સમીર શુક્લા/અમેરિકા: અમેરિકાની ધરતી પર વસતા લાખો ગુજરાતીઓને એક છત નીચે લાવવા અને વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડવાના હેતુથી ‘ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન’ (FOGA-USA) ની સ્થાપના કરવામાં આવી છે. આ સંગઠન માત્ર એક સંસ્થા નથી, પરંતુ સાત સમંદર પાર વસતા ગરવી ગુજરાતીઓની અસ્મિતા અને એકતાનું જીવંત પ્રતીક છે.
સૌથી મહત્વની વાત એ છે કે ભારત બાદ સૌથી વધુ ગુજરાતીઓ અમેરિકામાં રહે છે. અમેરિકામાં અંદાજિત 17 લાખ થી વધુ ગુજરાતીઓ વસવાટ કરે છે. એટલુંજ નહીં વૈશ્વિક સ્તરે ગુજરાતીઓ લગભગ 129 થી વધુ દેશોમાં ફેલાયેલા છે, વૈશ્વિક ભારતીય ડાયસ્પોરામાં ગુજરાતીઓનો હિસ્સો નોંધપાત્ર છે. એવું મનાય છે કે અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોમાં દર પાંચમાંથી એક વ્યક્તિ ગુજરાતી છે. આવા ગૌરવવંતા ગુજરાતીઓ અને તેમની એકતાનો બુલંદ અવાજ બની ચૂકેલા અમેરિકાના ફાઉન્ડેશન ઓફ ગુજરાતી એસોસિએશનની આજે વાત કરવી છે. જાણીએ કે આખરે તેની રચના ક્યારે અને કેવા સંજોગોમા થઇ?
FOGA-USA ની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી.
અમેરિકાના અલગ-અલગ રાજ્યો અને શહેરો જેમ કે ન્યૂયોર્ક, ન્યુ -જર્સી, શિકાગો, હ્યુસ્ટન, એટલાન્ટામાં સ્થાનિક સ્તરે 'ગુજરાતી સમાજ' કાર્યરત છે. પરંતુ સમગ્ર અમેરિકાના સ્તરે ગુજરાતીઓ વતી કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવાનું હોય કે ભારત સરકાર/યુએસ સરકાર સમક્ષ રજૂઆત કરવાની હોય, ત્યારે કોઈ એક મજબૂત કેન્દ્રીય સંસ્થા નહોતી. ત્યારે એક વિચારે જન્મ લીધો.
1. એકતાનું સ્વપ્ન:
અમેરિકામાં વસતા ગુજરાતીઓ બિઝનેસ, મેડિકલ અને ટેક્નોલોજીના ક્ષેત્રે અગ્રેસર હોવા છતાં વિખરાયેલા હતા. આથી, "વન યુનાઇટેડ વોઇસ ઓફ ગુજરાતીઝ" (ગુજરાતીઓનો એક અવાજ) ના સૂત્ર સાથે, તમામ સ્થાનિક એસોસિએશનોને જોડીને એક મહાસંઘ (Federation) બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ. આ સંજોગોમાં આ ભવ્ય સંગઠનનો જન્મ 2021માં થયો.
2. સંગઠનના મુખ્ય સ્તંભો
FOGA-USA ને ઊભું કરવામાં અને તેને વેગ આપવામાં અમેરિકાના અલગ-અલગ શહેરોના અગ્રણી ગુજરાતીઓએ પોતાનું લોહી-પાણી એક કર્યું છે.
એકતાના પ્રણેતા: ડૉ. વાસુદેવ પટેલ અને સાથીદારોનું વૈશ્વિક સંગઠન તરફ મક્કમ કદમ
ડૉ. વાસુદેવ પટેલ (એટલાન્ટા) – ફાઉન્ડર અને નેશનલ પ્રેસિડેન્ટ:
તેઓ આ સંગઠનનું હૃદય અને મગજ છે. એટલાન્ટામાં રહીને તેમણે જ સમગ્ર અમેરિકાના ગુજરાતીઓને એક તાંતણે બાંધવાનું સ્વપ્ન જોયું અને તેને વાસ્તવિકતામાં બદલવા માટે રાત-દિવસ એક કર્યા.
હર્ષદભાઈ પકાજી પટેલ (ન્યૂયોર્ક) – ફાઉન્ડિંગ વાઇસ પ્રેસિડેન્ટ:
ન્યૂયોર્ક જેવા વ્યસ્ત અને મોટા રાજ્યમાં ગુજરાતી સમુદાય પર મજબૂત પકડ ધરાવતા હર્ષદભાઈએ ડૉ. વાસુદેવ પટેલના સ્વપ્નને સૌપ્રથમ ટેકો આપ્યો અને સંગઠનની પાયાની ઈંટ મજબૂત કરી.
પી.વી. પટેલ (હ્યુસ્ટન) – ફાઉન્ડિંગ વાઇસ પ્રેસિડેન્ટ:
ટેક્સાસના હ્યુસ્ટન વિસ્તારના જાણીતા અગ્રણી પી.વી. પટેલે પણ સ્થાપક ઉપપ્રમુખ તરીકે જોડાઈને આ મિશનને અમેરિકાના ખૂણે-ખૂણે પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો.
ચિરાગ દવે (ઓસ્ટિન, ટેક્સાસ) – કો-ફાઉન્ડર અને ટ્રેઝરર (ખજાનચી):
સંગઠનને ચલાવવા માટે પારદર્શક ફાઇનાન્સ ખૂબ જરૂરી છે. ચિરાગ દવેએ ખજાનચી તરીકેની આકરી અને મહત્વની જવાબદારી સંભાળીને સંગઠનની આર્થિક બાજુ સંભાળી છે.
દિવ્યેશ ત્રિપાઠી (ન્યૂયોર્ક) – કો-ફાઉન્ડર અને પ્રોગ્રામ મેનેજર:
કોઈપણ મોટા કાર્યક્રમ કે સંમેલનનું પ્લાનિંગ કરવું એ ખાવાના ખેલ નથી. દિવ્યેશભાઈ પ્રોગ્રામ મેનેજર તરીકે પડદા પાછળ રહીને તમામ ગ્રાન્ડ ઈવેન્ટ્સનું અદભુત સંચાલન કરે છે.
જયેશ પટેલ (ઓર્લાન્ડો) – 2026 કન્વેન્શન ચેર:
સંગઠનની વિશેષતા એ છે કે તે જે શહેરમાં રાષ્ટ્રીય સંમેલન યોજે, ત્યાંના સ્થાનિક લીડરને કમાન્ડ સોંપે છે. 2026ના ભવ્ય ઓર્લાન્ડો કન્વેન્શનની સંપૂર્ણ જવાબદારી જયેશ પટેલના શિરે છે.
3. સંગઠનની અસાધારણ તાકાત
FOGA-USA આજે અમેરિકાનું જ નહીં, પણ વિશ્વનું સૌથી મોટું ગુજરાતી એસોસિએશન ફેડરેશન બની ચૂક્યું છે. આ સંગઠનની તાકાત એટલી છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સંગઠનના કાર્યોની જાહેરમાં પ્રશંસા કરી છે અને પત્રો પાઠવીને સન્માનિત કર્યા છે.
4. રસપ્રદ અને ગૌરવશાળી બાબતો
"દૂધમાં સાકરની જેમ": અમેરિકામાં ગુજરાતીઓ સૌથી વધુ ટેક્સ ચૂકવતા અને સૌથી વધુ શિક્ષિત સમુદાયોમાંના એક છે. આ સંગઠન અમેરિકન સંસ્કૃતિ સાથે ભળીને પણ પોતાની 'ગુજરાતી અસ્મિતા' કેવી રીતે સાચવવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન
દર બે વર્ષે યોજાતું આ સંમેલન એક મિની-ગુજરાત જેવું હોય છે. જ્યાં બિઝનેસ નેટવર્કિંગ, યુવાઓ માટે ગાઇડન્સ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.
ટૂંકમાં, ડૉ. વાસુદેવ પટેલ અને તેમની ટીમે વાવેલું આ એકતાનું બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે, જે અમેરિકામાં વસતી આપણી નવી પેઢીને પોતાના મૂળિયાં (roots) સાથે જોડી રાખવાનું અદભુત કામ કરી રહ્યું છે.





