Rome News: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસે છે, અને આ વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે. રોમ પહોંચતા જ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ તેમનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચેની મજબૂત મિત્રતા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. પીએમ મેલોનીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (જૂનું ટ્વિટર) પર પ્રધાનમંત્રી મોદી સાથેની એક શાનદાર સેલ્ફી શેર કરી છે, જે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
આ તસવીરમાં રોમનું ઐતિહાસિક અને વિશ્વપ્રસિદ્ધ 'કોલોસિયમ' (ફ્લેવિયન એમ્ફીથિયેટર) બેકગ્રાઉન્ડમાં ઝળહળતું જોવા મળી રહ્યું છે. ફોટો શેર કરતાં મેલોનીએ કેપ્શનમાં લખ્યું, "વેલકમ ટુ રોમ, માય ફ્રેન્ડ!" આ સાથે તેમણે ભારત અને ઇટાલીના રાષ્ટ્રધ્વજના ઇમોજી પણ મૂક્યા હતા. આ વાયરલ ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને ગણતરીના કલાકોમાં જ તેને મિલિયનથી વધુ વ્યુઝ અને હજારો લાઇક્સ મળી ચૂક્યા છે. લોકો બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની આ આંતરરાષ્ટ્રીય મિત્રતાની પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો: ‘હું કોઈ વિદેશી જાસૂસ નથી’: PM મોદીને સવાલ પૂછનાર નોર્વેની પત્રકાર હેલ લિંગે આપી સ્પષ્ટતા
PM મોદીના પાંચ દેશોના પ્રવાસનો આખરી તબક્કો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં તેમના પાંચ દેશોના મહત્વપૂર્ણ સત્તાવાર પ્રવાસના છેલ્લા તબક્કામાં છે. ઇટાલી પહોંચતા પહેલા પીએમ મોદીએ નોર્વે, સંયુક્ત આરબ અમીરાત (UAE), નેધરલેન્ડ અને સ્વીડનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દ્વિપક્ષીય સંબંધો અને વેપારને મજબૂત કરવા માટે અનેક બેઠકો કરી હતી. ઇટાલીના આ ટૂંકા પ્રવાસ દરમિયાન પીએમ મોદી ત્યાંના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલા સાથે મુલાકાત કરશે અને પીએમ જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ તમામ રાજદ્વારી કાર્યક્રમો પૂર્ણ કરીને તેઓ બુધવારે ભારત પરત ફરવા રવાના થશે.
સોશિયલ મીડિયા પર ફરી છવાયું 'Melodi'નું ટ્રેન્ડ
પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોની જ્યારે પણ મળે છે, ત્યારે સોશિયલ મીડિયા પર 'Melodi' (મેલોની + મોદી) ટ્રેન્ડ થવા લાગે છે. આ વખતે પણ રોમથી આવેલી સેલ્ફી જોઈને નેટીઝન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ જૂન 2024માં જ્યારે પીએમ મોદી જી-7 (G7) સમિટમાં ભાગ લેવા ઇટાલી ગયા હતા, ત્યારે પણ મેલોનીએ પીએમ મોદી સાથે એક ખાસ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ કેમેરા સામે વેવ કરતા કહી રહ્યા હતા, "હેલો ફ્રોમ ધ મેલોડી ટીમ". પ્રધાનમંત્રી મોદીએ પણ આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું હતું, "ભારત-ઇટાલીની મિત્રતા અમર રહો!"
આ પણ વાંચો: ઇન્ડોનેશિયામાં મળ્યો દુનિયાનો સૌથી લાંબો સાપ: આની આગળ જીરાફ પણ ફેલ! જેને જોયો તેના ઊભા થઈ ગયા રૂંવાડા!
COP28થી શરૂ થયેલો સેલ્ફીનો સિલસિલો
બંને નેતાઓ વચ્ચેની આ શાનદાર બોન્ડિંગ નવી નથી. વર્ષ 2023માં દુબઈમાં યોજાયેલી COP28 ક્લાઈમેટ સમિટ દરમિયાન બંને નેતાઓની પ્રથમ સેલ્ફી વાયરલ થઈ હતી. તે સમયે જ્યોર્જિયા મેલોનીએ ફોટોના કેપ્શનમાં "#Melodi" હેશટેગનો ઉપયોગ કર્યો હતો, જે રાતોરાત વૈશ્વિક સ્તરે વાયરલ થઈ ગયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી, બંને નેતાઓ વચ્ચેની દરેક મુલાકાત ભારત અને ઇટાલીના મજબૂત થતા જતા રાજદ્વારી અને વ્યક્તિગત સંબંધોની સાક્ષી પૂરે છે.






