ગોપાલ ઇટાલીયાના સમર્થનમાં મેદાનમાં આવ્યા ઇસુદાન ગઢવી
"ગોપાલ ઇટાલીયાને જેટલો પરેશાન કરશો એટલાં લોકો એના સમર્થનમાં ઉતરશે"
"ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાની ધરપકડ કરવાનું ષડયંત્ર રચાયું"
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારનો માહોલ બન્યો છે અને ઇન્ટર્નલ સૂત્રો પ્રમાણે જે માહિતી મળી છે એ અનુસાર આમ આદમી પાર્ટી ખૂબ જ મોટી સફળતા મેળવી રહી છે, જેના કારણે ભાજપ અકળાયું છે અને દરેક કાર્યકર્તા પર FIR કરીને જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે.
ઇસુદાન ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું છેકે, અમને સૂત્રો તરફથી માહિતી મળી છે કે લોકપ્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની ધરપકડ કરવાનો ષડયંત્ર રચાયું છે. શું ગોપાલભાઈ ઇટાલીયાની ધરપકડથી ગુજરાતના નાગરિકોની ન્યાય મળી જશે? શું તમને ખ્યાલ છે ગોપાલભાઈની કેટલી લોકપ્રિયતા છે? ગોપાલભાઈ ઇટાલીયાને તમે જેટલા પરેશાન કરશો એટલા જ ગુજરાતના લોકો રસ્તા પર ઉતરી આવશે. ભાજપના જે કાર્યકર્તાઓ ગોપાલભાઈના ફેન છે એ પણ આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.
વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલીયાની ધરપકડના જે ચક્રો ગતિમાન થયા છે, એ મુદ્દે હું ગુજરાતની જનતાને સ્પષ્ટપણે કહેવા માગું છું કે આ લોકો અમારા પર અત્યાચાર કરશે અમને જેલમાં નાખીને અમારા પર લાઠીઓ વરસાવશે. અમે તમારા માટે લડીએ છીએ માટે અમારા વિરુદ્ધ આ બધા ષડયંત્ર થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ "હર્ષ સંઘવીએ મારા ઘરે પોલીસ મોકલીને મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું" : "હું પોલીસમાં રહી ચૂક્યો છું અને વકીલ પણ છું તો મને બધી જ ખબર છે", ગોપાલ ઇટાલીયાના ગંભીર આક્ષેપો
વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યુંકે, જ્યારે ચૂંટણીના દિવસે મતદાન કરવાનો સમય આવે ત્યારે તમે ઝાડુંનું બટન દબાવજો પછી ભલે અત્યાર સુધી તમે ભાજપ કે કોંગ્રેસને મત આપ્યા હોય. ઝાડુંનું બટન દબાવજો જેથી અત્યાચારીઓને ખબર પડે કે અત્યાચાર કરવાથી હવે ગુજરાતની જનતાનો અવાજ દબાવી નહીં શકાય. માટે હું તમામ લોકોને અપીલ કરું છું કે ગોપાલભાઈની ધરપકડ થાય તો એમના સમર્થનમાં ઉતરી પડજો. અમે અત્યાચારોને સહન કરી લઈશું પરંતુ આના પછી અત્યાચાર ન થાય એ માટે ઝાડુંનું બટન દબાવજો.






