સરકાર દ્વારા સરકારી સેવાઓને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે ડિજિટલ સિસ્ટમ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ ટેક્નિકલ ખામીઓના કારણે અનેક વખત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ રાજ્યભરમાં જન્મ અને મરણના પ્રમાણપત્રો કાઢવા માટે ઉપયોગમાં લેવાતું સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલ છેલ્લા પાંચ દિવસથી વારંવાર ખોરવાઈ રહ્યું હોવાથી અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં જિલ્લા પંચાયત ખાતે આશરે 2,500થી વધુ અરજીઓ મંજૂરીની રાહ જોઈ રહી છે. પોર્ટલ ધીમું ચાલવું, વારંવાર બંધ થઈ જવું અને મલ્ટીપલ લોગિનની સુવિધા બંધ કરી દેવામાં આવતા જન્મ-મરણના દાખલા સમયસર મળી રહ્યા નથી. પરિણામે શાળા પ્રવેશ, આધાર કાર્ડ, પાસપોર્ટ, સરકારી યોજનાઓ અને અન્ય જરૂરી કામગીરી માટે લોકોને કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.
5 દિવસથી પોર્ટલમાં ટેક્નિકલ ખામી
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં જન્મ અને મરણના દાખલા ઓનલાઈન CRS પોર્ટલ મારફતે જારી કરવામાં આવે છે. જોકે છેલ્લા પાંચ દિવસથી પોર્ટલમાં ટેક્નિકલ સમસ્યાઓ સર્જાતાં કામગીરી લગભગ ઠપ થઈ ગઈ છે. અધિકારીઓ અને કર્મચારીઓના જણાવ્યા મુજબ પોર્ટલ વારંવાર હેંગ થઈ જાય છે અથવા ધીમું ચાલે છે, જેના કારણે અરજીઓની પ્રક્રિયા પૂર્ણ કરવામાં લાંબો સમય લાગી રહ્યો છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને હવે જન્મ-મરણના પ્રમાણપત્રોને મંજૂરી આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ અધિકારીઓ દ્વારા ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે, પરંતુ પોર્ટલની સમસ્યાના કારણે સમગ્ર પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે.
2,500થી વધુ અરજીઓ મંજૂરીની રાહમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ભાવનગર જિલ્લા પંચાયત ખાતે આશરે 2,500થી વધુ અરજીઓ પેન્ડિંગ છે. સામાન્ય સ્થિતિમાં પોર્ટલ યોગ્ય રીતે કાર્યરત હોય ત્યારે દરરોજ લગભગ 225 જેટલા જન્મ-મરણના દાખલાઓને મંજૂરી આપવામાં આવે છે. જોકે હાલ ટેક્નિકલ ખામીને કારણે દરરોજ માત્ર 30થી 40 જેટલી અરજીઓનો જ નિકાલ થઈ રહ્યો છે. આ સ્થિતિને કારણે પેન્ડિંગ અરજીઓનો ઢગલો સતત વધી રહ્યો છે. દરરોજ નવી અરજીઓ ઉમેરાતી હોવાથી આગામી દિવસોમાં સમસ્યા વધુ ગંભીર બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મલ્ટીપલ લોગિન બંધ થતાં વધ્યો કર્મચારીઓ પર ભાર
સમસ્યાનું એક મુખ્ય કારણ મલ્ટીપલ લોગિન સુવિધા બંધ થવી પણ માનવામાં આવે છે. અગાઉ એકથી વધુ કર્મચારીઓ એકસાથે પોર્ટલ પર કામ કરી શકતા હતા, પરંતુ છેલ્લા દોઢ મહિનાથી આ સુવિધા બંધ થઈ જતા હવે એક જ કર્મચારી દ્વારા કામગીરી કરવી પડે છે. તેની સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં સ્ટાફની અછત પણ ગંભીર સમસ્યા બની છે. મર્યાદિત કર્મચારીઓ પર મોટી સંખ્યામાં અરજીઓની જવાબદારી આવી પડતાં કામગીરી વધુ ધીમી પડી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે પૂરતો સ્ટાફ અને મલ્ટીપલ લોગિનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો કામગીરીમાં નોંધપાત્ર ઝડપ આવી શકે.
શાળા પ્રવેશથી લઈને આધાર કાર્ડ સુધીના કામ અટવાયા
જન્મ અને મરણના પ્રમાણપત્રો અનેક સરકારી અને ખાનગી પ્રક્રિયાઓ માટે ફરજિયાત દસ્તાવેજ છે. હાલ શાળા પ્રવેશ, આધાર કાર્ડ, પાસપોર્ટ, બેંકિંગ પ્રક્રિયા, મિલકતના કાનૂની દસ્તાવેજો તેમજ વિવિધ સરકારી યોજનાઓમાં નવા જન્મ-મરણના દાખલાની માંગ કરવામાં આવે છે. સમયસર દાખલા ન મળતાં અનેક પરિવારોના જરૂરી કામ અટકી ગયા છે. ખાસ કરીને નવજાત બાળકોના માતા-પિતાને જન્મ પ્રમાણપત્ર માટે વારંવાર કચેરીઓમાં જવું પડી રહ્યું છે. બીજી તરફ મરણના દાખલા વિના વારસાઈ સહિતની અનેક કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ શકતી નથી. જાગૃત નાગરિકોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે જ્યાં સુધી નવી સિસ્ટમ સંપૂર્ણ રીતે સામાન્ય ન બને ત્યાં સુધી જૂના પ્રમાણપત્રોને માન્ય રાખવા અંગે સરકાર સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરે.
આ પણ વાંચો: વડોદરાથી ભરૂચ જવું હવે પડશે મોંઘું : આજથી મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર નવા ટોલ દર લાગુ, 5 ટકાનો કરાયો વધારો
મહાનગરપાલિકાની કચેરીઓમાં લોકોની લાંબી કતારો
પોર્ટલની સમસ્યાના કારણે ભાવનગર મહાનગરપાલિકાની કચેરીઓમાં પણ જન્મ અને મરણના દાખલા મેળવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. અરજદારો વારંવાર કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે કર્મચારીઓ પણ સમયસર સેવા આપી શકતા નથી. ઘણા લોકોનું કહેવું છે કે ડિજિટલ સેવાઓનો હેતુ લોકોનો સમય બચાવવાનો હતો, પરંતુ હાલની પરિસ્થિતિમાં ઓનલાઈન સિસ્ટમ જ લોકો માટે મુશ્કેલીનું કારણ બની છે.
સરકારે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ
આ સમગ્ર મામલે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે એવી માંગ ઉઠી રહી છે કે સરકાર તાત્કાલિક ટેક્નિકલ ખામી દૂર કરે, મલ્ટીપલ લોગિનની સુવિધા ફરી શરૂ કરે અને જિલ્લા પંચાયતોમાં જરૂરી સ્ટાફની ભરતી અથવા વધારાની વ્યવસ્થા કરે. સ્થાનિક લોકોનું માનવું છે કે સરકારે પૂરતા આયોજન વિના જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને નવી જવાબદારી સોંપી હોવાથી હાલ કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો બંને મુશ્કેલીમાં મુકાયા છે.
જન્મ અને મરણના દાખલા જેવી મૂળભૂત સરકારી સેવા સમયસર ઉપલબ્ધ ન રહેતાં લોકોમાં રોષ વધી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરીને ઝડપી ઉકેલ લાવવો જોઈએ જેથી સામાન્ય લોકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.






