Home National Madhya Pradesh Tiger Dea Ths 2025 Concern Analysis

‘ટાઈગર સ્ટેટ’ માં જ વાઘ સુરક્ષિત નથી? : 2025 માં 79 વાઘના મોત, જાણો શું છે વાઘના રહસ્યમય મોત પાછળનું ચોંકાવનારું કારણ

Tiger
Published by: Aryan Shah
Last Updated: Apr 24, 2026, 09:27 AM IST

Tiger : ભારતના હૃદય સમાન મધ્યપ્રદેશ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 'ટાઈગર સ્ટેટ' નો દરજ્જો ધરાવતા આ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં વાઘના મૃત્યુના આંકડાએ નિષ્ણાતોની ઊંઘ ઉડાવી દીધી છે. જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં કુલ 79 વાઘના મોત નોંધાયા છે. આ આંકડો માત્ર આંકડો નથી, પરંતુ વન્યજીવ સંરક્ષણ સામે ઉભો થયેલો એક મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે. શું આપણે વાઘની સંખ્યા વધારવામાં એટલા મશગૂલ થઈ ગયા કે તેમના રહેઠાણ અને સુરક્ષાના મૂળભૂત પાસાઓને ભૂલી ગયા?

વધતી વસ્તી અને ઘટતી જગ્યા વચ્ચેનો જંગ

મધ્યપ્રદેશમાં વાઘના સંરક્ષણ માટે વર્ષોથી ચાલી રહેલા પ્રોજેક્ટ્સને કારણે વાઘની સંખ્યા 1000 થી પણ વધુ પહોંચી ગઈ છે. આ એક મોટી સફળતા હતી, પરંતુ હવે આ જ સફળતા વાઘ માટે જોખમ બની રહી છે. વાઘ એક એવું પ્રાણી છે, જે પોતાનો ચોક્કસ વિસ્તાર (Territory) બનાવીને રહે છે. જ્યારે એક જ જંગલમાં ક્ષમતા કરતાં વધુ વાઘ થઈ જાય, ત્યારે પ્રાદેશિક વર્ચસ્વ માટે તેમની વચ્ચે જીવલેણ લડાઈઓ શરૂ થાય છે. હાલમાં થયેલા મોટાભાગના મૃત્યુ પાછળ 'ઇન્ફાઈટિંગ' એટલે કે વાઘોનો અંદરોઅંદરનો સંઘર્ષ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.

વૈજ્ઞાનિક ક્ષમતાના આકલન માટેની પહેલ

પરિસ્થિતિની ગંભીરતાને જોતાં મધ્યપ્રદેશ વન વિભાગે હવે પરંપરાગત રીતો છોડીને વિજ્ઞાનનો સહારો લીધો છે. વન વિભાગે દેહરાદૂન સ્થિત 'વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા' (WII) ને એક ખાસ વિનંતી કરી છે. વિભાગ ઈચ્છે છે કે, એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ (Scientific Methodology) વિકસાવવામાં આવે, જેના દ્વારા દરેક ટાઈગર રિઝર્વની 'કેરિંગ કેપેસિટી' એટલે કે વહન ક્ષમતા માપી શકાય. આ પદ્ધતિથી એ નક્કી થઈ શકશે કે કયા જંગલમાં પર્યાવરણીય સંતુલન બગડ્યા વગર વધુમાં વધુ કેટલા વાઘ રહી શકે છે.

કોર્ટના નિર્દેશો અને સંરક્ષણની નવી દિશા

આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે પણ અગાઉ તમિલનાડુના એક કેસમાં મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, માત્ર વાઘ ગણવા પૂરતું નથી, પરંતુ દરેક રિઝર્વની ક્ષમતાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવું જરૂરી છે. નિષ્ણાતોના મતે, કાન્હા, બાંધવગઢ અને પેંચ જેવા હાઇ-ડેન્સિટી ધરાવતા વિસ્તારોમાં વાઘ હવે 'ઇકોલોજીકલ આઇલેન્ડ્સ' માં ફેરવાઈ રહ્યા છે. એટલે કે, તેઓ જંગલના એક નાના ટુકડામાં કેદ થઈ ગયા છે અને બહાર નીકળતા જ માનવ વસ્તી સાથે તેમનો સંઘર્ષ વધે છે.

આ પણ ખાસ વાંચો : વડોદરાના સયાજીબાગમાં 18 વર્ષ બાદ ગુંજી કિલિયારી : સફેદ વાઘણ 'રાધા'એ બાળ વાઘને જન્મ આપ્યો, ઝૂમાં ખુશીનો માહોલ

ચિંતાજનક આંકડાઓનું વિશ્લેષણ

નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ના આંકડાઓ પર નજર નાખીએ તો સ્થિતિ વધુ ડરામણી લાગે છે. વર્ષ 2021 માં 34 મોત થી શરૂ થયેલો સિલસિલો 2025 માં 79 સુધી પહોંચ્યો છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, 55 માંથી 23 વાઘના મોત નેશનલ પાર્કની હદની બહાર થયા છે. આનો અર્થ એ થયો કે, જંગલમાં જગ્યા ઓછી પડતાં વાઘ અસુરક્ષિત વિસ્તારોમાં જવા મજબૂર બન્યા છે, જ્યાં તેઓ શિકારીઓ અથવા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now