Vadodara Zoo White Tiger Birth: વડોદરાના પ્રખ્યાત સયાજીબાગ (કમાટીબાગ) પ્રાણી સંગ્રહાલયમાંથી વડોદરાવાસીઓ માટે ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ઝૂમાં રહેલી સફેદ વાઘણ 'રાધા'એ એક બાળ વાઘને જન્મ આપ્યો છે. મહત્વની વાત એ છે કે, કમાટીબાગમાં બિલાડી કુળની પ્રજાતિ (વાઘ, સિંહ, દીપડા) માં વર્ષ 2008 પછી આ પ્રથમ જન્મ છે. છેલ્લે વર્ષ 2008માં 'ધરતી' નામની વાઘણનો જન્મ થયો હતો, ત્યારબાદ લાંબા સમય સુધી આ પ્રજાતિમાં કોઈ બચ્ચાનો જન્મ થયો નહોતો. હવે 18 વર્ષના લાંબા અંતરાલ બાદ નવા મહેમાનના આગમનથી વન્યજીવ પ્રેમીઓમાં અને ઝૂ સત્તાધીશોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે.
આ ઘટના માત્ર 18 વર્ષ જ નહીં, પરંતુ સફેદ વાઘના સંદર્ભમાં જોવામાં આવે તો લગભગ 40 વર્ષ બાદ વડોદરાના આ ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘનો જન્મ થયો છે. ઉનાળાની રજાઓ પૂર્વે જ આ બાળ વાઘનું આગમન પ્રવાસીઓ માટે નવું નજરાણું અને આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલમાં નવજાત બાળ વાઘ અને માતા રાધા બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
40 વર્ષના લાંબા ઈંતજાર બાદ સફેદ વાઘનો જન્મ
વડોદરાના ઝૂમાં છેલ્લે દાયકાઓ પહેલા સફેદ વાઘના બચ્ચાનો જન્મ થયો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી ઝૂમાં સફેદ વાઘની જોડી જ નહોતી. ડિસેમ્બર 2025 માં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સફેદ વાઘની નવી જોડી લાવવામાં આવી હતી. આ જોડીના આગમનના ગણતરીના મહિનાઓમાં જ સફળ બ્રીડિંગ થતા સફેદ વાઘના બચ્ચાનો જન્મ થયો છે, જે ઝૂ મેનેજમેન્ટની મોટી સફળતા માનવામાં આવે છે.
આ પણ વાંચો: AAPના ગઢમાં મોટું ગાબડું : શીતલ ઉપાધ્યાય અને વિઠ્ઠલ આયરે સહિત 40 દિગ્ગજોએ કેસરીયો ધારણ કર્યો
ચેપથી બચાવવા માટે બચ્ચાને ક્વોરોન્ટાઇન કરાયું
નવજાત બાળ વાઘ અત્યંત નાજુક હોવાથી અને અન્ય પ્રાણીઓ કે માનવીય હસ્તક્ષેપને કારણે કોઈ સંક્રમણ (Infection) ન લાગે તે માટે તેને અત્યારે ખાસ ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યું છે. નિષ્ણાત વેટરનરી ડોક્ટરોની ટીમ 24 કલાક માતા અને બચ્ચાના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરી રહી છે. અમુક ચોક્કસ સમયગાળો પૂર્ણ થયા બાદ અને બચ્ચું જ્યારે બહારના વાતાવરણમાં સેટ થઈ જશે ત્યારે તેને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે.
પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનશે સફેદ બાળ વાઘ
વડોદરાનું કમાટીબાગ ઝૂ મધ્ય ગુજરાતના પ્રવાસીઓ માટે હંમેશા મનપસંદ સ્થળ રહ્યું છે. તેમાં પણ સફેદ વાઘ હંમેશા લોકોની પહેલી પસંદ હોય છે. હવે જ્યારે 40 વર્ષ બાદ અહીં સફેદ વાઘનો જન્મ થયો છે, ત્યારે આગામી સમયમાં ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ વધારો થવાની શક્યતા છે. બાળકો માટે આ સફેદ બાળ વાઘ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.
કમાટીબાગ ઝૂનો ટૂંકો ઈતિહાસ અને મહત્વ
વડોદરાનું સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય એશિયાના જૂના અને સમૃદ્ધ સંગ્રહાલયોમાંનું એક છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત આ ઝૂમાં બિલાડી પ્રજાતિના પ્રાણીઓ માટે ખાસ પ્રકારના કુદરતી નિવાસસ્થાનો બનાવવામાં આવ્યા છે. વર્ષ 2008માં વાઘણ 'ધરતી'ના જન્મ બાદ આ વિસ્તારમાં કોઈ નવો જન્મ ન થતા ચિંતા સેવાતી હતી, પરંતુ રાધાના આ સફળ લેખે વડોદરાના ગૌરવમાં વધારો કર્યો છે.





