ભારતીય રાજકારણમાં કેટલીક ગાથાઓ માત્ર ચૂંટણીના આંકડાઓ પૂરતી સીમિત નથી હોતી; તે સમય, સંઘર્ષ, વિચારધારા, સંગઠન અને નેતૃત્વના અવિરત પ્રવાહની ગાથા હોય છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાજકીય સફર પણ કંઈક આવી જ રોમાંચક અને પ્રેરણાદાયી છે.
આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નામ લેવામાં આવે ત્યારે નરેન્દ્ર મોદીનું પ્રબળ નેતૃત્વ, અમિત શાહની વ્યુહરચના, રાષ્ટ્રીય સુરક્ષા, પ્રખર હિંદુત્વ, સર્વાંગી વિકાસ, છેવાડાના માનવી માટેની કલ્યાણકારી યોજનાઓ અને ચૂંટણી જીતવાનું એક અજેય મશીનરી જેવું સંગઠન આપોઆપ નજર સમક્ષ તરી આવે છે. પરંતુ, બહુ ઓછા લોકો જાણે છે કે આજના આ રાજકીય વટવૃક્ષનો એક સમય એવો પણ હતો જ્યારે લોકસભામાં તેનું અસ્તિત્વ માત્ર બે બેઠકો પૂરતું જ મર્યાદિત હતું.
વર્ષ 1984ની લોકસભા ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ સમાન હતી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સર્જાયેલી સહાનુભૂતિની લહેરમાં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે 400થી વધુ બેઠકો જીતીને રાજકીય વાવાઝોડું સર્જ્યું હતું. ભારતીય ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ સાક્ષી છે કે તે સમયે ભાજપ માત્ર 2 બેઠકો પર જ વિજય મેળવી શક્યો હતો.
ભાજપની વિજય ગાથાની શરૂઆત ગુજરાતથી જ થઇ હતી અને તે પણ ભાજપની વર્તમાન સફળતાના શિલ્પીઓની ભૂમિ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચાણકય અમિત શાહની ભૂમિ મહેસાણા...ગુજરાતની મહેસાણા બેઠક પરથી ડૉ. એ.કે. પટેલ અને આંધ્રપ્રદેશની હનમકોંડા બેઠક પરથી ચંદુપટલા જંગા રેડ્ડી વિજેતા થયા હતા. રાજકારણના પટલ પર પરાજય ક્યારેય પૂર્ણવિરામ નથી હોતો; ઘણીવાર તે એક નૂતન અધ્યાયની શરૂઆત હોય છે. 1984ની એ 2 બેઠકોથી શરૂ થયેલી સફર 2014માં 282 બેઠકોના જાદુઈ આંકડા સુધી પહોંચી. ત્યારબાદ 2019માં 303 બેઠકો સાથે ભાજપે વધુ મજબૂત પકડ જમાવી. 2024ની ચૂંટણીમાં ભાજપ સ્વબળે બહુમતીથી થોડો દૂર રહી 240 બેઠકો પર અટક્યો હોવા છતાં, એનડીએ (NDA) ગઠબંધન સાથે સતત ત્રીજી વાર કેન્દ્રમાં સરકાર બનાવીને તેણે નવો ઈતિહાસ રચ્યો છે.આ માત્ર એક રાજકીય પક્ષની વિજયયાત્રા નથી, પરંતુ ભારતીય રાજકારણના 'પાવર સેન્ટર' બદલાવાની ઐતિહાસિક ઘટના છે.

1984: જ્યારે ભાજપ અસ્તિત્વના સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો
1984ની ચૂંટણીમાં મળેલો પરાજય ભાજપ માટે મોટો આઘાત હતો. પક્ષ નવો હતો, રાષ્ટ્રીય ફલક પર સંગઠનનું માળખું હજુ પાંગરી રહ્યું હતું, વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા માટેના સાધનો મર્યાદિત હતા અને દેશનો રાજકીય મિજાજ કોંગ્રેસ તરફી હતો. ઇન્દિરા ગાંધીના નિધન પછીની ભાવનાત્મક લહેર અને રાજીવ ગાંધીના યુવા ચહેરાએ ભાજપને હાંસિયામાં ધકેલી દીધો હતો.
જોકે, આ હાર ભાજપ માટે માત્ર આંકડાકીય નિષ્ફળતા નહોતી, પણ આત્મમંથનનો સુવર્ણ અવસર બની રહી. પક્ષ સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું ભાજપ માત્ર એક ચોક્કસ વિચારધારા ધરાવતું નાનું જૂથ બનીને રહી જશે, કે પછી કોંગ્રેસના એકાધિકાર સામે સબળ રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ઉભરશે? આ પ્રશ્નનો ઉત્તર ભાજપે છેલ્લા ચાર દાયકાના પરિશ્રમ દ્વારા આપ્યો છે.
ભાજપના મૂળિયાં: 1980 પહેલાનો ઇતિહાસ
ભાજપની વિધિવત સ્થાપના ભલે 1980માં થઈ હોય, પરંતુ તેની વિચારધારાના મૂળિયાં વર્ષો જૂના છે. 1951માં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ‘ભારતીય જનસંઘ’ની સ્થાપના કરી હતી, જે ભાજપની રાજકીય પરંપરાનો મુખ્ય પાયો ગણાય છે. જનસંઘે તત્કાલીન કોંગ્રેસ શાસિત ભારતમાં એક અલગ વિચારધારા મૂકી હતી, જેમાં પ્રખર રાષ્ટ્રવાદ, સાંસ્કૃતિક ગૌરવ અને કોંગ્રેસની નીતિઓ સામે મજબૂત વૈકલ્પિક દૃષ્ટિકોણ હતો.
સ્વતંત્રતા પછીના દાયકાઓમાં કોંગ્રેસનું સંગઠન અને સત્તા પરનું પ્રભુત્વ અજેય જણાતું હતું. આવા પ્રતિકૂળ વાતાવરણમાં કોઈપણ નવા વિચાર માટે સ્થાન બનાવવું અત્યંત કઠિન હતું. પરંતુ જનસંઘ પાસે એક એવી શક્તિ હતી જે કાળક્રમે ભાજપની સૌથી મોટી મૂડી બની: 'કેડર આધારિત સંગઠન'. આ પક્ષમાં માત્ર સત્તાની લાલસા નહોતી, પણ વિચારધારાને ગામડાં અને મહોલ્લા સુધી પહોંચાડવાની કાર્યકર્તાઓની નિષ્ઠા હતી.
વિચારધારાથી સંગઠન: પંડિત દિનદયાળ ઉપાધ્યાયનું યોગદાન
ભાજપની વૈચારિક સફરમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયના પ્રદાનને ક્યારેય વિસરી શકાય તેમ નથી. તેમણે આપેલા ‘એકાત્મ માનવવાદ’ અને ‘અંત્યોદય’ના સિદ્ધાંતોએ પક્ષને એક માનવીય ચહેરો અને ચોક્કસ દિશા આપી. “અંત્યોદય” એટલે કે હરોળના છેલ્લા માણસનો ઉદય આ વિચાર જ આજે ભાજપની ‘ગરીબ કલ્યાણ’ની રાજનીતિ અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો પાયો છે. આજની ભાજપની રાજનીતિમાં એક તરફ રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ચેતના છે, તો બીજી તરફ મહિલા, યુવા, ખેડૂત અને લાભાર્થી વર્ગને કેન્દ્રમાં રાખીને ચાલતી યોજનાઓ છે. આ બંને વિષયોનું સંયોજન પક્ષના મૂળભૂત વૈચારિક માળખામાં પહેલેથી જ રહેલું છે.

કટોકટી: સંઘર્ષના તપમાંથી નિખરેલો પક્ષ
1975ની કટોકટી (ઇમરજન્સી) ભારતીય લોકશાહીનો અંધકારમય સમય હતો, પરંતુ તે જ સમયે વિરોધ પક્ષો માટે એક નવી ઉર્જાનું કેન્દ્ર પણ બન્યો. જનસંઘના નેતાઓ જેલમાં ગયા અને લોકશાહીના રક્ષણ માટે લડ્યા. 1977માં જનતા પાર્ટીના પ્રયોગ દ્વારા કોંગ્રેસને પહેલીવાર સત્તા પરથી દૂર કરવામાં સફળતા મળી. જોકે, આંતરિક વિખવાદોને કારણે જનતા પાર્ટી લાંબો સમય ટકી શકી નહીં અને તેમાંથી જ 1980માં ‘ભારતીય જનતા પાર્ટી’નો ઉદય થયો.
અટલ બિહારી વાજપેયી ભાજપના પ્રથમ અધ્યક્ષ બન્યા. શરૂઆતમાં પક્ષે ‘ગાંધીવાદી સમાજવાદ’ જેવી ભાષા અપનાવીને પોતાની કઠોર વિચારધારાવાળી છબી બદલવાનો પ્રયાસ કર્યો. પરંતુ 1984ના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું કે ભાજપે પોતાની મૂળભૂત ઓળખ અને રાષ્ટ્રીય પ્રશ્નો પર વધુ આક્રમક થવાની જરૂર છે.
રથયાત્રા અને જનચેતનાનો વળાંક
1984ની હાર પછી ભાજપે એક નિર્ણાયક વળાંક લીધો. લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં પક્ષે રામ જન્મભૂમિ આંદોલન અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પોતાની રાજનીતિના કેન્દ્રમાં મૂક્યા. અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાએ માત્ર રાજકીય માહોલ જ નહીં, પણ ભારતીય સમાજની ચેતનાને પણ ઝંઝોળી નાખી. આ રથયાત્રાની સફળતામાં પણ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વનો ફાળો હતો, આ રથયાત્રા નો ચહેરો લાલકૃષ્ણ અડવાણી હતા અને તેઓનો પડછાયો નરેન્દ્ર મોદી હતા એવું કહેવું અતિશયોક્તિપૂર્ણ નહિ કહેવાય. આ યાત્રા દ્વારા ભાજપ ગામડાંઓ અને સામાન્ય જનતાના હૃદય સુધી પહોંચવામાં સફળ રહ્યો. ભાજપ હવે માત્ર સંસદમાં બેસનારી નાની પાર્ટી મટીને રસ્તા પરના જનઆંદોલનનું પ્રતીક બની ગયો.
અટલ બિહારી વાજપેયી: સર્વસ્વીકૃત નેતૃત્વ
ભાજપના ઉદયમાં અટલબિહારી વાજપેયીનું સ્થાન અનન્ય છે. અડવાણીએ જો સંગઠન અને આંદોલનની ઉર્જા પૂરી પાડી, તો વાજપેયીએ ભાજપને ‘રાષ્ટ્રીય સ્વીકાર્યતા’ અપાવી. તેમની ગરિમાપૂર્ણ ભાષા, વિરોધીઓ પ્રત્યેનું સન્માન અને ગઠબંધન ચલાવવાની અદભુત કુશળતાએ મધ્યમ વર્ગ અને અન્ય પ્રાદેશિક પક્ષોને ભાજપ તરફ આકર્ષ્યા. 1996માં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો અને ત્યારબાદ 1998 અને 1999માં એનડીએ સરકારના નેતૃત્વ હેઠળ વાજપેયી વડાપ્રધાન બન્યા. પોખરણ-2 પરમાણુ પરીક્ષણ, કારગિલ વિજય અને સુવર્ણ ચતુર્ભુજ યોજના જેવા કાર્યોએ ભાજપની ‘સુશાસન’ (Good Governance) વાળી છબીને મજબૂત કરી.

2004 થી 2014: પરાજયમાંથી બોધપાઠ અને મોદીનો ઉદય
2004માં ‘ઇન્ડિયા શાઇનિંગ’નો નારો છતાં ભાજપને સત્તા ગુમાવવી પડી. આ હારે પક્ષને શીખવ્યું કે માત્ર વિકાસની વાતો પૂરતી નથી, જમીની સ્તરના જાતિગત સમીકરણો અને ગરીબોની જરૂરિયાતોને સમજવી પણ તેટલી જ અનિવાર્ય છે. વાજપેયી-અડવાણી યુગ પછી જ્યારે દેશ એક નવા નેતૃત્વની ઝંખના કરી રહ્યો હતો, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યા. નરેન્દ્ર મોદીની સફર સંઘના એક સામાન્ય પ્રચારકથી શરૂ થઈ હતી. મહેસાણા જીલ્લાના વડનગરના એક સામાન્ય પરિવારમાંથી આવતા મોદીએ સંગઠન ક્ષેત્રે ઊંડું કામ કર્યું હતું. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે ‘ગુજરાત મોડેલ’ દ્વારા વિકાસની જે નવી પરિભાષા કંડારી, તેમણે દેશભરના મતદારોમાં એક નવી આશા જગાવી.

અમિત શાહ: સંગઠનના અજોડ વ્યુહરચનાકાર
મોદીના જનસમર્થનને મતોમાં ફેરવવાનું કાર્ય અમિત શાહે કર્યું. 2014ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને મળેલી ઐતિહાસિક સફળતા પાછળ શાહની બૂથ લેવલની વ્યૂહરચના હતી. તેમના અધ્યક્ષપદ હેઠળ ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો. ‘પેજ પ્રમુખ’ અને ‘લાભાર્થી સંપર્ક’ જેવા નવતર પ્રયોગોએ ભાજપને ચૂંટણી જીતવાનું એક અત્યાધુનિક મશીન બનાવી દીધું.

2014, 2019 અને 2024: એક નવો યુગ
2014ની ચૂંટણીમાં 282 બેઠકો સાથે ભાજપે 30 વર્ષ પછી કોઈ એક પક્ષ માટેની સ્પષ્ટ બહુમતી મેળવી. 2019માં રાષ્ટ્રીય સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓના બળે આ આંકડો 303 પર પહોંચ્યો. જોકે, 2024માં 240 બેઠકો સાથે મતદારોએ ભાજપને ગઠબંધન રાજકારણની મર્યાદાઓ અને જમીની પડકારોની પણ યાદ અપાવી છે. તેમ છતાં, સતત ત્રીજી વાર સત્તાના સૂત્રો સંભાળવા એ ભાજપના પાયામાં રહેલી મજબૂતીનું પ્રમાણ છે.
ભાજપની સફળતાનું રહસ્ય શું છે?
ભાજપની સફળતાના આ સફર પાછળ મુખ્ય પાંચ સ્તંભો રહેલા છે:
• અડગ વિચારધારા: સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને હિંદુત્વની મજબૂત વૈચારિક પકડ.
• લોખંડી સંગઠન: કાર્યકર્તાઓની વિશાળ ફોજ અને બૂથ લેવલનું મેનેજમેન્ટ.
• પરિવર્તનશીલ નેતૃત્વ: વાજપેયીની સ્વીકાર્યતાથી લઈને મોદીના પ્રભાવી નેતૃત્વ સુધીની સફર.
• નવું મતદાર સમીકરણ: ઓબીસી, ગરીબ અને મહિલા મતદારોને પક્ષ સાથે જોડવાની કળા.
• નેરેટિવ સેટ કરવાની ક્ષમતા: રાષ્ટ્રવાદ અને ગરીબ કલ્યાણને એક જ તાંતણે બાંધવાની કુશળતા.

નિષ્કર્ષ
1984માં માત્ર 2 બેઠક મેળવનારો પક્ષ આજે ભારતની રાજકીય દિશા નિર્ધારિત કરી રહ્યો છે. આ ગાથા માત્ર સત્તા સુધી પહોંચવાની દોડ નથી, પણ એક વિચારના વિસ્તરણની પ્રક્રિયા છે. ભાજપે ભારતીય ચૂંટણી પ્રક્રિયા, સોશિયલ મીડિયાનો ઉપયોગ અને જનસંપર્કની શૈલી સંપૂર્ણપણે બદલી નાખી છે. આજે ભારતનું રાજકારણ સમજવા માટે ભાજપના આ સંઘર્ષ અને ઉદયને સમજવો અનિવાર્ય છે.
આ સિરીઝના આગામી ભાગમાં આપણે 1951ના એ સમયમાં જઈશું, જ્યારે ભાજપના વિચારનું બીજ રોપાયું હતું. આપણે જાણીશું ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું બલિદાન અને જનસંઘની સ્થાપના પાછળના ખરા સંઘર્ષ વિશે.
ભાજપનો ઈતિહાસ અને દેશના રાજકારણની આવીજ ઓફબીટ જાણકારી માટે ઓફબીટ સ્ટોરીઝને ફોલો કરો અને આપના વિચારો અમને જરૂરથી જણાવશો..





