Home Gujarat Vadodara Mumbai Delhi Expressway Ne4 New Toll Rates Vadodara July 2026

વડોદરાથી ભરૂચ જવું હવે પડશે મોંઘું : આજથી મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર નવા ટોલ દર લાગુ, 5 ટકાનો કરાયો વધારો

ટોલ ટેક્સની છબી
Image Credit: ai
Published by: Niraj Chokshi
Last Updated: Jul 21, 2026, 06:03 AM IST

Vadodara News: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે (NE-4) પરથી મુસાફરી કરતા વાહનચાલકો માટે ફરી એકવાર ખર્ચમાં વધારો થયો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા આ એક્સપ્રેસ-વેના ટોલ દરોમાં ફરી આશરે 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ટોલ દરો 21 જુલાઈથી અમલમાં આવી ગયા છે. ખાસ વાત એ છે કે માત્ર ત્રણ મહિના પહેલાં જ ટોલના દરોમાં 20થી 30 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનચાલકોને રાહત મળી હતી. જોકે હવે ફરી વધારો થતાં રોજિંદા મુસાફરી કરતા લોકો અને ટ્રાન્સપોર્ટરોના ખર્ચમાં વધારો થશે. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે દેશના સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ પૈકીનો એક છે. ગુજરાતમાં વડોદરા જિલ્લામાંથી પસાર થતો આ માર્ગ હવે ભરૂચ બાદ બારડોલી નજીક એના સુધી કાર્યરત બન્યો છે. પરિણામે આ રૂટ પર વાહનોની અવરજવર સતત વધી રહી છે અને તેની સાથે ટોલ વસૂલાતમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.

વડોદરા જિલ્લામાં ચાર ટોલ પ્લાઝા

વડોદરા જિલ્લામાં આ એક્સપ્રેસ-વે પર દોડકા, ફાજલપુર, સમીયાલા અને કરજણ તાલુકાના સાંપા ગામ ખાતે કુલ ચાર ટોલ પ્લાઝા કાર્યરત છે. વડોદરાથી ભરૂચ તેમજ દક્ષિણ ગુજરાત તરફ જતા હજારો વાહનો દરરોજ આ ટોલ પ્લાઝાનો ઉપયોગ કરે છે. માર્ચ મહિનાથી ટોલ દરોમાં કરાયેલા ઘટાડાને કારણે કાર, જીપ, વાન સહિત અન્ય વાહનચાલકોને નોંધપાત્ર રાહત મળી હતી. પરંતુ હવે નવા દરો લાગુ થતાં ફરી વધુ રકમ ચૂકવવાની ફરજ પડશે.

નવા ટોલ દર

દોડકા ટોલ પ્લાઝા

  • કાર, જીપ, વાન: ₹205થી વધીને ₹210

  • LCV: ₹330થી ₹340

  • બસ/ટ્રક: ₹655થી ₹675

  • 3-એક્સલ વાહન: ₹755થી ₹780

ફાજલપુર ટોલ પ્લાઝા

  • કાર, જીપ, વાન: ₹195થી ₹200

  • LCV: ₹310થી ₹320

  • બસ/ટ્રક: ₹650થી ₹670

  • 3-એક્સલ વાહન: ₹710થી ₹735

  • સમીયાલા ટોલ પ્લાઝા

  • કાર, જીપ, વાન: ₹125થી ₹130

  • LCV: ₹205થી ₹210

  • બસ/ટ્રક: ₹425થી ₹440

  • 3-એક્સલ વાહન: ₹465થી ₹480

સાંપા ટોલ પ્લાઝા

  • કાર, જીપ, વાન: ₹90 (યથાવત)

  • LCV: ₹110થી ₹115

  • બસ/ટ્રક: ₹235થી ₹240

  • 3-એક્સલ વાહન: ₹255 (યથાવત)

આ નવા દરો એક તરફ સામાન્ય વાહનચાલકો માટે વધારાનો ખર્ચ લાવશે તો બીજી તરફ ભારે વાહનો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે પણ ઓપરેશનલ ખર્ચમાં વધારો કરશે.

ભરથાણા ટોલ પ્લાઝા રાજ્યમાં સૌથી વધુ કમાણી કરનાર પ્લાઝા

  • કાર,જીપના 155થી 160 કરાયા

  • મીની બસ,LCV ના 255થી 260 કરાયા

  • ટ્રક,બસના 530 થી 550 કરાયા

  • થ્રી એક્સેલના 580 થી 600 કરાયા

  • 4 થી 6 એક્સેલના 835 થી 860 કરાયા

  • માર્ચ,એપ્રિલ,બાદ જુલાઈમાં સતત ભાવ વધારો

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનું મહાતાંડવ થશે શરૂ : આજથી 6 દિવસ આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ત્રણ મહિનામાં ફરી બદલાયા ટોલના દર

માર્ચ 2026 દરમિયાન NHAIએ વાહનચાલકોને રાહત આપવા માટે આ માર્ગ પરના ટોલ દરોમાં 20થી 30 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. તે સમયે વડોદરાથી ભરૂચના દહેગામ સુધી જતાં વાહનો માટે ટોલમાં નોંધપાત્ર રાહત મળી હતી. પરંતુ હવે માત્ર ત્રણ મહિનામાં ફરી 5 ટકાનો વધારો અમલમાં આવતા વાહનચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રોજિંદા ધોરણે આ રૂટનો ઉપયોગ કરતા ઓફિસ જતાં લોકો, વ્યાપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને દરરોજ વધારાનો ખર્ચ સહન કરવો પડશે. અનેક વાહનચાલકોનું માનવું છે કે ટૂંકા ગાળામાં વારંવાર ટોલના દરોમાં ફેરફાર થવાથી મુસાફરીનો ખર્ચ સતત વધી રહ્યો છે.

ધીમે-ધીમે વધી રહ્યો છે ટ્રાફિક

ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ વિકસિત મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર છેલ્લા અઢી વર્ષમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થયો છે. શરૂઆતમાં હાઇવેનો ઉપયોગ મફતમાં કરાવવામાં આવતો હતો જેથી લોકો નવા રૂટ તરફ આકર્ષાય. ત્યારબાદ ઓક્ટોબર 2024થી સત્તાવાર રીતે ટોલ વસૂલાત શરૂ કરવામાં આવી હતી. તે બાદ એપ્રિલ 2025માં પ્રથમ વખત ટોલ દરોમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારપછી માર્ચ 2026માં દરોમાં નોંધપાત્ર ઘટાડો કરીને વાહનચાલકોને રાહત આપવામાં આવી હતી. હવે ફરી નવા દર લાગુ થતાં ટોલનો ખર્ચ ફરી વધ્યો છે.

આ પણ વાંચો: ગોંડલ તાલુકા પંચાયતમાં AAPને ઝટકો : વાસાવડના સભ્ય કાજલબેન મુળીયા ભાજપમાં જોડાયા

વાહનચાલકો પર શું પડશે અસર?

ટોલના નવા દરો લાગુ થતાં ખાનગી વાહનચાલકો ઉપરાંત ટ્રાન્સપોર્ટ કંપનીઓના ખર્ચમાં પણ વધારો થશે. ટ્રક અને ભારે વાહનો માટે પ્રતિ ટ્રિપ થોડા રૂપિયાનો વધારો દેખાતો હોવા છતાં લાંબા ગાળે તે ઓપરેશનલ ખર્ચ પર અસર કરી શકે છે. તેની અસર માલ પરિવહનના ખર્ચ અને કેટલાક ક્ષેત્રોમાં લોજિસ્ટિક્સ ખર્ચ પર પણ જોવા મળી શકે છે.

બીજી તરફ NHAIનું માનવું છે કે આધુનિક એક્સપ્રેસ-વેની જાળવણી, સુરક્ષા, સુવિધાઓ અને કામગીરી માટે ટોલ વસૂલાત જરૂરી છે. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર વાહનોની સંખ્યા વધતાં માર્ગની જાળવણી અને સુવિધાઓમાં સતત રોકાણ કરવાની જરૂરિયાત પણ વધી રહી છે. હાલ માટે નવા ટોલ દરો 21 જુલાઈથી અમલમાં આવી ચૂક્યા છે અને વડોદરા, ભરૂચ તેમજ દક્ષિણ ગુજરાત તરફ મુસાફરી કરતા તમામ વાહનચાલકોએ આ નવા દર મુજબ ટોલ ચૂકવવાનો રહેશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા ટોલ દરોમાં આશરે ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આ નવા દરો ૨૧ જુલાઈથી અમલમાં આવી ગયા છે.

કાર, જીપ અને વાન માટેના નવા દર નીચે મુજબ છે: દોડકા: ₹205થી વધીને ₹210 ફાજલપુર: ₹195થી વધીને ₹200 સમીયાલા: ₹125થી વધીને ₹130 સાંપા: ₹90 (યથાવત રાખવામાં આવ્યો છે)

માર્ચ મહિનામાં NHAI દ્વારા વાહનચાલકોને રાહત આપવા માટે ટોલ દરોમાં 20થી 30 ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ માત્ર 3 મહિના બાદ, હવે ફરીથી 5 ટકાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી ટ્રાન્સપોર્ટરો અને રોજિંદા મુસાફરોનો ખર્ચ વધશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now