Home Gujarat Vansda Angadia Office Armed Loot Navsari

નવસારીના વાંસદામાં બંદૂકની અણીએ આંગડિયા પેઢીમાં 12 લાખોની લૂંટ : સફેદ કારમાં ફરાર થયા લૂંટારૂઓ

વાંસદાની આંગડિયા પેઢી ખાતે લૂંટની ઘટના
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 20, 2026, 04:01 PM IST

Navsari News: નવસારી જિલ્લાના વાંસદા શહેરમાં ધોળે દિવસે બંદૂકની અણીએ આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટની ચકચારી ઘટના સામે આવી છે. શહેરની જૂની ગ્રામિણ બેંકની બાજુમાં આવેલી રમેશભાઈ અંબાલાલ આંગડિયાની પેઢીમાં સાંજે અંદાજે 4:30 વાગ્યે સફેદ કારમાં આવેલા બંદૂકધારી શખ્સોએ ધાડ પાડી આશરે રૂ. 12 લાખથી વધુની રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે.

ઘટનાની જાણ થતાં જ વાંસદા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. લૂંટમાં વપરાયેલી કારને શોધવા માટે જિલ્લાભરમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી. સાથે જ વાયરલેસ મેસેજ દ્વારા સરહદી વિસ્તારોની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી, જેથી આરોપીઓ રાજ્ય અથવા જિલ્લાના બહાર નાસી ન શકે.

CCTV ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ

પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. લૂંટારૂઓ કયા રૂટ પરથી આવ્યા અને કઈ દિશામાં ફરાર થયા તેની માહિતી મેળવવા માટે ટેક્નિકલ સર્વેલન્સનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. પોલીસે આસપાસના વેપારીઓ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

ધોળે દિવસે લૂંટથી વેપારીઓમાં ભયનો માહોલ

વાંસદામાં અગાઉ રાત્રિના સમયે ચોરીના બનાવો બનતા રહ્યા છે, પરંતુ ધોળે દિવસે બંદૂકની અણીએ આંગડિયા પેઢીમાં લૂંટની આ પ્રથમ મોટી ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ હતી અને લૂંટારૂઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લાગી હતી.

ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ પર પોલીસનો ભાર

લૂંટની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફોરેન્સિક ટીમની મદદથી ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આંગડિયા પેઢી તેમજ આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ ઉપરાંત લૂંટારૂઓએ ઉપયોગમાં લીધેલી સફેદ કારનો રૂટ ટ્રેસ કરવા માટે વિવિધ જિલ્લાઓની પોલીસ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. આરોપીઓ સુધી ઝડપથી પહોંચવા માટે ટેક્નિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો
: "ચિંતાની કોઈ વાત નથી, સર્ચ ઓપરેશન ચાલુ" : અમદાવાદમાં દીપડો દેખાવાની ઘટના પર અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

વેપારીઓમાં અસુરક્ષાની લાગણી, પેટ્રોલિંગ વધારવાની માંગ

ધોળે દિવસે બનેલી આ ઘટનાએ વાંસદાના વેપારીઓ અને સ્થાનિકોમાં અસુરક્ષાની લાગણી ઉભી કરી છે. વેપારી આગેવાનોએ બજાર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા, સંવેદનશીલ સ્થળોએ CCTV નેટવર્ક મજબૂત બનાવવા અને આંગડિયા પેઢીઓ સહિત નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા વેપારીઓને પૂરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમોને કામે લગાડવામાં આવી છે અને ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં આવશે તેવી આશા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now