પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના નાના વાજપુર ગામમાં દીપડાના હુમલાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મધરાતે ઘરની બહાર દાદી સાથે મચ્છરદાનીમાં સૂતા સાત વર્ષના બાળક પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. જોકે બાળક મચ્છરદાનીની અંદર હોવાથી સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. હુમલામાં બાળકને ઇજાઓ પહોંચતાં તેને પ્રથમ જાંબુઘોડા સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને બાદમાં વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગત રાત્રે આશરે 1:30 વાગ્યે નાના વાજપુર ગામમાં સાત વર્ષીય સુમિત તેની દાદી સાથે ઘરની બહાર મચ્છરદાનીમાં સૂતો હતો. આ દરમિયાન અચાનક એક દીપડો ત્યાં પહોંચી બાળક પર હુમલો કરી દીધો હતો. હુમલા બાદ બાળકની બૂમો સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. હોબાળો થતાં દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો.
આ પણ વાંચો: મુકો લાપસીના આંધણ : 30 જુલાઈ સુધી મેઘરાજાની થશે મહેર, અંબાલાલ પટેલે કરી આગાહી
છેલ્લા ત્રણ દિવસથી ગામમાં દેખાતો હતો દીપડો
પીડિત બાળકના પિતા સંજયભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી દીપડો ગામની આસપાસ આંટાફેરા કરી રહ્યો હતો. બે દિવસ પહેલાં તેણે ગામમાં એક બિલાડીનો પણ શિકાર કર્યો હતો. આ ઘટનાના કારણે ગામના લોકોમાં પહેલેથી જ ભયનો માહોલ હતો.
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી અને દીપડાના પગલાં સહિતના પુરાવાની તપાસ હાથ ધરી હતી. હાલમાં હુમલાખોર દીપડાને શોધી પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: "તું તો હીરો છે યાર બધાનો, તારા લીધે તો ચૈતર જેલમાં ગયો..." : સ્ટેજ પરથી કોની સામે ઇશારો કરીને મનસુખ વસાવાએ આવું કહ્યું?
ગ્રામજનોમાં ભયનો માહોલ, સાવચેતી રાખવા અપીલ
દીપડાના હુમલા બાદ નાના વાજપુર ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનોએ વન વિભાગને દીપડાને વહેલી તકે પકડી ગામને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે.
વન વિભાગે સ્થાનિકોને ખાસ કરીને રાત્રિના સમયે ઘરની બહાર ન સૂવા, બાળકોને એકલા બહાર ન મોકલવા અને દીપડો દેખાય તો તરત જ વન વિભાગ અથવા પોલીસને જાણ કરવાની અપીલ કરી છે. વિસ્તારમાં ટ્રેપ કેમેરા ગોઠવવા અને સતત પેટ્રોલિંગ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ રહી છે.






