અમદાવાદ: "જેના પર અતૂટ વિશ્વાસ રાખીને સાત ફેરા ફર્યા હતા, એ જ સાથી રક્ષકને બદલે ભક્ષક બનશે તેવી કલ્પના કોમલે સ્વપ્ને પણ નહીં કરી હોય! અમદાવાદના ન્યૂ રાણીપમાં એક હસતા-રમતા સંસારનો કરુણ અંત આવ્યો છે. બાથરૂમમાં ચક્કર આવવાનું નાટક રચીને પત્નીના મોતમાં મગરના આંસુ સારતો પતિ આખરે પોલીસની તપાસમાં હત્યારો નીકળ્યો. અન્ય સ્ત્રીના મોહમાં અંધ બનેલા હર્ષે પ્રેમલગ્નના પવિત્ર બંધનને લજવીને પોતાની જ પત્નીનું ગળું ટૂંપી હત્યા કરી નાખી. કુદરતી મોતની મિથ્યા વાર્તા પાછળ છુપાયેલા આ પાપી પતિના ચહેરા પરથી આજે કાયદાએ મહોરું ઉતારી દીધું છે."
કુદરતી મોતના દાવા પાછળ છુપાયેલું હતું હત્યાનું કાવતરું
ઘટનાની વિગત મુજબ, અમદાવાદના ન્યુરાણીપ વિસ્તારમાં 4 એપ્રિલના રોજ કોમલ નામની પરિણીતાના શંકાસ્પદ મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટે ભેદ ઉકેલી દીધો છે. કોમલનું મોત કુદરતી નહીં, પરંતુ પતિ હર્ષ પ્રજાપતિએ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી હર્ષ પ્રજાપતિએ પોલીસ અને પરિવાર સમક્ષ એવી વાર્તા ઘડી હતી કે, તેની પત્ની કોમલ બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેને અચાનક ચક્કર આવી ઉલટી થઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે, મૃતક કોમલના પિતા ઈશ્વરભાઈ ઠાકોરને જમાઈની આ વાત પર શંકા જતા તેમણે ન્યાયની માંગ કરી હતી.
2022માં છુટાછેડા બાદ કોમલને હર્ષ સાથે પ્રમ થયો
કોમલના પ્રથમ લગ્ન ગોતા ગામમાં રહેતા વિષ્ણુ ઠાકોર સાથે 17 વર્ષ પહેલા સમાજના રીત-રીવાજ મુજબ થયા હતા. કોમલને વિષ્ણુ સાથે મનમેળ ન આવતા અંતે તેને 2022માં સમાજીક રીતે છુટાછેડા લઈ લીધા હતા. લગ્ન જીવન દરમિયાન કોમલને કોઈ સંતાન હતુ નહીં. છુટાછેડા બાદ કોમલ પિયરમાં રહેતી હતી, ત્યારે તેને ચાંદલોડીયાના રણછોડનગર ખાતે રહેતા હર્ષ પ્રજાપતિ સાથે મુલાકાત થઈ હતી. બન્ને એકબીજા સાથે વાતો કરતા હતા અને બાદમાં પ્રેમસંબંધ થઈ ગયો હતો. હર્ષે કોમલ સાથે લગ્ન કરવાનું કહ્યું, જેથી બન્ને પરિવારોએ ભેગા થઈને તેમના લગ્ન 2022માં કરાવી દીધા હતા. લગ્ન બાદ કોમલ સાસરીમાં રહેવા માટે ગઈ હતી. 2024માં કોમલે એક દીકરાને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો: કોંગ્રેસની પહેલી યાદીમાં જ 'ભડકો'! : 'ગઈકાલે ભાજપમાં હતા, આજે કોંગ્રેસના ઉમેદવાર?' કાર્યકરોએ ઉઠાવ્યા સવાલ
દીકરાના જન્મબાદ નવુ મકાન લીધુ, પતિની કર્ણાવતી ડેન્ટલ યુનિ.માં નોકરી
દીકરાના જન્મ થતા કોમલના સસરાએ ન્યુ રાણીપમાં પર્લ 78 રેસેન્સીમાં નવુ મકાન ખરીદ્યુ હતું. દોઢ વર્ષ પહેલા કોમલ સહિત સાસરીયા નવા મકાનમાં રહેવા માટે જતા રહ્યા હતા. હર્ષ ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી ડેન્ટલ યુનિવર્સિટીમાં ઓટી આસિસટન્ટ તરીકે નોકરી કરે છે. આ સિવાય સાંજના 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી વંદેમાતરમ ખાતે પ્રાઈવેટ ક્લીનીકમાં કમ્પાઉન્ડર તરીકેની નોકરી કરે છે. ઈશ્વરભાઈના ઘરે જ્યારે સારો-નરસો પ્રસંગ હોય ત્યારે કોમલ અને હર્ષ આવતા હતા.
પિયરમાં આવી રડતા-રડતા પતિના અફેરની વાત કરી, પિતાએ પરત મોકલી દીધી
20 દિવસ પહેલા કોમલ તેના દીકરાને લઈને પિયરમાં આવી હતી, જ્યાં તેણે રડતા માતા-પિતાને કહ્યુ હતું કે, હર્ષ ઉવારસદમાં જ્યા નોકરી કરે છે, ત્યારે કોઈ સ્ત્રી સાથે તેના આડા સંબંધ છે. કોમલે આ મામલે હર્ષ સાથે વાત કરી તો તે તેની સાથે ઝઘડો કરે છે. આ સિવાય હર્ષે ધમકી પણ આપી છે કે, જો આ વાતની જાણ કોઈને કરીશ તો તને શાંતિથી રહેવા નહીં દઉ. અવારનવાર ધમકીઓ આપતા કોમલ ચુપચાપ પતિનો ત્રાસ સહન કરતી હતી. ઈશ્વરભાઈએ કોમલને આશ્વાસન આપ્યુ હતું અને તેમણે વેવાઈ અને હર્ષને સમજાવવાનું કહીને સાસરીમાં પરત મોકલી દીધી હતી.
4 એપ્રિલે પિતાના ફોન આવ્યો તે કોમલ બીમાર તમે આવો
15 દિવસ પહેલા કોમલે તેના પિતાને ફોન કર્યો હતો અને કહ્યુ કે, હર્ષ મારીસાથે બોલાચાલી ઝઘડો કરે છે અને છુટાછેડા આપવાનું દબાણ કરીને જેમફાવે તેમ ગાળો બોલે છે. ગત 4 એપ્રિલના રોજ જ્યારે ઈશ્વરભાઈ નોકરી પર હાજર હતા, ત્યારે તેમના વેવાઈ મુકેશભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમારી દીકરી કોમલ બીમાર પડી ગઈ છે, તમે તાત્કાલીક ઘરે આવો. કોમલની વાત મળતાની સાથે જ ઈશ્વરભાઈ પત્ની હીરાબેન અને ભાઈ તેમજ સંબંધીઓને લઈને ન્યુરાણીપમાં પહોંચી ગયા હતા. ઠાકોર પરિવાર જ્યારે ન્યુરાણીપ પહોચ્યુ ત્યારે કોમલને મૃત હાલતમાં જોતાની સાથેજ તેમના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. ઈશ્વરભાઈએ કોમલના મોત મામલે પૂછતા હર્ષ જણાવ્યું કે, કોમલ બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેને ચક્કર આવતા પડી ગઈ હતી અને ઉલટી થતા મોત થયુ છે. ઈશ્વરભાઈને હર્ષની વાત પર શંકા થતા તેમને પોલીસ કંટ્રોલમાં ફોન કરવા માટે દીકરાને કહ્યુ હતું. પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કોમલની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યારે પોલીસ દ્વારા જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું, ત્યારે તબીબી રિપોર્ટમાં ખુલાસો થયો કે, કોમલનું મોત ચક્કર આવવાથી નહીં, પરંતુ ગળે ટૂંપો આપવાને કારણે થયું છે.
અનૈતિક સંબંધો અને છૂટાછેડાનું દબાણ હત્યાનું મુખ્ય કારણ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, હર્ષ અને કોમલના પ્રેમલગ્ન વર્ષ 2022માં થયા હતા અને તેમને એક નાનો દીકરો પણ છે. સુખી જણાતા આ સંસારમાં ત્યારે કલેશ શરૂ થયો જ્યારે કોમલને તેના પતિ હર્ષના અન્ય કોઈ સ્ત્રી સાથેના અનૈતિક સંબંધોની જાણ થઈ. હર્ષ બીજી પત્ની લાવવા માટે અવારનવાર કોમલને ત્રાસ આપતો હતો અને તેને છૂટાછેડા આપવા માટે દબાણ કરતો હતો. આ વિવાદ વધતા અંતે હર્ષે કોમલને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું અને તેની હત્યા કરી નાખી.
પિતાની વેદના: "જમાઈ અવારનવાર દીકરીને ત્રાસ આપતો હતો"
ફરિયાદી અને કોમલના પિતા ઈશ્વરભાઈ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, હર્ષ પહેલેથી જ બીજી પત્ની લાવવાના ઇરાદાથી કોમલ સાથે ઝઘડો કરતો હતો. દીકરીના શંકાસ્પદ મોત બાદ પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. DYSP રાણા દિગ્વિજ્યસિંહ (L ડિવિઝન) ના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા PM રિપોર્ટના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી કાયદેસરની તપાસ ચલાવી રહી છે.




