Gujarat Monsoon 2026: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતના સમગ્ર દરિયાકાંઠા માટે આગામી પાંચ દિવસ માટે માછીમારોને ચેતવણી જાહેર કરવામાં આવી છે. 21 જુલાઈથી 25 જુલાઈ 2026 સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની પવન, ઊંચા મોજાં અને ખરાબ દરિયાઈ હવામાનની સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને ચેતવણીના સમયગાળા દરમિયાન દરિયામાં માછીમારી માટે ન જવાની સ્પષ્ટ સલાહ આપી છે.
વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સક્રિય ચોમાસાને કારણે અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર દબાણ ઢાળના પ્રભાવથી દરિયો ઉગ્ર બનવાની સંભાવના છે. પરિણામે અનેક વિસ્તારોમાં 40થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે તેના ઝોકા 60થી 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાત માટે અલગ ચેતવણી
ઉત્તર ગુજરાતના જખૌ, માંડવી (કચ્છ), મુન્દ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર) અને પોરબંદર સહિતના બંદરો માટે પ્રથમ ત્રણ દિવસ ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયો ઊંચા મોજાં સાથે ખૂબ જ તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયું છે. ચોથા અને પાંચમા દિવસે આ વિસ્તારો માટે કોઈ વિશેષ ચેતવણી નથી. દક્ષિણ ગુજરાતના મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ વિસ્તારમાં પણ પ્રથમ ચાર દિવસ ખરાબ હવામાન રહેવાની આગાહી છે. અહીં પણ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવનના ઝોકા નોંધાઈ શકે છે. પાંચમા દિવસે સ્થિતિ સામાન્ય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર એલસી-3 સિગ્નલ યથાવત
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ મુખ્ય બંદરો પર લોકલ કૉશનરી સિગ્નલ-3 (LC-III) યથાવત રાખવા સૂચના આપી છે. આ સંકેત બંદરો પર ખરાબ દરિયાઈ હવામાનની સ્થિતિ દર્શાવે છે અને બંદર સત્તાધિકારીઓ તેમજ માછીમારોને વધારાની સાવચેતી રાખવા માટે જારી કરવામાં આવે છે.
અનેક જિલ્લાઓમાં હાઈ વેવ એલર્ટ
હવામાન વિભાગે INCOIS દ્વારા જાહેર કરાયેલા હાઈ વેવ એલર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ (ઉત્તર અને દક્ષિણ), કચ્છ, પોરબંદર તેમજ દીવના દરિયાકાંઠે 22 જુલાઈની રાત્રિ સુધી 3.0થી 3.6 મીટર સુધીના ઊંચા મોજાં ઊછળવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાઈ કામગીરી, બોટ સંચાલન તેમજ દરિયાકિનારે મનોરંજન પ્રવૃત્તિઓ કરતી વખતે વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
માછીમારો અને દરિયાકાંઠાના લોકો માટે શું સલાહ?
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચેતવણીના સમયગાળા દરમિયાન માછીમારોએ દરિયામાં જવાનું ટાળવું જોઈએ. જે બોટો હાલમાં સમુદ્રમાં હોય તેમણે શક્ય તેટલી વહેલી તકે નજીકના સુરક્ષિત બંદરે પરત ફરવું જોઈએ. ઉપરાંત બંદર સત્તાધિકારીઓ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક વહીવટી તંત્રને પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે. દરિયાકિનારે રહેતા લોકો તેમજ પ્રવાસીઓને પણ ઊંચા મોજાં દરમિયાન દરિયામાં ઉતરવાનું અથવા જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને માછીમારી, બોટિંગ અને અન્ય દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ સત્તાવાર હવામાન બુલેટિન પર સતત નજર રાખવી જરૂરી રહેશે..






