Helle Lyng's Facebook & Insta Suspended: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન નોર્વેની રાજધાની ઓસ્લોથી શરૂ થયેલો એક વિવાદ હવે સોશિયલ મીડિયા પર ચરમસીમાએ પહોંચ્યો છે. પીએમ મોદીને પ્રેસ કોન્ફરન્સમાં તીખા સવાલો પૂછવા અને ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે દલીલબાજી કરવાને કારણે ચર્ચામાં આવેલી નોર્વેની મહિલા પત્રકાર હેલી લિંગે (Helle Lyng) હવે એક નવો અને સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. હેલી લિંગે જણાવ્યું છે કે ઇન્ટરનેટ પર ભારતીય યુઝર્સ દ્વારા થઈ રહેલા ભારે ટ્રોલિંગની વચ્ચે દિગ્ગજ ટેક કંપની મેટા (Meta) એ તેના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ સસ્પેન્ડ (બંધ) કરી દીધા છે.
આ આખો વિવાદ ઓસ્લોમાં ભારત અને નોર્વેના પ્રધાનમંત્રીઓની સંયુક્ત મીડિયા બ્રીફિંગ દરમિયાન શરૂ થયો હતો. પ્રેસ મીટ પૂરી કરીને પીએમ મોદી જ્યારે રૂમની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે 'ડાગસાવિસેન' (Dagsavisen) અખબાર સાથે જોડાયેલી મહિલા પત્રકાર હેલી લિંગે પાછળથી બૂમ પાડીને પૂછ્યું હતું કે, "દુનિયાના સૌથી સ્વતંત્ર પ્રેસના સવાલોના જવાબ કેમ લેવામાં નથી આવી રહ્યા?" આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર નવો જંગ છેડાયો હતો.
પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સનો હવાલો અને ભારતીય અધિકારીનો સણસણતો જવાબ
પોતાના સવાલ બાદ હેલી લિંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને ભારત પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે, "નોર્વે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ (પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક) માં વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત 157મા ક્રમે છે. સરકારોને સવાલ પૂછવા એ જ પત્રકારોની મુખ્ય જવાબદારી છે." હેલીના આ સવાલ અને વલણ પર ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જે સત્તાવાર બ્રીફિંગમાં સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે, જે લોકોને ભારતની લોકશાહી અને ગ્રાઉન્ડ રિયાલિટી વિશે કોઈ સમજ નથી, તેમણે આવા પૂર્વગ્રહયુક્ત સવાલો ન ઉઠાવવા જોઈએ.
ફેસબુક-ઇન્સ્ટા બંધ થતા પત્રકારે 'X' પર ભડાકો કર્યો
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સસ્પેન્ડ થયા બાદ હેલી લિંગે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે લખ્યું, "પ્રેસની આઝાદી માટે આ બહુ નાની કિંમત છે, પરંતુ મેં મારી જિંદગીમાં ક્યારેય આવો ભયાનક અનુભવ કર્યો નથી. હું સોશિયલ મીડિયા દ્વારા વધુમાં વધુ ભારતીય યુઝર્સને જવાબ આપવા માંગતી હતી, પરંતુ હવે મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયા છે, જેથી કમ્યુનિકેશનમાં વિલંબ થશે. મને આશા છે કે મેટા મારી અપીલ સાંભળીને મારા એકાઉન્ટ્સ ટૂંક સમયમાં રિસ્ટોર કરી દેશે."
આ પણ વાંચો: "Welcome to Rome, my friend!...": મેલોનીએ કોલોસિયમ સામે PM મોદી સાથે સેલ્ફી શેર કરી, મળ્યા લાખો વ્યુઝ
સોશિયલ મીડિયા પર 'ચાઇનીઝ એજન્ટ' હોવાના લાગ્યા આરોપ
મેટા દ્વારા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા તે પહેલાં હેલી લિંગને ઇન્ટરનેટ પર ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય યુઝર્સે ડિજિટલ સખ્તાઈ બતાવીને હેલી લિંગના જૂના આર્ટિકલ્સ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ પર લખેલા પક્ષપાતી અહેવાલો શોધી કાઢ્યા હતા. ભારતમાં પ્રેસ ફ્રીડમ પર સવાલ ઉઠાવનારી પત્રકાર ચીનની સરમુખત્યારશાહી પર કેમ મૌન છે, તેવા સવાલો સાથે યુઝર્સ તેને સોશિયલ મીડિયા પર 'ફોરેન પ્લાન્ટ', 'જાસૂસ' અને 'ચાઇનીઝ પ્રોક્સી' (ચીનની એજન્ટ) કહીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
વિવાદ વચ્ચે ડિજિટલ પોપ્યુલારિટીમાં બમ્પર ઉછાળો
આ આખા વિવાદ, ટીકાઓ અને ટ્રોલિંગ વચ્ચે હેલી લિંગની ડિજિટલ લોકપ્રિયતામાં રાતોરાત બહુ મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે પીએમ મોદી સાથેનો આ વિવાદ સામે આવ્યો તે પહેલાં 'X' પર હેલી લિંગના માત્ર 800 જેટલા ફોલોઅર્સ હતા. પરંતુ આ ઘટના વૈશ્વિક સ્તરે વાયરલ થતાંની સાથે જ, ગણતરીના દિવસોમાં જ તેના ફોલોઅર્સની સંખ્યા 5000% થી વધુ વધીને 45,000 ને પાર પહોંચી ગઈ છે, જે દર્શાવે છે કે આ વિવાદે સોશિયલ મીડિયા પર કેટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.






