Gandginagar News: ગુજરાત વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ વિભાગના વર્ષ ૨૦૨૬-૨૭ માટેની અંદાજપત્રીય માગણીઓ વિશે અને આગામી આયોજન વિશે વાત કરતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાત વન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં મજબૂત અને મોખરે છે. આ અંગેની આંકડાકીય વિગતો આપતાં તેમણે જણાવ્યું કે રાજ્યનો કુલ વન વિસ્તાર ૨૧,૮૭૬.૪૫ ચો.કિમી છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૧.૧૪ ટકા જેટલો થાય છે. વન વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત દેશમાં ૧૧મો ક્રમ ધરાવે છે. ખાસ કરીને, વન વિસ્તાર બહાર વૃક્ષોની સંખ્યામાં વર્ષ ૨૦૧૩ની સરખામણીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં ૪૭.૧૮ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. ફોરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયાના વર્ષ ૨૦૨૩ના અહેવાલ મુજબ ગુજરાતમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તાર - ૬૬૩૨.૨૯ ચો.કિમી છે.
સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘Lion @2047’ A Vision for Amrutkal’ વિશે વાત કરતાં વનમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ માટે રૂ. ૨૯૨૭.૯૭ કરોડનો સંકલિત પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. જેસર અને પાલિતાણા વિસ્તારમાં સિંહ અને દીપડા વસવાટ કરે છે ત્યારે મંત્રીશ્રીએ વન વિભાગની વિશેષ કામગીરીનો ઉલ્લેખ કરતાં ગૃહમાં કહ્યું હતું કે વિશ્વ પ્રસિદ્ધ જૈન તીર્થ, પાલિતાણા ખાતે શૈત્રુંજય પર્વતની યાત્રા સલામત રીતે પૂર્ણ કરવામાં સહયોગ બદલ વનવિભાગના કર્મયોગીઓનો જૈન અગ્રણીઓ- યાત્રીઓએ વિશેષ આભાર માન્યો હતો.
તેમણે ઉમેર્યું કે મે-૨૦૨૫ દરમિયાન ૧૧ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલ ૧૬મી સિંહ વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને ૮૯૧ નોંધાઈ છે, જે વન્યજીવ સંરક્ષણની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ વસ્તીમાં ૧૯૬ નર, ૩૩૦ માદા, ૧૪૦ પાઠડા અને ૨૨૫ બચ્ચાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ ગણતરી દરમિયાન ૩૫,૦૦૦ ચો.કિમી વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો, જે વર્ષ-૨૦૨૦ના ૩૦,૦૦૦ ચો.કિમી વિસ્તાર કરતાં ઘણો વધારે છે.
રાજ્યમાં વાઘના પુનઃસ્થાપન અંગે માહિતી આપતા જણાવ્યું કે ડાંગમાં પૂર્ણા વન્યજીવન અભયારણ્ય ૨૫ વર્ષ પહેલાં વાઘનું ઘર હતું. ત્યાર બાદ ગત તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં પીપરગોટા ખાતે વાઘની હાજરી નોંધાઈ છે. પરિણામે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે 'ટાઈગર સ્ટેટ' તરીકે માન્યતા આપવામાં આવી છે. વાઘના રહેઠાણ અને ખોરાકની સુરક્ષા (Prey Base) માટે વિભાગ દ્વારા રતનમહાલ અભયારણ્યમાં ૨૨ ચિત્તલ અને ૧૪ સાંભર જેવાં પ્રાણીઓને તબક્કાવાર મુક્ત કરવામાં આવ્યાં છે.
છેલ્લા સરવે મુજબ કચ્છના બન્નીનો વન વિસ્તાર ૨૪૯૭ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલો છે. જે એશિયાના મોટામાં મોટા ઘાસનાં મેદાનો છે. અહીં ચિત્તાના પુનઃસ્થાપન માટે ભારત સરકારની મંજૂરી સાથે 'ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર' સ્થાપવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં રૂ. ૧૪.૭૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ, જાન્યુઆરી-૨૦૨૬માં કચ્છના ‘છારી-ઢંઢ’ કન્ઝર્વેશન રિઝર્વને ગુજરાતની પાંચમી રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવતાં ગુજરાત દેશમાં ૨૩ ટકા સાથે સૌથી વધુ વેટલેન્ડ વિસ્તાર ધરાવતું રાજ્ય બન્યું છે. રાજ્યમાં કુલ આશરે ૧૭,૦૦૦થી વધુ વેટલેન્ડ નોંધાયેલા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે ઉદ્યોગોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે સુરત અને અમદાવાદમાં અમલી 'એમિશન ટ્રેડિંગ સ્કીમ' (ETS) પણ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. વન મંત્રીએ ગૌરવભેર કહ્યું કે વન-જંગલની જમીન પર પ્રવેશ કરવો હોય, તો કલેક્ટરે પણ વન વિભાગના અધિકારીઓની મંજૂરી લેવી પડે-આ આપણી વન સંરક્ષણની સંસ્કૃતિ છે, આ અધિકારો આપણી રાજ્ય સરકારે આપ્યા છે. આ સિવાય, વન અને પર્યાવરણ મંત્રી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં વન વિભાગ માટે કરવામાં આવેલી નવી દરખાસ્તો અને આંકડાકીય વિગતો નીચે મુજબ છે..
• વન કવચ આયોજન: વર્ષ ૨૦૨૩-૨૪થી અત્યાર સુધી કુલ ૭૦૦ હેકટર વિસ્તારમાં કુલ ૪૮૯ વનકવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તરોત્તર વધારો કરીને વર્ષ ૨૦૨૬-૨૭માં ૪૩૦ હેક્ટરમાં વનકવચનું નિર્માણ કરવાનું આયોજન
• બન્ની ઘાસ સુધારણા: આગામી વર્ષે ચિત્તા સાઈટના હેબિટાટ સુધારણા માટે ૫૦૦૦ હેક્ટરમાં ઘાસ વાવેતર કરાશે.
• ૧૦ નવાં ઘાસ ગોડાઉન, ગ્રાસલેન્ડ રિસ્ટોરેશન અને ગાંડા બાવળ દૂર કરવા માટે રૂ. ૯૬.૭૩ કરોડની જોગવાઈ
• નવી રામસર સાઈટ માટે દરખાસ્ત: પોરબંદરના મોકર સાગર અને કચ્છના ફ્લેમિંગો સિટીને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની રામસર સાઈટ તરીકે જાહેર કરવા કેન્દ્ર સરકારને દરખાસ્ત રજૂ કરાઈ છે
• પ્રદૂષણ નિયંત્રણ ભરતી: ઉદ્યોગોના સઘન મોનિટરિંગ માટે છેલ્લાં બે વર્ષમાં ૪૩૦ નવી ટેકનિકલ પોસ્ટને મંજૂરી આપી ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે
• વન્યજીવ રક્ષણ: સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવવા માટે ટ્રેકર્સ, હાઇટેક મોનીટરીંગ યુનિટ અને અદ્યતન લાયન એમ્બ્યુલન્સની સુવિધા કાર્યરત છે
• મિષ્ટી કાર્યક્રમ: કેન્દ્ર સરકારની મિષ્ટી યોજના અંતર્ગત રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં મેન્ગ્રૂવના વાવેતરમાં ઉત્તરોત્તર વધારો કરીને કુલ ૪૧૯૯૮ હેક્ટર વાવેતર સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.
• કચેરી અને રહેઠાણ: જિલ્લા/તાલુકા સ્તરે વન વિભાગની કચેરીઓ અને કર્મચારીઓના રહેઠાણ માટે રૂ. ૧૪૬.૯૨ કરોડ
• રહેઠાણ અને સુવિધા: આહવા-પોરબંદરમાં ટ્રાન્ઝીટ હોસ્ટેલ (રૂ. ૪.૫૦ કરોડ), પોરબંદર-ભૂજમાં વિશ્રામ ગૃહો (રૂ. ૪.૪૦ કરોડ) અને અંબાજીમાં લોગહટ (રૂ. ૩ કરોડ)નું નિર્માણ
• શહેરી વનીકરણ (મિયાંવાકી): ગાંધીનગર અને અમદાવાદમાં ૧૬૭ હેક્ટરમાં 'વન કવચ' મોડેલ વિકસાવવા રૂ. ૨૫ કરોડ
• નદી અને પર્વત સંરક્ષણ: નદીઓના કાંઠે વનીકરણ માટે રૂ. ૨૦ કરોડ અને અરવલ્લીની ગિરિમાળામાં 'ગ્રીન વોલ' બનાવવા રૂ. ૧૨ કરોડ
• કૃષિ-વનીકરણ: ખેડૂતોની આવક વધારવા અને હેરીટેજ વૃક્ષોના રક્ષણ માટે રૂ. ૨૬.૪૦ કરોડ
• એશિયાનું પ્રથમ ડેઝર્ટ ઝૂ: ડીસા ખાતે ડેઝર્ટ થીમ આધારિત પ્રાણી સંગ્રહાલય માટે રૂ. ૩૦ કરોડ.
• બ્રીડિંગ સેન્ટર: તૃણભક્ષી પ્રાણીઓ માટે રાજ્યમાં ૫ નવા બ્રીડીંગ સેન્ટર બનાવવા રૂ. ૧૦ કરોડ.
• દરિયાઈ પર્યટન: કચ્છ અને સૌરાષ્ટ્રમાં મરીન ટૂરિઝમના વિકાસ માટે રૂ. ૨૦ કરોડ.
• શિક્ષણ અને સંશોધન: ૫ નવાં વનચેતના કેન્દ્રો અને શાળાઓમાં જાગૃતિ માટે રૂ. ૧૦.૫૦ કરોડ. આહવામાં વન વિજ્ઞાન કેન્દ્ર અને ધરમપુરમાં સર્પ સંશોધન સંસ્થા(SRI) માટે રૂ. ૬.૬૧ કરોડ
આમ, વન અને પર્યાવરણ વિભાગની વર્ષ ૨૦૨૬-૨૭ની કુલ રૂ.૨૮૨૩.૨૧ કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.




















