Home Gujarat Vadodara Vadodara Salatwada Fire Gas Leak Youth Burnt

બીડી સળગાવવી યુવકને પડી ભારે! : વડોદરામાં શૌચાલયમાં બીડી સળગાવતા જ થયો ભડકો, ગેસ લીકેજની આશંકા વચ્ચે તપાસ શરૂ

વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આગની ઘટના બાદ તપાસ કરતી પોલીસ
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 20, 2026, 04:57 PM IST

Vadodara News: વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુદરતી હાજતે ગયેલા એક યુવકે સંડાસમાં બીડી સળગાવતાં અચાનક આગનો ભડકો થતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, સલાટવાડા વિસ્તારમાં તુલસીબાઈની ચાલમાં રહેતા હરિચરણ શર્મા ચોરાફળીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. વહેલી સવારે તેઓ સંડાસમાં ગયા હતા, જ્યાં બીડી સળગાવતા જ અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ તેમના શરીરે ફેલાઈ જતાં તેઓ બુમો પાડતા બહાર દોડી આવ્યા હતા. પરિવારજનોએ તાત્કાલિક તેમના પર ગોદડી નાખી આગ બુઝાવી હતી અને બાદમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગેસ લીકેજની આશંકા, VGLની ટીમે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં થોડા દિવસ પહેલાં વિસ્તારમાં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી થઈ હોવાનું અને સંભવિત ગેસ લીકેજના કારણે આગનો ભડકો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દિશામાં વડોદરા ગેસ લિમિટેડ (VGL)ની ટીમે પણ સ્થળ પર પહોંચી ટેક્નિકલ તપાસ શરૂ કરી છે.

સ્થાનિકોમાં ભયનો માહોલ, સત્તાવાળાઓએ સાવચેતી રાખવા અપીલ કરી

ઘટના બાદ સલાટવાડા વિસ્તારમાં સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આસપાસના રહેવાસીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા આગના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ રહેણાંક વિસ્તારોમાં ગેસ લીકેજની શંકા જણાય તો તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવા અને ખુલ્લી જ્યોતનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી છે.

ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ પર ભાર

ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવા માટે પોલીસ સાથે ફોરેન્સિક અને ટેક્નિકલ ટીમો પણ સક્રિય બની છે. સંડાસની આસપાસ ગેસનું પ્રમાણ, પાઇપલાઇનની સ્થિતિ અને અન્ય સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસનો અહેવાલ આવ્યા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને જો કોઈ બેદરકારી સામે આવશે તો સંબંધિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: નવસારીના વાંસદામાં બંદૂકની અણીએ આંગડિયા પેઢીમાં 12 લાખોની લૂંટ : સફેદ કારમાં ફરાર થયા લૂંટારૂઓ

રહેવાસીઓમાં ચિંતા, સુરક્ષા વ્યવસ્થાની માંગ ઉઠી

આ ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું કે જો ગેસ લીકેજના કારણે આ દુર્ઘટના બની હોય તો રહેણાંક વિસ્તારોમાં ગેસ પાઇપલાઇનનું નિયમિત નિરીક્ષણ અને સલામતી ચકાસણી વધુ કડક બનાવવી જરૂરી છે. સ્થાનિકોએ પણ સત્તાવાળાઓને સમગ્ર વિસ્તારમાં ગેસ લાઇનની તપાસ કરી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવા માંગ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now