Ketan Agarwal Case : પુણેના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસમાં દરરોજ એવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે જે સાંભળીને કોઈપણ ધ્રૂજી જાય. આ મામલો માત્ર એક સામાન્ય ગુનો નથી પરંતુ પ્રેમ, વિશ્વાસઘાત અને દગાની ભયાનક પરાકાષ્ઠા છે. કેતન અગ્રવાલની હત્યા કોઈ અજાણ્યા બદમાશે નહીં, પરંતુ તેની જ ભાવી પત્ની સિયા ગોહલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ મળીને કરી હતી. આ બંનેએ પૂર્વઆયોજિત પ્લાનિંગ મુજબ કેતનને લોહાગઢ કિલ્લા પરથી નીચે ધક્કો મારી દીધો હતો. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં હત્યાના 1 મહિના પહેલા સિયા તેના મંગેતર કેતનને સંપૂર્ણ અંધારામાં રાખીને 886 કિલોમીટર દૂર ઉદયપુર ગઈ હોવાનું સામે આવ્યું છે.
ઉદયપુર પ્રવાસ પાછળનું રહસ્ય
મે 2026માં સિયા ઉદયપુરના પ્રવાસે પહોંચી હતી, જ્યાં તેનો પ્રેમી ચેતન પણ પહેલેથી જ હાજર હતો. આ એ જ ખાસ જગ્યા છે જ્યાં નવેમ્બર 2026માં કેતન અને સિયાના લગ્ન થવાના હતા. જે સ્થળે સિયા પોતાના ભાવી જીવનસાથી સાથે સાત ફેરા લેવાના સપના જોઈ રહી હોવાનો ઢોંગ કરતી હતી, ત્યાં તે લગ્નના થોડા સમય પહેલા જ પોતાના પ્રેમી ચેતન સાથે ગુપ્ત રીતે સમય વિતાવી રહી હતી. સિયાની આ ઉદયપુર મુલાકાતની અમુક ખાસ તસવીરો પણ હવે સોશિયલ મીડિયા અને પોલીસ તપાસમાં સામે આવી છે, જે બંને વચ્ચેના અનૈતિક સંબંધોની સાક્ષી પૂરે છે.
આ પણ ખાસ વાંચો : સગાઈ થયેલા યુવકની હત્યા કેસમાં મોટો વળાંક : સિયા ગોયલ અને ચેતનને ૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા
માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
જ્યારે પોલીસ અને મીડિયા દ્વારા સિયાની માતાને આ ઉદયપુર પ્રવાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક મોટો ખુલાસો કર્યો હતો. માતાના જણાવ્યા પ્રમાણે, સિયાના એક નજીકના મિત્રના ઉદયપુર ખાતે લગ્ન નક્કી થયા હતા અને સિયા આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ત્યાં ગઈ હતી. સિયાએ પોતાની માતાને જણાવ્યું હતું કે ચેતન પણ ત્યાં લગ્નમાં આવ્યો હોવાથી બંને અચાનક મળ્યા હતા અને તેઓ સાથે ઉદયપુર ગયા ન હતા. આટલું જ નહીં, સિયાએ ખૂબ જ ચતુરાઈથી કેતનને ચેતન વિશે પહેલા જ જણાવી દીધું હતું કે ચેતન માત્ર તેનો એક સામાન્ય મિત્ર છે, જેથી કેતનને ક્યારેય તેમની મિત્રતા પર કોઈ શંકા ન જાય.
જોધપુરની હોટલનું કનેક્શન
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે સિયા અને ચેતનનો આ કોઈ પહેલો ગુપ્ત પ્રવાસ ન હતો. આ પહેલા ડિસેમ્બર 2025માં ચેતન સિયાને જોધપુર પણ લઈ ગયો હતો. જોધપુરમાં બંનેએ એક લક્ઝુરિયસ 5 સ્ટાર હોટલમાં 2 દિવસ સાથે પસાર કર્યા હતા અને રોમેન્ટિક પળો માણી હતી. અહીં બંનેએ જોધપુરના અનેક પ્રખ્યાત પર્યટન સ્થળોની મુલાકાત લીધી હતી. આ જોધપુર પ્રવાસના 5 મહિના પછી એટલે કે મે 2026માં તેઓ ફરીથી ઉદયપુર ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચેતન મૂળ જોધપુર જિલ્લાના બિલારા વિસ્તારના પલસાણી ગામનો રહેવાસી છે, જેના કારણે તે રાજસ્થાનના આ વિસ્તારોથી સારી રીતે વાકેફ હતો.
આ પણ ખાસ વાંચો : કોણ છે સિયાના અસલી વકીલ? : કેતન અગ્રવાલ હત્યા કેસમાં સિયા ગોયલનો કેસ લડવા કોર્ટમાં પહોંચ્યા બે વકીલ, જાણો પછી શું થયું?
પોલીસની ઊંડી તપાસ
લોહાગઢ કિલ્લા પરથી કેતનને ધક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોલીસ સતત સિયા અને ચેતનની કડીઓ જોડી રહી છે. પોલીસે બંનેના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને તેમની વચ્ચે થયેલી ગુપ્ત વાતચીતના વોટ્સએપ ચેટ્સ પણ રિકવર કર્યા છે. આ ઉપરાંત મે 2026 અને ડિસેમ્બર 2025 દરમિયાનના બંનેના મોબાઈલ લોકેશન હિસ્ટ્રી અને હોટલના બુકિંગ રેકોર્ડ્સની પણ ઊંડી તપાસ આદરી છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે ઉદયપુર અને જોધપુરના પ્રવાસ દરમિયાન જ કેતનને રસ્તામાંથી કાયમ માટે હટાવવાનું આ ભયાનક ષડયંત્ર રચવામાં આવ્યું હતું.





