાટ': કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીને મળ્યું 13.4 લાખનું પેકેજ, મિકેનિકલનો દબદબો
આ 7 સ્થળોએ લાગશે ચાર્જ (Pay & Park)
તંત્ર દ્વારા જાહેર કરાયેલા કુલ 57 પ્લોટ્સમાંથી 7 પ્લોટ્સ એવા છે જ્યાં વાહનચાલકોએ નિયત ચાર્જ ચૂકવવો પડશે. જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ થાય છે:
અમિતનગર બ્રિજ નીચે
ફતેગંજ બ્રિજ નીચે
હરણી લેક ઝોન પાસે
ગોલ્ડન ચોકડી
તાંદલજા શાલિમાર ડુપ્લેક્સ પાસે
ન્યૂ સમા રોડ (જલારામ મંદિર પાસે)
ન્યૂ લહેરીપુરા રોડ
આ પણ વાંચો: વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ : ધમધમતા વડસર રોડ પર માત્ર 2 કલાકમાં 40 મીટર લાંબો ગર્ડર લોન્ચ
ભીડભાડવાળા વિસ્તારોમાં સુવિધાનો અભાવ: ઉઠ્યા સવાલો
પાલિકાના આ નિર્ણયની પ્રશંસા થઈ રહી છે, પરંતુ સાથે જ કેટલીક ખામીઓ પણ સામે આવી છે. શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા અને હાર્દ સમાન ચાર દરવાજા વિસ્તાર, રાવપુરા, અલકાપુરી, દાંડિયાબજાર અને ફતેપુરામાં એકપણ ફ્રી પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યો નથી. ખાસ કરીને અલકાપુરી જેવા કોમર્શિયલ હબમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા નાગરિકો અને વેપારીઓમાં તંત્રની નીતિ સામે સવાલો ઉભા થયા છે.
વડોદરાવાસીઓ માટે હવે એ જરૂરી છે કે તેઓ ટ્રાફિક પોલીસની દંડનીય કાર્યવાહીથી બચવા માટે પાલિકા દ્વારા ફાળવવામાં આવેલા આ નિર્ધારિત પ્લોટ્સનો જ ઉપયોગ કરે.





