ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ટેલિફોનિક વાતચીત કરી. બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ, માનવીય પરિસ્થિતિ અને શાંતિ સ્થાપનાના પ્રયાસો અંગે વિચારવિમર્શ કર્યો.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો ફોન કોલ બદલ આભાર. અમે ચાલી રહેલા સંઘર્ષ અને તેના માનવીય પાસાઓ પર ચર્ચા કરી. શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે ભારત તમામ પ્રયાસોને સમર્થન આપશે.”
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ ટ્વિટ કરી જણાવ્યું કે તેમણે પીએમ મોદીને વોશિંગ્ટનમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓ સાથે થયેલી ચર્ચા વિશે માહિતગાર કર્યા. ઝેલેન્સકીએ કહ્યું કે, “વાસ્તવિક શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે ભાગીદારો વચ્ચે એક સામાન્ય દૃષ્ટિકોણ ઊભરી આવ્યો છે. યુક્રેન રશિયાના વડા સાથે સીધી મુલાકાત માટે તૈયાર છે.” તેમણે રશિયા પર આરોપ મૂક્યો કે છેલ્લા બે અઠવાડિયાંથી મોસ્કો તરફથી સકારાત્મક સંકેતો મળ્યા નથી, પણ નાગરિક લક્ષ્યો પર હુમલા કરીને અનેક જાનહાનિ થઈ છે.
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બંને દેશોના નેતાઓએ ભારત-યુક્રેન ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહકાર વધારવાના માર્ગો પર ચર્ચા કરી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે પીએમ મોદી ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કોન્ફરન્સમાં હાજરી આપવા જઈ રહ્યા છે, જ્યાં તેમની મુલાકાત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થવાની છે.
ભારત-અમેરિકા તણાવ
આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે અમેરિકા દ્વારા રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી પર નારાજગી વ્યક્ત કરીને ઘણા ભારતીય માલ પર 50% સુધીના ટેરિફ લાદવામાં આવ્યા છે. અમેરિકાનું માનવું છે કે ભારત આ વ્યવહારો દ્વારા યુક્રેન યુદ્ધને આર્થિક ટેકો આપી રહ્યું છે. ભારતે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને ટેરિફને “અયોગ્ય અને ખોટા” ગણાવ્યા છે.