Home Gujarat Vadodara Ms University Vadodara Technology Faculty Placement 2026 Engineering Student Gets 13 Lakh Package

MSUમાં પ્લેસમેન્ટનો જોરદાર 'ધમધમાટ' : કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીને મળ્યું 13.4 લાખનું પેકેજ, મિકેનિકલનો દબદબો

MSU Placement
Published by: Nirali Gohil
Last Updated: May 08, 2026, 07:12 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર શિક્ષણ જગતમાં ચમકી છે. ખાસ કરીને ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2025-26 સોના જેવું સાબિત થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે આર્થિક ઉતાર-ચઢાવ અને જોબ માર્કેટમાં મંદીની અટકળો વચ્ચે પણ એમ.એસ. યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના જોરે દેશ-વિદેશની ટોચની કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. એપ્રિલ 2026 સુધીના રિપોર્ટ મુજબ, કેમ્પસ પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓએ આકર્ષક પગાર સાથે પ્રતિષ્ઠિત હોદ્દાઓ હાંસલ કર્યા છે, જે યુનિવર્સિટીના ઉચ્ચ શૈક્ષણિક ધોરણો અને વિદ્યાર્થીઓની કૌશલ્યતાનો પુરાવો આપે છે.

કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીએ મારી મેદાન, 13.4 લાખનું હાઈએસ્ટ પેકેજ

પ્લેસમેન્ટ પ્રક્રિયાના આંકડાઓ પર નજર કરીએ તો, આ વર્ષે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. એક તેજસ્વી વિદ્યાર્થીને વાર્ષિક 13.4 લાખ રૂપિયાનું માતબર પેકેજ ઓફર કરવામાં આવ્યું છે, જે આ વર્ષનું સૌથી ઊંચું (Highest) પેકેજ છે. આ સિવાય ફેકલ્ટીનું સરેરાશ (Average) પેકેજ પણ 4.5 લાખ રૂપિયાની આસપાસ રહ્યું છે. આ વર્ષે કુલ 112 જેટલી મલ્ટીનેશનલ અને સ્થાનિક કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં આઇટી, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ : ધમધમતા વડસર રોડ પર માત્ર 2 કલાકમાં 40 મીટર લાંબો ગર્ડર લોન્ચ


મિકેનિકલ એન્જિનિયરિંગમાં સૌથી વધુ ભરતી, 362 વિદ્યાર્થીઓને મળી જોબ

જો શાખાવાર વિગતો જોઈએ તો મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રોજગારી મેળવવામાં મોખરે રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 362 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે, જેમાં એકલા મિકેનિકલ વિભાગના જ 106 વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓએ પણ નોંધપાત્ર સંખ્યામાં પ્લેસમેન્ટ મેળવ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે કુલ 558 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી અડધાથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ પૂરું થાય તે પહેલા જ કારકિર્દીની સુરક્ષિત શરૂઆત કરી ચૂક્યા છે.

પ્લેસમેન્ટ રેશિયો 80 ટકાએ પહોંચવાની આશા, ગત વર્ષ કરતા 10% નો વધારો

યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેસમેન્ટ પ્રક્રિયા હજુ પણ પૂરી થઈ નથી. આગામી દિવસોમાં વધુ કેટલીક નામી કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યુ માટે આવવાની છે. ફેકલ્ટીના સત્તાધીશો આશા વ્યક્ત કરી રહ્યા છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં કુલ પ્લેસમેન્ટ રેશિયો 80 ટકા સુધી પહોંચી શકે છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે પ્લેસમેન્ટમાં અંદાજે 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલની મહેનત અને ઉદ્યોગો સાથેના મજબૂત સંબંધો સૂચવે છે.

આ પણ વાંચો:વડોદરા મનપા ચૂંટણી બાદ કોર્ટમાં ઘમાસાણ : વોર્ડ નં.1 ના પરિણામ સામે કોંગ્રેસ નેતા અમી રાવતની પિટિશન, 17 પક્ષકારોને નોટિસ

વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉજ્જવળ ભવિષ્યના સંકેત

MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં આ શાનદાર પ્લેસમેન્ટને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વડોદરાના ટેકનિકલ ક્ષેત્ર માટે આ એક મહત્વની સિદ્ધિ માનવામાં આવે છે. પ્લેસમેન્ટ ઓફિસરોનું કહેવું છે કે વિદ્યાર્થીઓ માટે ઈન્ડસ્ટ્રી-રેડી સ્કીલ્સ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેનું પરિણામ આજે આટલા મોટા પેકેજ અને રેકોર્ડબ્રેક પ્લેસમેન્ટ સ્વરૂપે જોવા મળી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now