Home Gujarat Mansukh Vasava On Chaitar Vasava Jail Case Aap Gujarat Politics

'ચૈતર વસાવા ભોળા છે, કેટલાક લોકો તેમનો ઉપયોગ કરી રહ્યા છે' : ચૈતર વસાવાના જેલવાસ પર મનસુખ વસાવાનું મોટું નિવેદન

Mansukh Vasava on Chaitar Vasava Jail Case
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jun 26, 2026, 11:44 AM IST

Mansukh Vasava on Chaitar Vasava Jail Case: નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસના મુદ્દે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક તરફ ચૈતર વસાવા અને આ કેસમાં સજા પામેલા અન્ય લોકોને લઈને દુઃખ વ્યક્ત કર્યું, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ અને સંગઠનની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા. મનસુખ વસાવાના નિવેદન બાદ ચૈતર વસાવાનો મુદ્દો ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે, ચૈતર વસાવા સહિત અન્ય નવ લોકોને સજા થઈ છે, જે દુઃખદ બાબત છે. તેમણે ખાસ કરીને આ કેસમાં એક નાની બાળકીને પણ સજા થઈ હોવાનું ઉલ્લેખ કરીને તેને અત્યંત પીડાદાયક ગણાવ્યું. જોકે, તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાની જવાબદારી નિભાવી કે નહીં, તે અંગે ગંભીર ચર્ચા થવી જોઈએ.

'કેસ કોર્ટમાં હતો ત્યારે સારા વકીલો કેમ ન આપ્યા?'

સાંસદે સવાલ ઉઠાવ્યો કે, જ્યારે આ સમગ્ર કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો અને ચૈતર વસાવા કાનૂની લડત લડી રહ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાં હતા? તેમના જણાવ્યા મુજબ, જો પાર્ટી ખરેખર પોતાના ધારાસભ્ય સાથે ઉભી હોત, તો શરૂઆતથી જ અનુભવી અને સક્ષમ વકીલોની વ્યવસ્થા કરવી જોઈએ હતી. તેમણે કહ્યું કે, હવે સજા થયા બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સમર્થનમાં રસ્તા પર ઉતરી રહ્યા છે, પરંતુ જ્યારે કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે ચૈતર વસાવાને મજબૂત કાનૂની મદદ કેમ મળી નહીં, તેનો જવાબ પાર્ટીએ આપવો જોઈએ.

'સરકાર સાથે સંપર્કમાં હતા ચૈતર વસાવા'

મનસુખ વસાવાએ દાવો કર્યો કે, ચૈતર વસાવા સરકાર સાથે સતત સંપર્કમાં હતા. તેઓ મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાતો કરતા હતા અને પોતાના મતવિસ્તારમાં વિકાસના કામો માટે પણ સરકાર સાથે સંકલન કરતા હતા. તેમણે કહ્યું કે, વિકાસના મુદ્દે સરકાર અને ચૈતર વસાવા વચ્ચે સંવાદ ચાલુ હતો, છતાં કોર્ટમાં ચાલી રહેલા કેસ દરમિયાન પાર્ટી તરફથી જરૂરી સહયોગ મળ્યો નહીં, તે આશ્ચર્યજનક બાબત છે.

આ પણ વાંચો: 'તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ'ના નારાથી ગુંજ્યા રસ્તાઓ : ચૈતર વસાવાના સમર્થનમાં સુરતમાં AAPની વિશાળ સપોર્ટ માર્ચ

AAP પર રાજકીય લાભ લેવા આક્ષેપ

મનસુખ વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે જ્યારે ચૈતર વસાવા મુશ્કેલીમાં હતા ત્યારે આમ આદમી પાર્ટી તેમની સાથે સક્રિય રીતે ઉભી રહી નહોતી. હવે સજા બાદ પાર્ટી તેમના સમર્થનમાં કાર્યક્રમો અને રેલીઓ યોજીને સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, હવે દિલ્હીના નેતાઓ અને વકીલો કેસ લડવાની વાત કરી રહ્યા છે, પરંતુ જ્યારે કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે તેઓ કેમ આગળ આવ્યા ન હતા? આ પ્રશ્ન આજે સામાન્ય લોકોના મનમાં પણ ઉઠી રહ્યો છે.

'ચૈતર વસાવા ભોળા વ્યક્તિ, તેમને રાજકીય મોહરા બનાવાઈ રહ્યા છે'

મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં કહ્યું કે ચૈતર વસાવા સરળ અને ભોળા સ્વભાવના વ્યક્તિ છે. પરંતુ તેમની આસપાસના કેટલાક લોકો પોતાના રાજકીય હિતો માટે તેમનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, સમગ્ર ઘટનાને રાજકીય સ્વરૂપ આપીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજકારણ કરતાં કાનૂની લડત પર વધુ ધ્યાન અપાયું હોત તો કદાચ પરિસ્થિતિ અલગ હોઈ શકતી હતી.

રાજકીય ચર્ચા તેજ બનવાની શક્યતા

ચૈતર વસાવાના જેલવાસને લઈને એક તરફ આમ આદમી પાર્ટી રાજ્યભરમાં સમર્થન કાર્યક્રમો યોજી રહી છે, તો બીજી તરફ ભાજપના નેતાઓ સતત આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે. મનસુખ વસાવાના આ નિવેદન બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા તેજ બની છે. હવે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી તરફથી મનસુખ વસાવાના આક્ષેપોનો શું જવાબ આપવામાં આવે છે અને આ મુદ્દે રાજકીય ઘર્ષણ કેટલું વધે છે, તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now