જુનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના વ્યસ્ત શાકમાર્કેટ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે અચાનક જોરદાર યુદ્ધ શરૂ થતાં ભરબજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જીવ બચાવવા વેપારીઓ, ગ્રાહકો અને રાહદારીઓએ દોડધામ મચાવી હતી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં રખડતા ઢોરના પ્રશ્ને ફરી ચર્ચા શરૂ થઈ છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બે આખલાઓ વચ્ચે લડાઈ શરૂ થતાં તેઓ એકબીજાને ધક્કા મારતા-મારતા સીધા બજારની દુકાનો તરફ દોડી ગયા હતા. આ દરમિયાન બંને આખલાઓ નશીબ ફ્રૂટ સેન્ટર નામની દુકાનમાં ઘૂસી ગયા હતા, જેના કારણે દુકાનમાં રાખેલો માલસામાન પણ વેરવિખેર થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક લોકો માંડ-માંડ બચ્યા હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો : અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી : મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની ધરપકડ
વેપારીઓમાં ભયનો માહોલ
અચાનક આખલાઓ દુકાનમાં ઘૂસી આવતાં વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. અનેક લોકોએ દુકાનો બંધ કરીને બહાર દોડ મૂકી હતી, જ્યારે કેટલાક લોકોએ નજીકની દુકાનો અને મકાનોમાં આશરો લીધો હતો. બજારમાં થોડા સમય માટે સંપૂર્ણ ગભરાટનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે માણાવદરમાં રખડતા ઢોરની સમસ્યા નવી નથી. મુખ્ય બજારો અને જાહેર માર્ગો પર આખલાઓ અને ગાયોના ટોળાં સતત જોવા મળે છે, જેના કારણે અકસ્માત અને જાનહાનિનું જોખમ વધતું જાય છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી હોવાનો દાવો વેપારીઓએ કર્યો હતો.
રખડતા ઢોરના મુદ્દે લોકોમાં આક્રોશ
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વેપારીઓ અને રહેવાસીઓએ જણાવ્યું કે અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. બજાર જેવા ગીચ વિસ્તારોમાં આખલાઓના આતંકને કારણે વેપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે.
લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે શહેરમાં રખડતા આખલાઓ અને અન્ય ઢોરને તાત્કાલિક પકડીને પાંજરાપોળમાં મોકલવાની અસરકારક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ બજાર અને જાહેર માર્ગો પર નિયમિત અભિયાન ચલાવી લોકોને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ પણ વાંચો: તુલસીશ્યામમાં કોહવાયેલી હાલતમાં 15 વર્ષીય સિંહનો મળ્યો મૃતદેહ : વનવિભાગે પોસ્ટ માર્ટમ કરી જણાવ્યું કારણ
તંત્રની કામગીરી પર સૌની નજર
સ્થાનિકોના મતે, માત્ર એકાદ વખત ઢોર પકડવાની કાર્યવાહીથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. શહેરમાં રખડતા ઢોરની સંખ્યા ઘટાડવા માટે સતત અભિયાન અને અસરકારક દેખરેખ જરૂરી છે. ખાસ કરીને શાળા, હોસ્પિટલ અને મુખ્ય બજાર જેવા ગીચ વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.
માણાવદર શાકમાર્કેટમાં બનેલી આ ઘટના બાદ હવે તંત્ર રખડતા ઢોરના પ્રશ્ને શું પગલાં ભરે છે તેના પર સ્થાનિક વેપારીઓ અને નાગરિકોની નજર મંડાઈ છે.






