Home Gujarat Ahmedabad Ahmedabad Amc Election Congress Candidate List Controversy

કોંગ્રેસની પહેલી યાદીમાં જ 'ભડકો'! : 'ગઈકાલે ભાજપમાં હતા, આજે કોંગ્રેસના ઉમેદવાર?' કાર્યકરોએ ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના ફ્લેગના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Apr 07, 2026, 10:57 AM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને Congress દ્વારા પહેલી ઉમેદવાર યાદી જાહેર થતા જ આંતરિક અસંતોષ બહાર આવ્યો છે. યાદી જાહેર કરવા પહેલા મોડી રાત્રે 2 વાગ્યા સુધી બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રભારી બી. વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ ચર્ચા કરીને નામોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. છતાં, યાદી બહાર આવતા જ કેટલાક વિસ્તારોમાં સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અમદાવાદની કેટલીક બેઠકો પર ઉમેદવારોને લઈને વિરોધ

કોંગ્રેસે શરૂઆતમાં માત્ર નિર્વિવાદિત બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જેથી વિવાદ ટાળી શકાય. પરંતુ હકીકતમાં અમદાવાદની કેટલીક બેઠકો પર ઉમેદવારોને લઈને જ વિરોધ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને રામોલ-હાથીજણ વોર્ડમાં પદમાબેન પરમાર અને શેખ રમીજરાજા અબ્દુલ અઝીઝના નામ જાહેર થતાં વિવાદ ઊભો થયો છે.

શેખ રમીજરાજાના નામને લઈને કાર્યકરો સવાલ ઉઠાવી રહ્યા છે કે તેમણે 2024 માં કોંગ્રેસ છોડીને BJP માં જોડાયા હતા, તો તેમની ફરી પાર્ટીમાં વાપસી ક્યારે થઈ? સ્થાનિક કાર્યકરો સોશિયલ મીડિયા પર તેમના ભાજપના નેતાઓ સાથેના ફોટા વાયરલ કરીને ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા છે. તેઓએ શહેર પ્રમુખને પત્ર લખીને પણ સ્પષ્ટતા માગી છે અને અન્ય ઉમેદવાર પસંદ કરવાની માંગ કરી છે.

આ વિવાદ વચ્ચે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ બચાવની ભૂમિકામાં જોવા મળ્યા છે. તેમના જણાવ્યા મુજબ, શેખ રમીજરાજા લાંબા સમયથી NSUI અને યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને તેમની સામે કરવામાં આવતા આક્ષેપો ખોટા છે. તેઓએ કહ્યું કે યુવા ઉમેદવાર તરીકે તેમને તક આપવામાં આવી છે અને તેઓ સતત પાર્ટી સાથે કાર્યરત રહ્યા છે.

આ પણ વાંચો: ભાજપના નેતાઓના અરમાનો પર પાણી : ઉમેદવારોની પસંદગી અંગે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડનો મોટો નિર્ણય, જાણો ચૂંટણીમાં કોને-કોને નહીં અપાય ટિકિટ

વટવા વિસ્તારમાં પણ સમાન સ્થિતિ જોવા મળી છે. અહીં સોએબઅલી સાબિરઅલી રાજપૂતના નામને લઈને વિવાદ ઉભો થયો છે. તેમના આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપતા ફોટા વાયરલ થતાં કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને ઉમેદવાર બદલવાની માંગ ઉઠી છે.

આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે કોંગ્રેસે ભાજપ કરતા વહેલી ઉમેદવાર યાદી જાહેર કરી હોવા છતાં, હવે આંતરિક અસંતોષ અને સ્થાનિક સ્તરે ઉઠતા પ્રશ્નો પાર્ટી માટે પડકાર બની શકે છે. આગામી દિવસોમાં પાર્ટી આ વિવાદોને કેવી રીતે હલ કરે છે તે ચૂંટણી પર અસરકારક સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now