Rare Moya Moya Disease: આધુનિક તબીબી વિજ્ઞાન જ્યાં મર્યાદિત સાબિત થાય છે, ત્યાં ઘણીવાર ભારતની પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ આશાનું કિરણ બનીને ઉભરે છે. આવો જ એક આશ્ચર્યજનક કિસ્સો ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સામે આવ્યો છે, જ્યાં 'મોયા મોયા' જેવી જટિલ બીમારીથી પીડાતો યુવક આયુર્વેદના પ્રતાપે ફરી બેઠો થયો છે. ગાંધીનગરના સેક્ટર-26માં રહેતા દિલીપસિંહ બિહોલાનો પુત્ર હર્ષ, છેલ્લા આઠ વર્ષથી એક એવી બીમારી સામે લડી રહ્યો હતો જેનું નામ પણ સામાન્ય લોકોએ સાંભળ્યું નથી. 'મોયા મોયા' નામની આ દુર્લભ બીમારીએ હર્ષનું જીવન પથારીવશ કરી દીધું હતું. જોકે, ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલની સારવાર બાદ માત્ર 35 દિવસમાં હર્ષ પોતાના પગે ચાલતો થતા પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
પિતાએ દીકરા પાછળ ખર્ચી નાખી આજીવન જમાપુંજી
હર્ષની આ પીડા વર્ષ 2016માં શરૂ થઈ હતી જ્યારે તેને પહેલીવાર સ્ટ્રોક આવ્યો હતો. 2018માં આવેલા બીજા સ્ટ્રોકે તેની હાલત અત્યંત ગંભીર કરી દીધી અને તે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયો. પિતા દિલીપસિંહે પુત્રને સાજો કરવા માટે અમદાવાદ, મુંબઈ અને દિલ્હીના નામાંકિત ડોક્ટરોના ઉંબરા ઘસ્યા. મોંઘા ઈન્જેક્શન અને એન્ટીબાયોટિક્સ પાછળ અંદાજે 40 થી 50 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. આટલા જંગી ખર્ચ અને વર્ષોની સારવાર છતાં હર્ષની સ્થિતિમાં સુધારો નહોતો આવ્યો.
શું છે આ 'મોયા મોયા' બીમારી?
'મોયા મોયા' એ મગજની રક્તવાહિનીઓને લગતો અત્યંત દુર્લભ રોગ છે. જાપાનીઝ ભાષામાં તેનો અર્થ 'ધુમાડાના ગોટા' જેવો થાય છે. આ રોગમાં મગજને લોહી પહોંચાડતી મુખ્ય નળીઓ સાંકડી થઈ જાય છે અથવા બ્લોક થઈ જાય છે. લોહીનો પુરવઠો ખોરવાતા મગજ નવી નાની રક્તવાહિનીઓ વિકસાવે છે, જે સ્કેનિંગમાં ધુમાડા જેવી દેખાય છે. આના કારણે દર્દીને લકવો, વારંવાર ખેંચ આવવી, યાદશક્તિ ઘટવી અને શારીરિક સંતુલન ગુમાવવા જેવી સમસ્યાઓ થાય છે.
આયુર્વેદ અને પંચકર્મનો ચમત્કાર
નિરાશ થયેલા પરિવારે અંતે સેક્ટર-22ની સરકારી આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ નિષ્ણાત વૈધ ડૉ. રાકેશ ભટ્ટનો સંપર્ક કર્યો. ડૉ. ભટ્ટે હર્ષની નાડી તપાસીને આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર શરૂ કર્યો. પંચકર્મ ચિકિત્સા દ્વારા હર્ષની સારવાર કરવામાં આવી. આશ્ચર્યની વાત એ છે કે જે બીમારી પાછળ લાખોનો ખર્ચ થયો હતો, તેની સારવાર અહીં તદ્દન મફત કરવામાં આવી. માત્ર 35 દિવસમાં હર્ષ 70 ટકા જેટલો સ્વસ્થ થયો છે. જે યુવક બે લોકોના ટેકા વગર ઊભો નહોતો રહી શકતો, તે હવે હોસ્પિટલના કોરિડોરમાં જાતે ચાલી શકે છે.
નિષ્ણાતનો મત: ગુજરાતનો પ્રથમ કેસ
ડૉ. રાકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, "ભારતમાં આ રોગના કેસ ખૂબ જ જૂજ જોવા મળે છે. હર્ષ ગુજરાતનો કદાચ આ પ્રકારનો પ્રથમ કેસ છે. આયુર્વેદમાં ભલે આ રોગને અસાધ્યની શ્રેણીમાં ગણવામાં આવ્યો હોય, પરંતુ યોગ્ય પંચકર્મ અને આયુર્વેદિક પદ્ધતિથી દર્દીને સામાન્ય જીવન તરફ લાવી શકાય છે." હર્ષની આ સફર એ વાતની સાક્ષી પૂરે છે કે આધુનિક ચિકિત્સાની સાથે સાથે આપણી પ્રાચીન આયુર્વેદિક વિરાસત પણ ગંભીર બીમારીઓ સામે લડવા માટે સક્ષમ છે. પિતા દિલીપસિંહ બિહોલા માટે ડૉ. રાકેશ ભટ્ટ 'દેવદૂત' સાબિત થયા છે, જેમણે તેમના પુત્રને નવજીવન આપ્યું છે.
મોયા-મોયા ડિસીઝ શું છે?
‘મોયા-મોયા’ નામ જાપાનીઝ ભાષામાંથી આવ્યું છે, જેનો અર્થ “ધુમાડા જેવી રચના” થાય છે. જ્યારે મગજની મુખ્ય રક્ત નળીઓ સંકોચાય છે ત્યારે શરીર વિકલ્પરૂપે નાની નસો બનાવે છે. સ્કેનમાં આ નસો ધુમાડા જેવી દેખાતી હોવાથી આ નામ પડ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ બીમારીમાં દર્દીને વારંવાર માથાનો દુખાવો, ચક્કર, હાથ-પગમાં નબળાઈ, બોલવામાં તકલીફ અથવા અચાનક સ્ટ્રોક જેવા લક્ષણો દેખાઈ શકે છે. ગંભીર પરિસ્થિતિમાં દર્દીનું દૈનિક જીવન સંપૂર્ણપણે અન્ય લોકો પર આધારિત બની જાય છે. ગુજરાતમાં અગાઉ પણ મોયા-મોયા ડિસીઝના દર્દીઓ પર સર્જરી દ્વારા સફળ સારવારના કિસ્સાઓ સામે આવ્યા છે. જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં મગજની નસની બાયપાસ સર્જરી દ્વારા દર્દીને રાહત મળ્યાનો કેસ ખાસ ચર્ચામાં રહ્યો હતો. નિષ્ણાતો જણાવે છે કે સમયસર નિદાન અને યોગ્ય સારવાર આ બીમારીમાં અત્યંત મહત્વપૂર્ણ છે.
કેમ વધી રહી છે ચિંતા?
મગજ અને નસોથી જોડાયેલી બીમારીઓ હવે માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ જોવા મળી રહી છે. અનિયમિત જીવનશૈલી, તણાવ, ઊંઘનો અભાવ અને લાંબા સમય સુધી શારીરિક નિષ્ક્રિયતા અનેક બીમારીઓ માટે જવાબદાર બની રહી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો સમયસર ચેકઅપ અને પ્રાથમિક લક્ષણોને અવગણવાનું ટાળવાની સલાહ આપે છે. ગાંધીનગરમાં અગાઉ હાઇ બ્લડપ્રેશર, પેરાલિસિસ અને બ્રેઇન સ્ટ્રોક જેવા કેસોમાં આયુર્વેદિક સારવાર અને જીવનશૈલી સુધારણા અંગે જાગૃતિ અભિયાન પણ હાથ ધરાયા હતા. ન્યુરોલોજિસ્ટોના જણાવ્યા મુજબ જો દર્દીને વારંવાર માથાનો ભારે દુખાવો, હાથ-પગમાં નબળાઈ, બોલવામાં તકલીફ, દ્રષ્ટિમાં ફેરફાર અથવા અચાનક બેભાન થવાની ફરિયાદ હોય તો તરત નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જોઈએ. સમયસર નિદાનથી સ્ટ્રોક જેવા ગંભીર જોખમને ઓછું કરી શકાય છે.






