Bhavnagar News: ભાવનગર જિલ્લામાં આ વર્ષે રીંગણાનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. બજારમાં એક કિલો રીંગણાના માત્ર ત્રણથી પાંચ રૂપિયા જેટલા ભાવ મળતા હોવાથી ખેડૂતો માટે પાકનું વેચાણ કરવું પણ નુકસાનકારક બની ગયું છે. ઉત્પાદન ખર્ચ, મજૂરી અને પરિવહન ખર્ચ પણ વસૂલ ન થતાં અનેક ખેડૂતો ખેતરમાં જ રીંગણા ફેંકીને તેનો નાશ કરવા મજબૂર બન્યા છે. ભારે મહેનત બાદ પણ પાકનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં સરકાર સામે નિરાશા અને રોષ બંને જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સારા ઉત્પાદનની આશા સાથે તેમણે મોટા પ્રમાણમાં રીંગણાનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં બજારમાં સારા ભાવ મળતા હોવાથી આર્થિક લાભની આશા જાગી હતી, પરંતુ જેમ જેમ ઉત્પાદન વધ્યું તેમ બજારમાં આવક વધી અને ભાવ સતત ઘટતા ગયા. હાલની સ્થિતિ એવી છે કે પાક વેચવા જતાં પણ ખર્ચ નીકળતો નથી.
બમ્પર ઉત્પાદન છતાં ખેડૂતોને નુકસાન
ભાવનગર જિલ્લામાં આ વર્ષે અનુકૂળ હવામાન અને યોગ્ય સિંચાઈના કારણે રીંગણાનું ઉત્પાદન સારું થયું છે. સામાન્ય રીતે સારા ઉત્પાદનનો અર્થ ખેડૂતો માટે સારો નફો હોય છે, પરંતુ આ વખતે તેની વિપરીત સ્થિતિ સર્જાઈ છે. બજારમાં પુરવઠો વધી જતાં માંગની સરખામણીએ ભાવ તૂટી ગયા છે. હાલ ખેડૂતોને માત્ર ત્રણથી પાંચ રૂપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યો છે. આટલા ઓછા ભાવમાં પાક બજારમાં લઈ જવા માટેનું વાહન ભાડું, મજૂરોનો ખર્ચ અને અન્ય ખર્ચ પણ નીકળતો નથી. પરિણામે ઘણા ખેડૂતો પાક બજારમાં લઈ જવાને બદલે ખેતરમાં જ ફેંકી રહ્યા છે.

એક વીઘામાં હજારો રૂપિયાનો ખર્ચ
ખેડૂતોના જણાવ્યા મુજબ રીંગણાનું વાવેતર કરવું સહેલું નથી. એક વીઘા જમીનમાં ખેડાણ, બિયારણ, રોપણી, ખાતર, દવાઓ, સિંચાઈ, મજૂરી અને અન્ય ખર્ચ મળીને અંદાજે રૂ. 10 હજારથી 15 હજાર કે તેથી વધુ ખર્ચ થાય છે. પાકની યોગ્ય સંભાળ રાખવા માટે સતત મહેનત અને રોકાણ કરવું પડે છે. સામાન્ય સંજોગોમાં એક વીઘામાંથી મળતું ઉત્પાદન ખેડૂતોને રૂ. 50 હજાર કે તેથી વધુ આવક આપી શકે છે. પરંતુ હાલના બજાર ભાવને કારણે ખેડૂતોને ખર્ચ પણ પાછો મળતો નથી. જેના કારણે ખેતી હવે નફાકારક વ્યવસાયને બદલે નુકસાનનો સોદો બની રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી મેઘમહેર : અમદાવાદ સહિત 82 તાલુકામાં વરસાદ, આગામી 6 દિવસ માટે હવામાન વિભાગની મોટી આગાહી
ખેતરમાં જ ફેંકવા પડ્યા રીંગણા
ભાવનગર જિલ્લાના ખેડૂત રાજુભાઈ સોલંકીએ જણાવ્યું કે તેમણે અઢી વીઘા જમીનમાં રીંગણાનું વાવેતર કર્યું હતું. પાકનું ઉત્પાદન સારું મળ્યું હતું, પરંતુ બજારમાં ભાવ ન મળતાં તેઓ અત્યાર સુધીમાં 100 મણથી વધુ રીંગણા ખેતરની વાડમાં ફેંકી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે બજારમાં વેચાણ કરવા જવાથી પણ વાહન ભાડું અને મજૂરીનો ખર્ચ નીકળતો નથી. આવી સ્થિતિમાં પાકને બજારમાં લઈ જવા કરતાં ખેતરમાં જ તેનો નાશ કરવો વધુ યોગ્ય લાગ્યો.
બીજા ખેડૂત મનુભાઈએ જણાવ્યું કે જ્યારે પાકની શરૂઆત થઈ ત્યારે રીંગણાના રૂ. 30 પ્રતિ કિલો સુધી ભાવ મળતા હતા. તે સમયે ખેડૂતોને સારો નફો મળવાની આશા હતી. પરંતુ થોડા જ સમયમાં ભાવ ઘટીને રૂ. 3 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા, જેના કારણે સમગ્ર આયોજન ખોરવાઈ ગયું.
ખેડૂતોની સરકાર સમક્ષ માંગ
ખેડૂતોનું કહેવું છે કે સરકાર બજારમાં ભાવ સ્થિર રાખવા માટે અસરકારક પગલાં ભરે. જો બજાર ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા રહે તો ખેડૂતોને સીધી આર્થિક સહાય અથવા રાહત પેકેજ આપવામાં આવે.
ખેડૂતો કૃષિ ઉપજના ભાવમાં ભારે વધઘટને રોકવા માટે ભાવ સ્થિરીકરણ યોજના, ખરીદી વ્યવસ્થા અથવા અન્ય સહાયની પણ માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે જો યોગ્ય સમયે સરકાર હસ્તક્ષેપ કરે તો ખેડૂતોને ભારે નુકસાનમાંથી બચાવી શકાય.






