Gopal Italia vs Harsh Sanghvi: વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ ગુજરાતના DyCM હર્ષ સંઘવી સામે ગંભીર આક્ષેપો કર્યાં છે. ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું છેકે, "હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલીને મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું, એ વાતનો મેં ભાંડો ફોડ્યો તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાયરલ કરવામાં આવ્યો. મારા પરિવારને ધાક ધમકી આપવામાં આવી. ગોપાલ ઇટાલીયાએ એમ પણ કહ્યુંકે, બનાવટી AI ઓડિયો સનસનીખેજ નથી, સનસનીખેજ સમાચાર તો 2027માં આવશે કે હર્ષ સંઘવી જેલમાં જાય છે અને AAPની સરકાર આવે છે.
ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ હર્ષ સંઘવી સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, અમે આખા વર્ષમાં તમારા પર 100 મુદ્દાએ આંગળી ઊંચી કરી છે, અમે તો કહ્યું કે તમારી પાર્ટી ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલી છે. અમે કહ્યું કે દારૂના હપ્તામાં ભાજપના લોકો કમાય છે, આવી કોઈ પણ બાબતે કેમ કોઈ ઓડિયો ન આવ્યો? પણ જ્યારે મેં મારા પરિવારની વાત કરી ત્યારે બનાવટી ઓડિયો વાયરલ કરીને મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હકીકતમાં જનતા બધું જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે.
હર્ષ સંઘવીના રાજમાં ગુજરાતમાં ડ્રગ્સ અને ગુંડારાજ વધ્યુંઃ ગોપાલ ઇટાલીયા
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, હર્ષ સંઘવીના રાજમાં ગુજરાતમાં ડ્રગ્સ અને ગુંડારાજ વધ્યું, પોલીસ પર હુમલા થઈ રહ્યા છે, એનો પણ ઓડિયો આવવો જોઈએ. સાચી વાત એ છે કે અત્યાર સુધીમાં 100 કરતાં વધુ FIR કરીને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું છે. પણ અમને કોઈ વાંધો નથી કારણ કે અમે ડરતા નથી, અમે ખુલ્લેઆમ ફરીએ છીએ. ગઈકાલે જે કૃત્ય કરવામાં આવ્યું તે કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું અને “ચોરી ઉપરથી સીનાજોરી” કરી. મારા પરિવારને હેરાન કરવામાં આવે છે ધાકધમકી આપવામાં આવે છે અને ઉપરથી મારા વિરુદ્ધ ઓડિયો બનાવવામાં પણ આવે છે.
આ પણ વાંચોઃ "ભાજપના કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલીયાના ફેન છે" : "ઇટાલીયાની ધરપકડનું ષડયંત્ર રચાયું" જાણો ઇસુદાન ગઢવીએ બીજું શું કહ્યું
"હું પોલીસમાં રહી ચૂક્યો છું અને વકીલ પણ છું તો મને બધી જ ખબર છે"
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, એક નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતો માણસ ઓડિયો બનાવે એવો ઓડિયો છે. જેમાં જે કહેવાતો ભાઈ છે એ મને કાયદાનું જ્ઞાન આપે છે, પણ આવું જ્ઞાન કોઈએ મને આપવાની ક્યાં જરૂરત છે? હું પોલીસમાં રહી ચૂક્યો છું અને વકીલ પણ છું તો મને બધી જ ખબર છે કે કયો નિયમ છે અને કયો નહીં, કોઈએ મને ફોન કરીને આ નિયમ બાબતે કાંઈ કહેવાની કોઈ જરૂરત હોતી નથી. અમે તો ખુલ્લેઆમ કહીએ છીએ કે હર્ષ સંઘવીને આવ્યા પછી ગુંડાઓ બુટલેગરો પોલીસને દોડાવી દોડાવીને મારે છે, પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, વટવા બાજુ પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી, હર્ષ સંઘવીના આવ્યા પછી પોલીસને મારવામાં ગુંડાઓ સહેજ પણ શરમાતા નથી.






