Home International Who Is Hal Ling Norway Journalist Pm Modi Controversy

‘હું કોઈ વિદેશી જાસૂસ નથી’ : PM મોદીને સવાલ પૂછનાર નોર્વેની પત્રકાર હેલ લિંગે આપી સ્પષ્ટતા

Hal Ling, PM Modi Norway Visit
Published by: Vishal Dave
Last Updated: May 19, 2026, 06:10 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોર્વે પ્રવાસ દરમિયાન એક પત્રકારના સવાલે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. નોર્વેજિયન પત્રકાર હેલ લિંગે પ્રેસ સ્વતંત્રતાને લઈને PM મોદીને સવાલ પૂછ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ તેમને ‘વિદેશી જાસૂસ’ અને ‘પ્લાન્ટેડ પત્રકાર’ ગણાવતા આરોપો લગાવ્યા, જેના પગલે હવે હેલ લિંગે ખુદ આગળ આવીને સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર પોતાનું પત્રકારત્વનું કામ કરી રહ્યા છે.

ઓસ્લોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નોર્વેના વડાપ્રધાન વચ્ચે સંયુક્ત મીડિયા બ્રીફિંગ યોજાઈ હતી. આ બ્રીફિંગ બાદ હેલ લિંગે પ્રેસ સ્વતંત્રતા મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે એવો વાંધો વ્યક્ત કર્યો હતો કે વિશ્વની સૌથી સ્વતંત્ર પ્રેસમાંથી સવાલ કેમ લેવામાં આવ્યા નહીં. આ ઘટનાના થોડા સમય પછી ભારતીય દૂતાવાસ દ્વારા યોજાયેલી વિશેષ પ્રેસ બ્રીફિંગમાં પણ હેલ લિંગ હાજર રહ્યા હતા, જ્યાં તેમણે ભારતની વિશ્વસનીયતા અને માનવાધિકારો અંગે પ્રશ્નો પૂછ્યા હતા.

તેના જવાબમાં વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે ભારતની સાંસ્કૃતિક પરંપરા, યોગ અને કોવિડ વેક્સિન ડિપ્લોમસીનો ઉલ્લેખ કરતા વિસ્તૃત જવાબ આપ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે થોડી તીખી બોલાચાલી જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જ્યારે હેલ લિંગે વચ્ચે બોલવાનો પ્રયાસ કર્યો ત્યારે સિબી જ્યોર્જે તેમને અટકાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

ટ્રોલિંગ વધતા હેલ લિંગે X પર લખ્યું કે, “હું કોઈપણ પ્રકારનો વિદેશી જાસૂસ નથી અને ન તો કોઈ સરકાર દ્વારા મોકલવામાં આવ્યો છું. હું માત્ર પત્રકાર તરીકે મારું કામ કરી રહ્યો છું.” તેમની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ તેજ બની ગઈ હતી.

આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા પર લોકોમાં બે અલગ અભિપ્રાયો ઉભા કર્યા છે. કેટલાક લોકો હેલ લિંગના સમર્થનમાં પ્રેસ સ્વતંત્રતાની વાત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ માત્ર સંયુક્ત મીડિયા બ્રીફિંગ હતી, ઔપચારિક પ્રેસ કોન્ફરન્સ નહીં.

હેલ લિંગ અંગે વધુ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે લોકોનું ધ્યાન તેમના X એકાઉન્ટ તરફ ગયું. ઘટનાના થોડા દિવસો પહેલાં જ તેમનું એકાઉન્ટ વેરિફાઈ થયું હતું અને અગાઉ તેઓ સોશિયલ મીડિયા પર ખાસ સક્રિય નહોતા. અહેવાલો મુજબ હેલ લિંગ નોર્વેના નાના અખબાર ‘Dagsavisen’ સાથે કોમેન્ટેટર તરીકે જોડાયેલા છે. આ ઘટના પહેલાં તેમના X પર આશરે 800 ફોલોઅર્સ હતા, જે હવે હજારોમાં પહોંચી ગયા છે.

તેમના કેટલાક જૂના લેખો અને પોસ્ટ્સ પણ હવે ચર્ચામાં આવ્યા છે. તેમાં તેમણે અમેરિકી પ્રશાસન, ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની ટીકા કરી હતી, જ્યારે કેટલાક લેખોમાં ચીન અને શી જિનપિંગ અંગે સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો હોવાનું કહેવાય છે. જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના રાજકીય વલણ અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now