Rajkot News: રાજકોટ ગ્રામ્ય પોલીસે પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ડબલ મર્ડરના વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે વૈજ્ઞાનિક અને ટેક્નિકલ તપાસનો સહારો લેતા આખા કેસની કડીઓ જોડવામાં સફળતા મેળવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં પ્રેમસંબંધ અને અંગત અદાવત હત્યા પાછળનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં અત્યંત સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘટનાસ્થળની આસપાસ એક-એક ફૂટ જમીનનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આશરે 10 કિલોમીટર સુધીના ખેતરો, રહેણાંક વિસ્તારો અને સંભવિત અવરજવરનાં માર્ગો પર પણ તપાસ ચલાવવામાં આવી હતી. ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને ટેક્નિકલ માહિતીના આધારે પોલીસે તપાસને આગળ વધારી હતી.
ટેક્નિકલ સર્વેલન્સથી આરોપી સુધી પહોંચી પોલીસ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ, માનવબાતમી અને અન્ય પુરાવાઓના આધારે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નજીકના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા સુરેશ બારીયાની સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં કેસ અંગે મહત્વની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સુરેશ બારિયા મૃતક દુર્ગા સાથે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી પ્રેમસંબંધમાં હતો. જોકે દોઢ મહિના પહેલાં દુર્ગાના અન્ય વ્યક્તિ સાથે લગ્ન થતાં બંને વચ્ચેનો સંબંધ તૂટી ગયો હતો. આ ઘટનાથી આરોપી માનસિક રીતે નારાજ હતો અને મૃતકને તેના પતિ સાથે જોઈ તેણે હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં પ્રેમસંબંધ બન્યો હત્યાનું કારણ
તપાસ દરમિયાન સામે આવેલી માહિતી મુજબ, આરોપીએ મૃતક દુર્ગા અને તેના પતિ પર જીવલેણ હુમલો કરીને બંનેની હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. જોકે સમગ્ર ઘટનાક્રમ, હત્યામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો, ઘટનાનો ચોક્કસ સમય અને અન્ય સંભવિત પાસાઓ અંગે હજુ તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સાથે જ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં, તેમજ હત્યા અગાઉની સમગ્ર હિલચાલ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પશ્ચિમ કચ્છમાં ગેરકાયદે ખનીજ પરિવહન સામે LCBનો સપાટો : 3 ટ્રક ડિટેઇન; ખનિજ માફિયામાં મચ્યો ખળભળાટ
તપાસ હજુ યથાવત
રાજકોટ ગ્રામ્ય પોલીસનું કહેવું છે કે હાલ કેસમાં વધુ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે. ફોરેન્સિક રિપોર્ટ, ટેક્નિકલ ડેટા અને આરોપીની પૂછપરછના આધારે સમગ્ર ઘટનાક્રમને વધુ સ્પષ્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસનું માનવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ આ ડબલ મર્ડર કેસના તમામ પાસાઓ સ્પષ્ટ થઈ શકશે.





