Ahmedabad Blast News: અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં તપાસને વધુ અસરકારક બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. આ SIT સમગ્ર ઘટનાની દરેક દિશામાં તપાસ કરશે. ટીમનું સુપરવિઝન સેક્ટર-2ના જૉઇન્ટ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠૌર કરશે. SITમાં DCP ઝોન-8 મયુર પાટીલ, ACP એસ ડિવિઝન યુવરાજસિંહ ગોહિલ અને PI રામોલ વી.ડી. મોરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ફોરેન્સિક પુરાવા, ટેક્નિકલ માહિતી, કાયદાકીય મંજૂરીઓ અને સમગ્ર ઘટનાક્રમની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
ACP યુવરાજસિંહ ગોહિલે આપી તપાસ અંગેની માહિતી
ACP યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું કે ઘટનાસ્થળે ગેરકાયદેસર બાંધકામ સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે સ્થળ પરથી જરૂરી નમૂનાઓ એકત્ર કરીને વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી છે. ઉપરાંત જમીન કોના નામે હતી, ફેક્ટરી ચલાવવા માટે જરૂરી મંજૂરીઓ લેવામાં આવી હતી કે નહીં અને વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ નિયમો મુજબ કરવામાં આવ્યો હતો કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર તપાસમાં DCP, ACP સહિતના વરિષ્ઠ અધિકારીઓ સીધી દેખરેખ રાખી રહ્યા છે. FSL રિપોર્ટ, દસ્તાવેજી પુરાવા અને ટેક્નિકલ તપાસના આધારે જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા નક્કી કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની થઈ ચૂકી છે ધરપકડ
આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની અગાઉ સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ સમયે મેહુલ ડોડિયા ફેક્ટરીમાં જ હાજર હતો અને તેને પણ ઈજા પહોંચી હતી. જોકે, ઈજા બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેણે પોતાના એક પરિચિતને ફોન કરીને બ્લાસ્ટ થયેલી ફેક્ટરી પર જવા જણાવ્યું હતું, જે કોલ ડિટેલ્સ સહિતના પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગેરકાયદેસર રીતે ફરી શરૂ થયું હતું ફટાકડાનું ઉત્પાદન
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે 4 માર્ચે પોલીસ દ્વારા ફેક્ટરીમાં ચાલતું ફટાકડાનું યુનિટ બંધ કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં, છેલ્લા અંદાજે 25 દિવસથી ફરી ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ ગ્રાહકોના ઓર્ડર પ્રમાણે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા અને બ્લાસ્ટ સમયે પણ ઉત્પાદન ચાલુ હતું.
9 લોકોના મોત બાદ તપાસ વધુ ગંભીર બની
રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં કુલ 9 લોકોના મોત થયા હતા, જેમાં મહિલાઓ, કિશોરીઓ અને એક 6 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ સમગ્ર શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડાના કારખાનાઓ અને ગોડાઉનો સામે તપાસ અને કાર્યવાહી તેજ કરવામાં આવી છે. હવે SITની રચના બાદ સમગ્ર કેસની વૈજ્ઞાનિક, ટેક્નિકલ અને કાયદાકીય તમામ પાસાઓથી તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
SIT તમામ તકનીકી અને દસ્તાવેજી પુરાવાની કરશે તપાસ
SIT દ્વારા હવે ફોરેન્સિક રિપોર્ટ, CCTV ફૂટેજ, કોલ ડિટેલ રેકોર્ડ (CDR), મોબાઇલ ડેટા તેમજ ફેક્ટરી સંબંધિત લાયસન્સ અને મંજૂરીના દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સાથે જ વિસ્ફોટક સામગ્રી ક્યાંથી ખરીદવામાં આવી, તેનો સંગ્રહ કઈ પરિસ્થિતિમાં કરવામાં આવ્યો અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની સંડોવણી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવશે.
આ પણ વાંચો: મનપાની કાર્યવાહી દરમિયાન ડોક્ટર આવ્યા આક્રોશમાં : કર્મચારીઓને અપશબ્દો કહ્યાં
જવાબદારો સામે કડક કાર્યવાહીનો સંકેત
પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન જે પણ વ્યક્તિની બેદરકારી, ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા નિયમોના ભંગની ભૂમિકા સામે આવશે તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. SITની તપાસ પૂર્ણ થયા બાદ ફોરેન્સિક પુરાવા, ટેક્નિકલ વિશ્લેષણ અને દસ્તાવેજી તપાસના આધારે કેસમાં વધુ કલમો ઉમેરવા સહિતની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.






