ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST) દ્વારા મુસાફરો માટે મહત્વપૂર્ણ સુવિધા ફરી શરૂ કરવામાં આવી છે. દૈનિક મુસાફરો માટેની ઓનલાઈન પાસ સેવા, જે ટેક્નિકલ કારણોસર કેટલાક સમયથી બંધ હતી, હવે ફરી શરૂ કરવામાં આવી છે. નિગમ દ્વારા ઇનહાઉસ સોફ્ટવેર વિકસાવી આ સેવા ફરી કાર્યરત કરવામાં આવી છે.
QR કોડની સુવિધા
આ નવી વ્યવસ્થા હેઠળ મુસાફરો હવે પોતાના મુસાફર પાસ માટે ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ખાસ વાત એ છે કે પેમેન્ટ માટે QR કોડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે પેમેન્ટ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે.
મુસાફરો પોતાના મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન પાસ માટે અરજી કરી અને પેમેન્ટ પૂર્ણ કર્યા બાદ પોતાના નજીકના બસ સ્ટેશન પરથી પાસની પ્રિન્ટ મેળવી શકશે. આ વ્યવસ્થાથી હવે મુસાફરોને લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં.
2 લાખથી વધુ દૈનિક મુસાફરોને લાભ
આ સુવિધાનો લાભ રાજ્યભરના અંદાજે 2 લાખથી વધુ દૈનિક મુસાફરોને મળશે. ખાસ કરીને લોકલ અને એક્સપ્રેસ બસમાં નિયમિત અપડાઉન કરતા લોકો માટે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પહેલથી મુસાફરોનો સમય બચશે અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં ડિજિટલાઇઝેશનને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ, બસ સ્ટેશન પરની ભીડમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
આ પણ વાંચો: EPFO નો મોટો નિર્ણય, લાખો કર્મચારીઓને થશે સીધી અસર : PF ના પૈસા ઉપાડવા માંગતા લોકો ખાસ જાણી લેજો આ માહિતી
નિગમ દ્વારા મુસાફરોને ઓનલાઈન સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આ પગલાંથી મુસાફરોને વધુ સુવિધા અને સરળતા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.





