રાજકોટ: રાજ્યમાં ઉનાળાની સિઝન અને લગ્નગાળાને પગલે ખાણી-પીણીના પદાર્થોમાં ભેળસેળ અને ગુણવત્તાના પ્રશ્નો વકર્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ફરી એકવાર એક્શનમાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર આવેલી પ્રખ્યાત ફૂડ ચેઈન અને ખાણી-પીણીની દુકાનો પર ત્રાટકેલા આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. ખાસ કરીને કાલાવડ રોડ જેવા ધમધમતા વિસ્તારમાં જાણીતા આઉટલેટ્સમાં તપાસ હાથ ધરતા અનેક ક્ષતિઓ સામે આવી છે. આ કાર્યવાહીને પગલે રાજકોટના 'ફૂડ લવર્સ' માં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર દ્વારા લોકોને બહારનું ખાતા પહેલા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
બર્ગર કિંગમાંથી 72 લિટર એક્સપાયરી ડેટનું દૂધ મળ્યું
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પ્રખ્યાત બર્ગર કિંગ (Burger King) આઉટલેટમાં જ્યારે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. અહીં સ્ટોકમાં રહેલું 72 લિટર જેટલું દૂધ એક્સપાયરી ડેટનું મળી આવ્યું હતું. આ દૂધનો ઉપયોગ ગ્રાહકોને પીરસવામાં આવતા શેક અથવા અન્ય વાનગીઓમાં થવાનો હતો, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હતું. તંત્રએ તાત્કાલિક અસરથી આ જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને બેદરકારી બદલ સંચાલકોને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સાવલી નજીક પલટી કાર: મુંબઈના આધેડે ગુમાવ્યો જીવ, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
21 જેટલા ધંધાર્થીઓને ત્યાં સપાટો: 17 સ્થળે નમૂના લેવાયા
આરોગ્ય વિભાગની આ કાર્યવાહી માત્ર એક આઉટલેટ પૂરતી સીમિત નહોતી. મહાનગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 21 જેટલા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ૪ ધંધાર્થીઓ પાસે જરૂરી લાયસન્સ ન હોવાથી તેમને નોટિસ પાઠવવામાં આવી છે અને સુધારાત્મક સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, ગુણવત્તાની ચકાસણી કરવા માટે ૧૭ જેટલા સ્થળોએથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈ સ્થળ પર જ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતનાં હવામાનમાં ઉથલપાથલ : ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ખતરો, જાણો તમારા શહેરની સ્થિતિ
બર્ગર લવર્સ ચેતજો! આરોગ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રખ્યાત બ્રાન્ડ હોવા છતાં એક્સપાયરી ડેટની વસ્તુઓનો ઉપયોગ કરવો એ ગ્રાહકોના વિશ્વાસ અને સ્વાસ્થ્ય સાથેના ગંભીર ચેડાં છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે પણ એકમ સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરે અથવા ભેળસેળયુક્ત કે વાસી ખોરાક પીરસશે, તેમની સામે લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.





