દેશભરમાં ચર્ચામાં રહેલા કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરેલા બે આરોપીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એક મહત્વનો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. કેસમાં મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરાયેલી કેતનની મંગેતર સિયા ગોયલ જ્યારે મહિલા પોલીસ સાથે બહાર આવી ત્યારે તેના હાથમાં હાથકડી નહોતી. બીજી તરફ સહ-આરોપી ચેતન ચૌધરીને હાથકડી પહેરાવેલી જોવા મળ્યો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે એક આરોપીને હાથકડી કેમ અને બીજીને કેમ નહીં?
વાસ્તવમાં ભારતમાં આરોપીઓને હાથકડી પહેરાવવાના સ્પષ્ટ કાનૂની નિયમો અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ છે. પોલીસ દરેક આરોપીને સામાન્ય રીતે હાથકડી પહેરાવી શકતી નથી. ખાસ કરીને મહિલા આરોપીઓના મામલે વધુ સાવચેતી રાખવાની જોગવાઈ છે અને માત્ર અસાધારણ પરિસ્થિતિમાં જ હાથકડીનો ઉપયોગ કરવામાં આવે છે.
હાથકડી લગાવવી સામાન્ય પ્રક્રિયા નથી
ભારતીય કાયદા અનુસાર ધરપકડ કરાયેલા દરેક વ્યક્તિને હાથકડી પહેરાવવી ફરજિયાત નથી. આરોપી ભાગી જવાની શક્યતા હોય, હિંસક સ્વભાવ ધરાવતો હોય અથવા પોલીસ અને જાહેર સુરક્ષાને જોખમ ઉભું કરી શકે તેવી પરિસ્થિતિમાં જ હાથકડી લગાવવાનો નિર્ણય લેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પણ અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે હાથકડીનો ઉપયોગ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. માત્ર આરોપીની ધરપકડ થઈ છે એટલા માટે તેને હાથકડી પહેરાવવી તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન માનવામાં આવી શકે છે.
મહિલા આરોપીઓ માટે અલગ પ્રોટોકોલ
પોલીસ સામાન્ય રીતે મહિલા આરોપીઓને હાથકડી પહેરાવવાનું ટાળે છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ મહિલાને નિયમિત રીતે હાથકડી પહેરાવી શકાતી નથી. જો મહિલા આરોપી ભાગી જવાની ગંભીર શક્યતા ધરાવતી હોય, અત્યંત હિંસક વર્તન કરતી હોય અથવા અન્ય અસાધારણ પરિસ્થિતિ સર્જાય ત્યારે જ હાથકડીનો ઉપયોગ થઈ શકે છે. આ કારણસર અનેક વખત ગંભીર ગુનામાં પણ મહિલા આરોપીઓને પોલીસ કસ્ટડી દરમિયાન હાથકડી વગર લઈ જવામાં આવે છે. કેતન અગ્રવાલ હત્યા કેસમાં સિયા ગોયલના હાથમાં હાથકડી ન હોવા પાછળ પણ આ પ્રકારની કાનૂની જોગવાઈઓ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: હત્યા પહેલાં રિહર્સલ, ગૂગલ પર સર્ચ અને પુરાવા હટાવવાનો પ્રયાસ : જાણો કેતનને મારવા માટે સિયાએ શું-શું કર્યું?
ક્યારે હાથકડી પહેરાવી શકાય?
ભારતીય ન્યાય સંહિતા (BNS)ની જોગવાઈઓ મુજબ કેટલાક ગંભીર ગુનાઓમાં પોલીસે આરોપીને હાથકડી પહેરાવવાની સત્તા ધરાવે છે. તેમાં હત્યા, આતંકવાદ, સંગઠિત ગુના, ડ્રગ્સ સંબંધિત ગુનાઓ, ગેરકાયદેસર હથિયારોનો કબજો, એસિડ હુમલો, બળાત્કાર, માનવ તસ્કરી, બાળકો સામેના યૌન ગુનાઓ તેમજ દેશવિરોધી પ્રવૃત્તિઓ જેવા ગંભીર કેસોનો સમાવેશ થાય છે. આવા કેસોમાં પણ હાથકડીનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે પોલીસને લાગે કે આરોપી ભાગી શકે છે અથવા સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.
કોર્ટની મંજૂરી ક્યારે જરૂરી બને?
કેટલાક કિસ્સાઓમાં પોલીસે આરોપીને હાથકડી પહેરાવવા માટે કોર્ટની મંજૂરી લેવી પડે છે. ખાસ કરીને 18થી 21 વર્ષની વયના આરોપીઓને કોર્ટની પરવાનગી વિના હાથકડી પહેરાવવી યોગ્ય માનવામાં આવતી નથી. પોલીસ રિમાન્ડ દરમિયાન પણ કેટલીક પરિસ્થિતિમાં લેખિત મંજૂરી લેવાની જરૂર પડી શકે છે. આ ઉપરાંત આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય તો સામાન્ય રીતે હાથકડી પહેરાવવામાં આવતી નથી. જો બેડીઓનો ઉપયોગ કરવો હોય તો તેના માટે પણ કોર્ટની મંજૂરી જરૂરી બને છે.
આ પણ વાંચો: સિયા અને ચેતનની લવ સ્ટોરીનું ક્રિકેટ કનેક્શન! : સોશિયલ મીડિયા નહીં, ક્રિકેટના મેદાનમાં થઈ હતી બંનેની ઓળખાણ
મુસાફરી દરમિયાન પણ છે ખાસ નિયમો
જ્યારે ગંભીર ગુનામાં આરોપીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે ત્યારે પોલીસ સુરક્ષાના આધારે હાથકડીનો ઉપયોગ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં ખાસ કરીને ગેંગસ્ટર અથવા અત્યંત ખતરનાક આરોપીઓને કમરના પાછળ હાથ રાખીને હાથકડી પહેરાવવામાં આવે છે. લાંબી મુસાફરી દરમિયાન હાથકડી સાથે સુરક્ષા ચેઇનનો પણ ઉપયોગ થઈ શકે છે. જો કે ખોરાક લેતી વખતે અથવા શૌચાલય જવાની જરૂર હોય ત્યારે પરિસ્થિતિને અનુરૂપ હાથકડી થોડા સમય માટે દૂર કરવાની પણ જોગવાઈ છે.
કોર્ટ વારંવાર આપી ચૂકી છે માર્ગદર્શિકા
ભારતમાં હાથકડીના ઉપયોગ અંગે અનેક વખત સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટોએ મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. અદાલતોનું સ્પષ્ટ માનવું રહ્યું છે કે કોઈપણ આરોપી સાથે અમાનવીય વર્તન ન થવું જોઈએ. હાથકડીનો ઉપયોગ માત્ર યોગ્ય કારણો અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને જ કરવો જોઈએ. કોર્ટોએ પોલીસને સૂચના આપી છે કે દરેક કેસમાં આરોપીના વર્તન, ગુનાની ગંભીરતા અને ભાગી જવાની શક્યતા જેવા મુદ્દાઓનું મૂલ્યાંકન કર્યા બાદ જ હાથકડી લગાવવાનો નિર્ણય લેવો જોઈએ.
કેસ બાદ કાયદા અંગે વધી ચર્ચા
કેતન અગ્રવાલ હત્યા કેસમાં વાયરલ થયેલા વીડિયોને કારણે દેશભરમાં હાથકડી સંબંધિત કાયદા અને પોલીસ પ્રોટોકોલ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે આરોપી પુરુષ છે કે મહિલા તેના આધારે નહીં, પરંતુ કાયદા અને પરિસ્થિતિના આધારે હાથકડી લગાડવાનો નિર્ણય લેવામાં આવે છે. આથી કોઈ આરોપીના હાથમાં હાથકડી ન હોવાનો અર્થ એ નથી કે પોલીસે કોઈ વિશેષ છૂટ આપી છે. ભારતમાં હાથકડીનો ઉપયોગ સ્પષ્ટ કાનૂની નિયમો, અદાલતી માર્ગદર્શિકા અને સુરક્ષા મૂલ્યાંકનના આધારે કરવામાં આવે છે.





