અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર હવે પશ્ચિમ એશિયાથી બહાર અન્ય દેશો પર પણ જોવા મળી રહી છે. આ ભૂરાજકીય સંકટનો સૌથી મોટો ફટકો ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને પડ્યો હોવાનું સામે આવ્યું છે. કતારથી મળતી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની સપ્લાયમાં અવરોધ સર્જાતા પાકિસ્તાનને હવે આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાંથી રેકોર્ડ ઊંચા ભાવે ગેસ ખરીદવાની ફરજ પડી છે. પહેલેથી જ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ સ્થિતિ વધુ પડકારજનક બની રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, હોર્મુઝની જળસંધિ (Strait of Hormuz)માં વધેલા તણાવ અને સમુદ્રી માર્ગ પર સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે કતાર તરફથી ગેસ સપ્લાય પ્રભાવિત થઈ છે. પરિણામે પાકિસ્તાને 20.70 ડોલર પ્રતિ mmBtuના ઊંચા ભાવે ઇમરજન્સી LNG ખરીદવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2022 પછી પાકિસ્તાન દ્વારા ચૂકવવામાં આવેલી આ સૌથી મોંઘી ગેસ ખરીદી હોવાનું કહેવાઈ રહ્યું છે.
કતારની સપ્લાય પર પાકિસ્તાનની મોટી નિર્ભરતા
પાકિસ્તાન લાંબા સમયથી પોતાની ઊર્જા જરૂરિયાતો માટે કતાર પાસેથી લાંબા ગાળાના કરાર હેઠળ LNG આયાત કરે છે. સામાન્ય રીતે પાકિસ્તાનને 10થી 11 ડોલર પ્રતિ mmBtuના દરે ગેસ મળતી હતી, જેના કારણે તેને સ્પોટ માર્કેટમાંથી મોંઘા ભાવે ગેસ ખરીદવાની જરૂર પડતી નહોતી. પરંતુ પશ્ચિમ એશિયામાં તણાવ વધતા અને સમુદ્રી પરિવહનમાં અવરોધ સર્જાતા કતારની કેટલીક સપ્લાય પ્રભાવિત થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સુરક્ષા કારણોસર સપ્લાયમાં વિલંબ થતાં પાકિસ્તાનને તાત્કાલિક વિકલ્પ શોધવો પડ્યો છે.
હોર્મુઝ જળસંધિ કેમ છે મહત્વપૂર્ણ?
હોર્મુઝ જળસંધિ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંની એક ગણાય છે. ખાડી દેશોમાંથી નિકાસ થતી મોટી માત્રામાં કાચું તેલ અને LNG આ જ માર્ગથી વિશ્વના વિવિધ દેશોમાં પહોંચે છે. જો આ માર્ગમાં અવરોધ સર્જાય તો વૈશ્વિક ઊર્જા બજાર પર તેની સીધી અસર પડે છે. પાકિસ્તાન માટે કતારથી આવતી LNGનો મુખ્ય માર્ગ પણ હોર્મુઝ જળસંધિ જ છે. તેથી અહીં કોઈપણ પ્રકારનો વિક્ષેપ દેશના ઊર્જા પુરવઠા પર તરત અસર કરે છે.
આ પણ વાંચો: અમેરિકાનો મોટો નિર્ણય! : હવે રશિયન તેલ ખરીદશો તો 100% ટેરિફ ભરવો પડશે, જાણો ભારત પર શું થશે અસર
સ્પોટ માર્કેટમાંથી મોંઘા ભાવે ખરીદી
સ્થિતિ ગંભીર બનતાં પાકિસ્તાન એલએનજી લિમિટેડ (PLL) દ્વારા ઇમરજન્સી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાને પેટ્રોચાઇના ઇન્ટરનેશનલ પાસેથી લગભગ 1,40,000 ક્યુબિક મીટર LNG કાર્ગો ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આ ખરીદી માટે પાકિસ્તાને 20.6999 ડોલર પ્રતિ mmBtuનો દર સ્વીકાર્યો છે, જે સામાન્ય કરારના દરની સરખામણીએ લગભગ બમણો છે. આ વધારાના ખર્ચથી પહેલેથી જ દબાણમાં રહેલા પાકિસ્તાનના વિદેશી ચલણ ભંડાર પર વધુ ભાર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઊર્જા સંકટથી વીજ ઉત્પાદન પર અસર
ગેસ સપ્લાયમાં ઘટાડાની અસર વીજ ઉત્પાદન પર પણ જોવા મળી રહી છે. મીડિયા અહેવાલો મુજબ, કેટલાક વિસ્તારોમાં વીજ ઉત્પાદન ક્ષમતા પ્રભાવિત થતાં લાંબા સમય સુધી વીજ પુરવઠામાં વિક્ષેપ જોવા મળી રહ્યો છે. અનેક ઔદ્યોગિક એકમો પણ ગેસની અછતને કારણે ઉત્પાદન ઘટાડવા અથવા અસ્થાયી રીતે બંધ કરવાની સ્થિતિમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઊર્જા ખર્ચમાં વધારાને કારણે ઉત્પાદન ખર્ચ પણ વધી રહ્યો છે, જેનાથી દેશની અર્થવ્યવસ્થા પર વધારાનો બોજ પડી શકે છે.
આ પણ વાંચો: 40 વર્ષમાં છઠ્ઠી વખત બનતી દુર્લભ ઘટના! : એટલાન્ટિક નીના અને અલ નીનો સાથે મળતા બદલાશે દુનિયાનું હવામાન





