Home Gujarat Mansukh Vasava Bjp Internal Dispute Gujarat Local Elections 2026

"ભાજપને કોંગ્રેસ કે AAPથી કોઈ ડર નથી, ભાજપને ભાજપ જ હરાવશે" : ચૂંટણી પહેલાં સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં હડકંપ

MP Mansukh Vasava addressing Gujarat BJP Internal Issues
Play Video
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Apr 08, 2026, 11:37 AM IST

Gujarat Local Body Election 2026: સાંસદ મનસુખ વસાવાએ પક્ષના 'નો-રિપીટ' નિયમો સામે છેડ્યો બળવો, સ્થાનિક ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવી ગયો છે. ગુજરાતનું રાજકારણ ભલે બહારથી શાંત લાગતું હોય, પરંતુ સત્તાધારી ભાજપની અંદર એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. ભરૂચના કદાવર સાંસદ અને પોતાના બેબાક અંદાજ માટે જાણીતા આદિવાસી નેતા મનસુખ વસાવાએ સીધી અને સટિક ભાષામાં પક્ષના મોવડીમંડળને એક અરીસો બતાવ્યો છે.

હંમેશા કોઈકને કોઈક વિવાદોને કારણે ચર્ચામાં રહેતા ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. આ વખતે પણ તેમના બોલ્ડ નિવેદનને કારણે જ તેઓ લાઈમલાઈમાં આવ્યાં છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યુંછેકે, ભાજપને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીથી કોઈ ડર નથી, ચૂંટણીમાં ભાજપને અન્ય પક્ષો નહીં પરંતુ ભાજપ જ હરાવશે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ ‘અભણ’ કહેવા પર Mallikarjun Kharge નો યુ-ટર્ન! : સોશિયલ મીડિયા પોસ્ટ કરી માંગી માફી

ભરૂચ-નર્મદા લોકસભા વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે “ભાજપને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીથી કોઈ ડર નથી, પરંતુ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલા નિયમો જ પાર્ટીને હરાવશે.” ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને અન્ય પક્ષો નહીં, પરંતુ ભાજપ જ હરાવશે. કારણ કે પાર્ટી દ્વારા ટિકિટ ફાળવણી માટે અમલમાં મૂકાયેલા નવા નિયમો કાર્યકરોમાં ભારે નારાજગી ઉભી કરી રહ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે આવેલા આ વિસ્ફોટક નિવેદને પક્ષની કથિત શિસ્ત અને આંતરિક સમીકરણો પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.

આ પણ વાંચોઃ "હર્ષ સંઘવીએ મારા ઘરે પોલીસ મોકલીને મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું" : "હું પોલીસમાં રહી ચૂક્યો છું અને વકીલ પણ છું તો મને બધી જ ખબર છે", ગોપાલ ઇટાલીયાના ગંભીર આક્ષેપો

એપ્રિલ ૨૦૨૬માં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. સંગઠને અત્યારથી જ બેઠકો અને રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે અને નિરીક્ષકોની ટીમો મેદાનમાં ઉતારી દીધી છે. બરાબર આ જ સમયે સાંસદ મનસુખ વસાવાએ ટિકિટ વિતરણ અને પક્ષની આંતરિક નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમનું સીધું આકલન છે કે વિપક્ષ અત્યારે સાવ નિસ્તેજ છે અને તે સત્તાધારી પક્ષનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. પરંતુ પાર્ટીએ જ પોતાના પર લાદેલા અમુક અવાસ્તવિક નિયમો સંગઠનના પાયાને ઉધઈની જેમ ખોખલો કરી રહ્યા છે, તેવું વસાવાનું માનવું છે.

આ નિર્ણય પાછળ શું કારણ છે?

ભાજપ હાઈકમાન્ડે ટિકિટ ફાળવણી માટે મુખ્યત્વે ત્રણ કડક માપદંડો નક્કી કર્યા છે. પહેલો, ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકરને ટિકિટ આપવી નહીં. બીજો, સતત ત્રણ ટર્મથી ચૂંટાયેલા અથવા ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારને રિપીટ કરવા નહીં. ત્રીજો નિયમ પરિવારવાદને નાથવા માટે સાંસદો, ધારાસભ્યો કે પક્ષના હોદ્દેદારોના સગા-સંબંધીઓને ટિકિટ ન આપવાનો છે. મનસુખ વસાવાનો આક્રોશ આ જ જડ નિયમો સામે છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે.. દાયકાઓ સુધી પાર્ટી માટે લોહી-પરસેવો વહાવનારા સમર્પિત નેતાઓને માત્ર ઉંમરના આધારે સાઈડલાઈન કરવાથી પક્ષને મોટું નુકસાન જશે. નવા ચહેરા લાવવાની લ્હાયમાં પાર્ટી એવા અનુભવી નેતાઓની ઉપેક્ષા કરી રહી છે જેમનું પોતાના વિસ્તારમાં જબરદસ્ત પ્રભુત્વ છે. તાજેતરમાં જ તેમણે ઝઘડિયા તાલુકા પ્રમુખ તરીકે સંદીપ પટેલની નિમણૂકનો ખુલ્લો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ "ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે" : ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ

જૂના જોગીઓની અવગણના અને આક્રોશ

મનસુખ વસાવા ભાજપના એવા જૂજ નેતાઓમાંથી આવે છે જેઓ ખોટી નીતિઓ સામે અવાજ ઉઠાવવામાં ક્યારેય પીછેહઠ કરતા નથી. લોકસભામાં ૭ વખત ચૂંટાયેલા આ સાંસદ લોકોના હિત માટે સરકારની સામે પણ બળવો કરી ચૂક્યા છે. વર્ષ ૨૦૨૦માં નર્મદા જિલ્લાના ૧૨૧ ગામોને 'ઇકો સેન્સિટિવ ઝોન' જાહેર કરવાના મુદ્દે તેમણે રાજીનામું સુદ્ધાં ધરી દીધું હતું. ભ્રષ્ટાચાર અને રેતી ખનન જેવા મુદ્દે તેઓ અવારનવાર પોતાની જ સરકારના અધિકારીઓને પત્રો લખે છે. આશ્ચર્યની વાત એ છે કે, ખુદ ભાજપે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પોતાના જ 'નો-રિપીટ' નિયમોને નેવે મૂકીને મનસુખ વસાવાને સાતમી વખત ટિકિટ આપી હતી. આ દર્શાવે છે કે તેમનું રાજકીય કદ કેટલું વજનદાર છે.

ફેબ્રુઆરી ૨૦૨૧ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વખતે સી.આર. પાટીલ દ્વારા આ ફોર્મ્યુલા દાખલ કરવામાં આવી હતી. એ સમયે તેનો હેતુ શાસન વિરોધી લહેરને રોકવાનો અને પરિવારવાદને ડામવાનો હતો. જોકે, આ પ્રયોગ થતાં જ સિનિયર કાર્યકરોમાં વ્યાપક કચવાટ ઊભો થયો હતો. સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં તો કાર્યકરોએ 'કમલમ' સુધી પહોંચીને રસ્તા પર ખુલ્લો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

મહત્વપૂર્ણ વાત એ છે કે.. જો આ નિયમો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીના મોટા ફલક પર લાગુ નથી પડતા, તો પછી માત્ર સ્થાનિક ચૂંટણીઓ માટે જ શા માટે? વાસ્તવિકતા એ છે કે ગ્રામ પંચાયત કે નગરપાલિકા સ્તરે પક્ષના સિમ્બોલ કરતાં ઉમેદવારનો અંગત લોકસંપર્ક વધુ વોટ ખેંચી લાવે છે. પસંદગીયુક્ત શિસ્ત અપનાવવાના આ રવૈયાથી પાયાનો કાર્યકર નિરાશ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: "ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ" : અમદાવાદ મનપાની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કોના પર સાધ્યું નિશાન?

૨૦૨૬નો જંગ અને પડકારો

રાજ્ય ચૂંટણી પંચે ૨૦૨૬ની ચૂંટણીઓ માટે તારીખોનું એલાન પણ કરી દીધું છે. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન અને ૨૮ એપ્રિલે પરિણામ જાહેર થશે. ૧૫ મહાનગરપાલિકાઓ અને ૩૪ જિલ્લા પંચાયતોનો આ અત્યંત વિશાળ જંગ છે. સીમાંકન અને ઓબીસી અનામતની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. વર્તમાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી શિસ્ત જાળવવાનો પાઠ ભણાવી રહ્યા છે, પણ ગ્રાઉન્ડ પર ચિત્ર અલગ છે. જો કાગળ પરના નિયમો જમીન સાથે જોડાયેલા મજબૂત નેતાઓના જ મૂળિયાં કાપી નાખશે, તો આગામી ચૂંટણીઓમાં ભીતરઘાતનો મોટો ખતરો ઊભો થશે. નારાજ થયેલો કાર્યકર નિષ્ક્રિય થઈને અંદરખાને નુકસાન પહોંચાડી શકે છે.

મનસુખ વસાવાએ વગાડેલી આ 'ખતરાની ઘંટડી' ભાજપના મોવડીમંડળ માટે ચેતવણી છે. જો ૨૦૨૬માં આંતરિક અસંતોષ નહીં ડામવામાં આવે, તો પક્ષના જ કાર્યકરો પક્ષને નુકસાન પહોંચાડી શકે છે, જેની અસર ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પણ જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now