ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યા બાદ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીઓ માત્ર કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત જ નહોતા, પરંતુ ગુજરાતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે પણ તૈયાર થઈ રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ હથિયારોની તાલીમથી લઈને વિસ્ફોટકો અને ઝેરી ગેસના પ્રયોગો સુધીની તૈયારીઓ કરી હતી.
ATSના જણાવ્યા મુજબ, અત્યાર સુધી પકડાયેલા પાંચ મુખ્ય આરોપીઓ ઉપરાંત કુલ 13 જેટલા લોકો આ નેટવર્કના સંપર્કમાં આવ્યા હતા અને તેઓ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત બન્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ સમગ્ર નેટવર્કની ભૂમિકા અને તેના અન્ય સંપર્કોની તપાસ ચાલી રહી છે.
કાશ્મીરમાં આઠ મહિના સુધી હથિયારોની તાલીમ લીધી
તપાસ મુજબ મુખ્ય આરોપી અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહીમ કાશ્મીર ગયા હતા, જ્યાં તેમણે એક ગુપ્ત સ્થળે આશરે આઠ મહિના સુધી AK-47 રાઇફલ અને પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હતી. તપાસમાં પાકિસ્તાન સ્થિત હેન્ડલર 'અબ્દુલ્લા', આફરીન કુરેશી અને એક અજાણ્યા કાશ્મીરી શખ્સની સંડોવણી પણ સામે આવી હોવાનું ATSએ જણાવ્યું છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર તરફથી આરોપીઓને આશરે ₹3 લાખની આર્થિક મદદ પણ કરવામાં આવી હતી. આ રકમમાંથી આરોપીઓએ કાર અને બાઈક ખરીદ્યા હતા, જેથી તેમની અવરજવર અને નેટવર્કનું સંચાલન સરળ બની શકે. તપાસ દરમિયાન વડોદરામાં કાશ્મીરી વ્યક્તિ સાથે તેમની ગુપ્ત બેઠકો યોજાઈ હોવાની વિગતો પણ સામે આવી છે. ATSના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ મહિનાથી આ નેટવર્ક ગુજરાતમાં સક્રિય થવાના પ્રયાસમાં હતું.
આ પણ વાંચો: જુનાગઢના માણાવદર શાકમાર્કેટમાં બે આખલાઓ વચ્ચે જંગ : દુકાનમાં ઘૂસતા મચી અફરાતફરી, જુઓ Video
સિદ્ધપુરમાં ટાઈમ બોમ્બના ટેસ્ટ બ્લાસ્ટ કર્યાનો આરોપ
ATSની તપાસમાં સૌથી ગંભીર ખુલાસો એ થયો છે કે આરોપીઓએ માત્ર હથિયારોની તાલીમ જ નહીં પરંતુ વિસ્ફોટકો બનાવવાની પણ પ્રેક્ટિસ કરી હતી. તપાસ મુજબ, આતંકી આમીન શેરા અને મોહમ્મદ અયુબની હાજરીમાં કુલ આઠ ટાઈમર બોમ્બ તૈયાર કરવામાં આવ્યા હતા.
તપાસ એજન્સીના દાવા મુજબ, આ બોમ્બના ટેસ્ટ બ્લાસ્ટ પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક ખડિયાસળ વિસ્તારમાં નદીના પટમાં તેમજ ચાટાવાડા ગામ અને ટેબાવાડા ગામ નજીક આવેલા મહાકાળી માતાના મંદિર આસપાસ કરવામાં આવ્યા હતા. બોમ્બ બનાવવા માટે જરૂરી કાચો માલ સિદ્ધપુરની સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવ્યો હોવાનો પણ ATSનો દાવો છે. હાલ સંબંધિત સ્થળો અને દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોતની પુષ્ટિ : 9 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત
ઝેરી ગેસ બનાવવાની તાલીમ પણ અપાઈ હોવાનો દાવો
તપાસ દરમિયાન વધુ એક ગંભીર બાબત સામે આવી છે. ATSના જણાવ્યા અનુસાર આરોપીઓએ કાર્બન મોનોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા ઝેરી ગેસ તૈયાર કરવાની પ્રાથમિક તાલીમ પણ મેળવી હતી. તપાસ એજન્સીનો દાવો છે કે આ પ્રકારની માહિતી અન્ય કેટલાક યુવાનો સુધી પણ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ દાવાઓની તપાસ હજુ ચાલુ છે અને એજન્સીઓ ટેક્નિકલ તેમજ ફોરેન્સિક પુરાવાઓના આધારે તેની વધુ ચકાસણી કરી રહી છે.
રેડ દરમિયાન શંકાસ્પદ સામગ્રી જપ્ત
ATS દ્વારા વિવિધ સ્થળોએ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. તેમાં પીળો અને કાળો શંકાસ્પદ પાવડર, સોડિયમ ફોસ્ફેટ ડાઈબેસિક કેમિકલ, વાયર, સેલ અને વિસ્ફોટક બનાવવામાં ઉપયોગી સામગ્રીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, જૈશ-એ-મોહમ્મદનો ધ્વજ, જેહાદી સાહિત્ય, મસૂદ અઝહર સંબંધિત પુસ્તકો, ડાયરી, નોટબુક, અંદાજે ₹1.30 લાખની રોકડ રકમ, મોબાઇલ ફોન સહિતના ડિજિટલ પુરાવા અને એક આરોપી પાસેથી બીજા આરોપીને ટ્રાન્સફર કરાયેલ 12 બોરનું કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યું હોવાનું ATSએ જણાવ્યું છે.
આ પણ વાંચો: ફરી આવી ગઈ છે અંબાલાલ કાકાની મોટી આગાહી : ગુજરાત તરફ આવી રહ્યું છે ભારે વરસાદનું 'વાહન', અનેક જિલ્લાઓમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા
મોબાઇલ ડેટા અને નેટવર્કની સઘન તપાસ ચાલુ
હાલ ATS તમામ આરોપીઓના મોબાઇલ ફોન, કોલ ડિટેલ રેકોર્ડ (CDR), સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓની વિગતવાર તપાસ કરી રહી છે. તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે ગુજરાતમાં આ નેટવર્ક સાથે અન્ય કોણ-કોણ જોડાયેલા હતા, કોને કટ્ટરપંથી વિચારધારા તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા અને દેશ-વિદેશમાં અન્ય કોઈ સંપર્કો હતા કે નહીં.
તપાસ એજન્સીઓનું કહેવું છે કે સમગ્ર કેસની તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તપાસ આગળ વધતાં વધુ મહત્વપૂર્ણ વિગતો સામે આવી શકે છે. આરોપીઓ સામેના તમામ આક્ષેપો હાલમાં ATSની તપાસ અને કોર્ટની કાર્યવાહી હેઠળ છે.






