Offbeat Exclusive: અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ અમદાવાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને ખાડિયા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના 'પાકિસ્તાન' વાળા નિવેદન બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પલટવાર કર્યો છે, જેની સામે ભૂષણ ભટ્ટે ફરી આક્રમક વળતો જવાબ આપ્યો છે.
ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં વિવાદની શરૂઆત
ભારતીય જનતા પાર્ટીએ 5મી એપ્રિલે શહેરના 48 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કર્યા હતા. ખાડિયા વોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભૂષણ ભટ્ટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે જાહેર કરેલા 4 ઉમેદવારોમાંથી 3 તો 'પ્રવાસી' છે, જેમને ખાડિયાની ભૂગોળની પણ ખબર નથી. તેમણે વધુમાં 'અશાંત ધારા'ના કડક અમલની વાત કરતા પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી રાજકીય વિવાદ છેડાયો હતો.
"કોંગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ભૂષણ ભટ્ટ
ઈમરાન ખેડાવાલાના વળતા પ્રહાર બાદ ભૂષણ ભટ્ટે ફરી આક્રમક તેવર બતાવ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય અને આખી કોંગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે. મેં પાકિસ્તાનનું નામ લીધું એટલે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. તેમને પાકિસ્તાન પ્રત્યે કેમ આટલો અહોભાવ જાગ્યો છે? ખાડિયાની એકતા અને અખંડિતતા જાળવી રાખવા ભાજપ કટિબદ્ધ છે. 1972થી અહીં ભાજપ વિજયી બનતી આવી છે અને 2026ની ચૂંટણીમાં પણ ખાડિયામાં કોંગ્રેસના ચણા પણ નહીં આવે, ભાજપની આખી પેનલ જીતશે."
ઈમરાન ખેડાવાલાનો પ્રહાર: "ભૂષણ ભટ્ટ પાસે કોઈ મુદ્દા નથી"
આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભૂષણ ભટ્ટ આવા નિવેદનો કરે છે. તેમણે ઉમેર્યું કે ભૂષણભાઈ પાસે પ્રજાના કામોના કોઈ મુદ્દા નથી, એટલે તેઓ માત્ર હિન્દુ-મુસ્લિમની રાજનીતિ કરવા માંગે છે." તેઓ કહે છે કે ખાડિયા પાકિસ્તાન બની જશે, પણ મારે પૂછવું છે કે ખાડિયા પાકિસ્તાન કેવી રીતે બને? હું બે ટર્મથી ધારાસભ્ય છું અને તમામ સમાજના લોકો મને વોટ આપે છે. પોતાના પરિવારના સભ્યને કોર્પોરેશનમાં ટિકિટ અપાવવા માટે તેઓ અત્યારે હવાતિયાં મારી રહ્યા છે."
અશાંત ધારો અને 'મટન માર્કેટ'ની ચર્ચા
ખેડાવાલાએ જૂની વાતો યાદ અપાવતા કહ્યું કે, અગાઉ ભૂષણ ભટ્ટે ડર બતાવ્યો હતો કે જો કોંગ્રેસ જીતશે તો માણેક ચોકમાં મટનની દુકાનો ખુલી જશે, પરંતુ આજે પણ ત્યાં માત્ર વેજિટેરિયન ફૂડ જ મળે છે. બીજી તરફ, ભૂષણ ભટ્ટે તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોલીસ દ્વારા હિન્દુઓના ઘર ખાલી કરાવવા અંગે રજૂઆત કરી હતી, જે બાબતે પણ ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો હતો કે શું ભાજપના પૂર્વ ધારાસભ્યને પોતાની જ સરકાર પર ભરોસો નથી?
"ભૂષણ ભટ્ટ પોતાના પુત્ર માટે કોર્પોરેશનની ટિકિટ લેવા હવાતિયાં મારે છે"
ઈમરાન ખેડાવાલાએ વધુમાં જણાવ્યું હતુંકે, એક રાજકીય રીતે કોર્પોરેશનની ટિકિટ મેળવવા માટે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ હાલ હવાતિયાં મારી રહ્યાં છે. ભૂષણભટ્ટને પોતાના પુત્રને કે પરિવારમાંથી કોઈને ચૂંટણી લડાવવી છે. તેમને ભાજપમાંથી કોર્પોરેશનની ચૂંટણી માટે ટિકિટ જોઈતી હશે એટલાં માટે આવા નિવેદનો કરી રહ્યાં છે. બે દિવસ પહેલાં જ તેમણે એક પત્ર લખ્યો. જેમાં એવું લખ્યુંકે, પોલીસ જબરદસ્તી હિન્દુઓના ઘરો ખાલી કરાવી રહી છે એવો એક પત્ર હમણાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને ભૂષણ ભટ્ટે લખ્યો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય છે, સરકાર એમની છે, ડબલ એન્જિનની સરકાર છે. શું પોલીસ પર તેમને ભરોસો નથી કે પછી સરકાર પર તેમને ભરોસો નથી એ મને કઈ સમજાતું નથી. પરંતુ આવા જે નિવેદનો કરે છે એ માત્ર અને માત્ર હિન્દુ અને મુસ્લિમની રાજનીતિના હોય છે.
"ભૂષણ ભટ્ટ ધારાસભ્ય હતા ત્યારે કહેતા હતા કે અહીં કોંગ્રેસ જીતશે તો બધે મટનની માર્કેટ શરૂ થઈ જશે"
એક સમયે પહેલાં જ્યારે ભૂષણ ભટ્ટ આ વિસ્તારના ધારાસભ્ય હતા ત્યારે એવું કહેતા હતાં કે, મુસ્લિમ ધારાસભ્ય કે કોંગ્રેસનો ધારાસભ્ય અહીં ચૂંટાઈને આવશે તો અહીં બધે મટનની દુકાનો ખુલી જશે, મટની માર્કેટો લાગી જશે, અહીં બધે મટના તવા લાગી જશે. હમણાં પણ તમે ત્યાં જઈને જોઈ શકો છોકે, અમારા મત વિસ્તારમાં આવતા માણેક ચોકમાં માત્ર વેજિટેરિયન ફૂડ જ વેચાય છે. એટલે માત્ર તેઓ લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે. હવે લોકો તેમને ઓળખી ગયા છેકે, કોર્પોરેશનની ચૂંટણીમાં તેમનું કંઈ ઉપજવાનું નથી. આવખતે કોર્પોરેશનની ચૂંટણીમાં ખાડિયામાં ચારેય ચાર સીટો કોંગ્રેસના ઉમેદવારો જીતશે.
ખાડિયામાં અત્યારે ચૂંટણી પહેલા જ જંગ જામ્યો છે. એક તરફ ભાજપ પોતાની એકતા અને જૂના ગઢને બચાવવા 'પાકિસ્તાન' અને 'અશાંત ધારા'ના મુદ્દા ઉછાળી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ વિકાસ અને ભાઈચારાના જોરે ચારેય બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. 2026ની આ લડાઈમાં ખાડિયાની જનતા કોને શિરોમાન્ય ગણે છે તે જોવું રહ્યું.




