Vadodara News: ભારતના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરા ખાતે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા વડસર રોડ ઓવર બ્રિજ (ROB) પર 40 મીટર લાંબા ગર્ડરને 'ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ' (FSLM) દ્વારા સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કામગીરી તેની જટિલતા અને ચોકસાઈને કારણે એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો સાબિત થઈ છે.
પડકારજનક લોકેશન અને કામગીરી
આ કામગીરી જે સ્થળે કરવામાં આવી તે વિસ્તાર ટ્રાફિકની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. વડસર રોડ ઓવર બ્રિજ નીચેથી દરરોજ 100થી વધુ ટ્રેનો પસાર થાય છે. 70,000 થી વધુ વાહનોની અવરજવર રહે છે. આવા વ્યસ્ત શહેરી કોરિડોર પર કામ કરવું એ નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) માટે મોટો પડકાર હતો. જનજીવનને ન્યૂનતમ અસર થાય તે રીતે આટલા વિશાળ ગર્ડરને લોન્ચ કરવો એ ટેકનિકલ કૌશલ્યની કસોટી હતી.
વડોદરા બનશે પ્રદૂષણ મુક્ત! : VMC એ મેદાનમાં ઉતાર્યું ‘મિસ્ટ કેનન’, હવે હવામાં ઉડતી ધૂળનો આવશે અંત
માત્ર 133 મિનિટમાં મિશન પૂર્ણ
સામાન્ય રીતે આવા મોટા ગર્ડર લોન્ચિંગમાં લાંબો સમય લાગતો હોય છે, પરંતુ આધુનિક ટેકનોલોજી અને પૂર્વ-આયોજનને કારણે આ જટિલ પ્રક્રિયા માત્ર 2 કલાક અને 13 મિનિટમાં પૂર્ણ કરી લેવામાં આવી હતી. આ ઝડપી કામગીરીને કારણે રેલવે ટ્રાફિક અને રોડ ટ્રાફિક પર બ્લોકની અસર નહિવત રહી હતી.
શું છે FSLM ટેકનોલોજી?
'ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ' (FSLM) એ ગર્ડર લોન્ચ કરવાની સૌથી ઝડપી પદ્ધતિઓમાંની એક છે. આમાં આખા સ્પાનને અગાઉથી તૈયાર કરીને મશીનરી દ્વારા સીધો જ પિલર પર ગોઠવવામાં આવે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ પદ્ધતિનો ઉપયોગ કામની ગતિ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે.
વડોદરામાં થયેલું આ સફળ લોન્ચિંગ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હવે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ અને અત્યંત સચોટતાથી આગળ વધી રહ્યા છે. આગામી સમયમાં વડોદરા બુલેટ ટ્રેન નેટવર્કનું એક મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, ત્યારે આ સફળતા પ્રોજેક્ટ માટે એક નવો માઇલસ્ટોન સાબિત થશે.





