Ahmedabad News: ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના ખાડિયા પાકિસ્તાન બની જશે વાળા નિવેદનને લઈને કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વળતો જવાબ આપ્યો છે. જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છેકે, જ્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ આવા નિવેદનો કરતા હોય છે. એમના નિવેદનોની ચૂંટણીમાં કે પ્રજામાં તો શું એમની પાર્ટીમાં પણ કોઈ અસર થતી નથી. એટલા માટે નથી થતી કે ભૂષણભાઈ પાસે એવા કોઈ મુદ્દા હોતા જ નથી.
મારે ભૂષણ ભટ્ટને પૂછવું છેકે, ખાડિયા પાકિસ્તાન કેવી રીતે બને?: ઈમરાન ખેડાવાલા
છેલ્લાં બે ટર્મથી જમાલપુર-ખાડિયા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે હું સેવા આપી રહ્યો છું. ખાડિયા-જમાલપુર વિસ્તારમાંથી તમામ સમાજના મત મને મળે છે ત્યારે હું ધારાસભ્ય બનું છું. ભૂષણભાઈ હમણાં સ્ટેજ પરથી બોલતા હતા કે ખાડિયા પાકિસ્તાન બની જશે. મારે ભૂષણભાઈને પૂછવું છેકે, ખાડિયા પાકિસ્તાન કેવી રીતે બને?
"બે ટર્મથી હું જમાલપુર-ખાડિયામાં મુસ્લિમ ધારાસભ્ય છું"
જમાલપુર-ખાડિયા વિધાનસભાથી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વધુમાં જણાવ્યું હતુંકે, બે ટર્મથી હું ત્યાં ધારાસભ્ય છું, કોંગ્રેસનો ધારાસભ્ય છું, હું એક મુસ્લિમ ધારાસભ્ય છું છતાં પણ ત્યાંના સ્થાનિક લોકોને ક્યારેય એવું લાગ્યું નથી કે મારા તરફથી એવું કોઈ નિવેદન ક્યારેય આવ્યું નથી. સ્થાનિકોને મારા તરફથી કોઈ તકલીફ પડી નથી.
"ભૂષણ ભટ્ટ પોતાના પુત્ર માટે કોર્પોરેશનની ટિકિટ લેવા હવાતિયાં મારે છે"
ઈમરાન ખેડાવાલાએ વધુમાં જણાવ્યું હતુંકે, એક રાજકીય રીતે કોર્પોરેશનની ટિકિટ મેળવવા માટે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ હાલ હવાતિયાં મારી રહ્યાં છે. ભૂષણભટ્ટને પોતાના પુત્રને કે પરિવારમાંથી કોઈને ચૂંટણી લડાવવી છે. તેમને ભાજપમાંથી કોર્પોરેશનની ચૂંટણી માટે ટિકિટ જોઈતી હશે એટલાં માટે આવા નિવેદનો કરી રહ્યાં છે. બે દિવસ પહેલાં જ તેમણે એક પત્ર લખ્યો. જેમાં એવું લખ્યુંકે, પોલીસ જબરદસ્તી હિન્દુઓના ઘરો ખાલી કરાવી રહી છે એવો એક પત્ર હમણાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને ભૂષણ ભટ્ટે લખ્યો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય છે, સરકાર એમની છે, ડબલ એન્જિનની સરકાર છે. શું પોલીસ પર તેમને ભરોસો નથી કે પછી સરકાર પર તેમને ભરોસો નથી એ મને કઈ સમજાતું નથી. પરંતુ આવા જે નિવેદનો કરે છે એ માત્ર અને માત્ર હિન્દુ અને મુસ્લિમની રાજનીતિના હોય છે.
"ભૂષણ ભટ્ટ ધારાસભ્ય હતા ત્યારે કહેતા હતા કે અહીં કોંગ્રેસ જીતશે તો બધે મટનની માર્કેટ શરૂ થઈ જશે"
એક સમયે પહેલાં જ્યારે ભૂષણ ભટ્ટ આ વિસ્તારના ધારાસભ્ય હતા ત્યારે એવું કહેતા હતાં કે, મુસ્લિમ ધારાસભ્ય કે કોંગ્રેસનો ધારાસભ્ય અહીં ચૂંટાઈને આવશે તો અહીં બધે મટનની દુકાનો ખુલી જશે, મટની માર્કેટો લાગી જશે, અહીં બધે મટના તવા લાગી જશે. હમણાં પણ તમે ત્યાં જઈને જોઈ શકો છોકે, અમારા મત વિસ્તારમાં આવતા માણેક ચોકમાં માત્ર વેજિટેરિયન ફૂડ જ વેચાય છે. એટલે માત્ર તેઓ લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે. હવે લોકો તેમને ઓળખી ગયા છેકે, કોર્પોરેશનની ચૂંટણીમાં તેમનું કંઈ ઉપજવાનું નથી. આવખતે કોર્પોરેશનની ચૂંટણીમાં ખાડિયામાં ચારેય ચાર સીટો કોંગ્રેસના ઉમેદવારો જીતશે.
ઈમરાન ખેડાવાલાએ અમિત શાહ પર પણ સાધ્યું નિશાન
ધારાસભ્ય અમિત શાહ જ્યારે જ્યારે મિટિંગ કરતા હોય ત્યારે તેમને જમાલપુર અથવા દરિયાપુર વિધાનસભાને ટાર્ગેટ બનાવવાની હોય છે. હું એમ કહું છુંકે, જે ઉમેદવાર લાયક હશે તેને કોંગ્રેસ ટિકિટ આપશે. પરંતુ ભાજપ પાસે હિન્દુ-મુસ્લિમની રાજનીતિ સિવાય કોઈ મુદ્દો નથી. આ સિવાય તેઓ હંમેશા અશાંતધારાની વાતો કરીને લોકોને ભરમાવે છે. એટલા માટે ધારાસભ્ય અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને કૌશિક જૈન સહિતના ભાજપના નેતાઓ આવી ખોટી વાતો કરીને ધ્રુવીકરણની વાતો કરે છે. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને અમદાવાદની પ્રજાના આર્શીવાદ મળશે. હિન્દુ-મુસ્લિમ, પાકિસ્તાન અને આતંકવાદની વાતો કરતા ભાજપના નેતાઓને પરિણામ આવશે ત્યારે ખ્યાલ આવી જશે કે કોણ સત્તા પર છે.




