અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં સિંહણના હુમલામાં 5 વર્ષના માસૂમ જીયાનના મોતની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ઘટનાના બે દિવસ બાદ રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા ચતુરી ગામે પહોંચ્યા હતા અને મૃતક બાળકના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. તેમણે પરિવારના દુઃખમાં સહભાગી બની સરકાર તરફથી શક્ય તમામ સહાય અને જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી.
વનમંત્રી સાથે ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, ગુજરાત ફોરેસ્ટના પીસીસીએફ જયપાલસિંહ તેમજ જૂનાગઢ સીસીએફ રામરમન નાલા સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વનમંત્રીએ ગામના સ્થાનિકો, ખેડૂતો અને માલધારીઓ સાથે બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળી હતી.
દાદાની આંગળીમાંથી બાળકને ખેંચી લઈ ગઈ હતી સિંહણ
બે દિવસ અગાઉ બનેલી આ કરુણ ઘટનામાં જીયાન પોતાના દાદા સાથે ઘરની બહાર હતો. તે દરમિયાન ઘરની બહારથી આશરે 20 ફૂટના અંતરે આવેલી સિંહણે અચાનક હુમલો કરીને બાળકને દાદાની આંગળીમાંથી ખેંચી લીધો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનું વાતાવરણ સર્જ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી સિંહોની માનવ વસાહતોમાં અવરજવર વધી રહી છે અને તેમનું વર્તન પણ બદલાયું હોવાનું જોવા મળી રહ્યું છે. જેના કારણે ગ્રામજનોમાં સતત ભયનો માહોલ છે.
આ પણ વાંચો: અમરેલી-ભાવનગરમાં સિંહોના હુમલાની વધતી ઘટનાઓ : શું બદલાઈ રહ્યું છે? 'મેન-ઈટર' સિંહને પકડ્યા પછી શું થાય છે? સમગ્ર ઘટનાક્રમ અને ગ્રાઉન્ડ રિયાલિટી
સરપંચે વન વિભાગ સમક્ષ ઉઠાવ્યા અનેક પ્રશ્નો
ચતુરી ગામના સરપંચ કમલેશ જાનીએ વનમંત્રી સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું કે ખેડૂતો અને માલધારીઓ લાંબા સમયથી સિંહોની વધતી અવરજવર તથા વન વિભાગની કામગીરી અંગે ચિંતિત છે. તેમણે સિંહોના બદલાયેલા સ્વભાવ, માનવ વસાહતોમાં વધતા હુમલાઓ અને પશુપાલકોને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. સ્થાનિકોએ સિંહોની સતત દેખરેખ, જોખમી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની તેમજ ગ્રામજનોને સુરક્ષા માટે અસરકારક આયોજન કરવાની માંગણી કરી હતી.
એક મહિનામાં ચાર માનવ મૃત્યુ, ધારાસભ્યે ઉઠાવી ગંભીર ચિંતા
ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં જૂનાસાવર, ઘંટીયાલ, કોવાયા અને હવે ચતુરી ગામ સહિત સિંહ હુમલાની ચાર અલગ-અલગ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને સરકારને તાત્કાલિક અસરકારક પગલાં લેવા જરૂરી છે. તેમણે સિંહોને જંગલ વિસ્તારમાં જ મર્યાદિત રાખવા માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરવા તેમજ માલધારીઓને જંગલમાં ચરિયાણ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણીને સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: સુરતમાં મોહર્રમ પહેલાં ડીંડોલી પોલીસની મોટી કાર્યવાહી : દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે બે આરોપી ઝડપાયા
ટૂંક સમયમાં નવી SOP જાહેર થશે: વનમંત્રી
વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે સ્થાનિકો, ખેડૂતો અને માલધારીઓની તમામ રજૂઆતો સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. ચતુરી જેવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે વન વિભાગ ટૂંક સમયમાં નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરશે. તેમણે કહ્યું કે સિંહોના બદલાયેલા વર્તન અને માનવ વસાહતોમાં વધતા પ્રવેશ અંગે વૈજ્ઞાનિક અભ્યાસ સાથે યોગ્ય આયોજન કરવામાં આવશે. જોખમી વિસ્તારોમાં સુરક્ષા વધારવા, ઝડપી પ્રતિસાદ વ્યવસ્થા ઉભી કરવા અને સ્થાનિકોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.






