Home Gujarat Ankleshwar Md Drugs Factory Dri Raid Bharuch

અંકલેશ્વરમાં ફરી એમડી ડ્રગ્સનું કારખાનું ઝડપાયું : ગડખોલ વિસ્તારમાં DRIના દરોડામાં મોટી કાર્યવાહી

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં DRI દ્વારા દરોડા દરમિયાન તપાસની કાર્યવાહી.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 21, 2026, 05:21 PM IST

Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ગડખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીના એક મકાનમાં કથિત રીતે એમડી (MD) ડ્રગ્સ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, દરોડા દરમિયાન સ્થળ પરથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવા માટે વપરાતું રો મટિરિયલ તેમજ તૈયાર એમડી ડ્રગ્સ મળી આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે, જપ્ત કરાયેલા મુદ્દામાલનું ચોક્કસ વજન અને કિંમત અંગે અધિકૃત માહિતીની રાહ જોવાઈ રહી છે.

સ્થળને સીલ કરી તપાસનો ધમધમાટ

DRIની ટીમે સમગ્ર સ્થળને કબજામાં લઈને સીલ કરી દીધું છે અને ફોરેન્સિક તેમજ ટેકનિકલ તપાસ શરૂ કરી છે. સ્થળ પરથી મળેલા રાસાયણિક પદાર્થો, સાધનો અને અન્ય પુરાવાઓના આધારે ડ્રગ્સનું ઉત્પાદન કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને તેમાં કોણ-કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રગ્સ નેટવર્કના તાર અન્ય રાજ્યો સુધી પહોંચે તેવી શક્યતા

પ્રાથમિક તપાસમાં આ કેસના તાર રાજ્ય બહાર સુધી જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ ડ્રગ્સના સપ્લાય ચેઇન, કાચા માલના સ્ત્રોત અને આ ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલા અન્ય લોકોની ઓળખ મેળવવા માટે તપાસનો વ્યાપ વધારી રહી છે. અધિકૃત વિગતો સામે આવ્યા બાદ સમગ્ર કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આરોપીઓ અને સપ્લાય નેટવર્ક અંગે તપાસ તેજ

દરોડા બાદ DRIની ટીમે સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની ઓળખ મેળવવાની કાર્યવાહી તેજ કરી છે. મકાન ભાડે લેવામાં આવ્યું હતું કે માલિકની જાણમાં આ પ્રવૃત્તિ ચાલી રહી હતી તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાયેલા રાસાયણિક પદાર્થો ક્યાંથી મંગાવવામાં આવ્યા હતા અને તૈયાર માલ ક્યાં સપ્લાય થતો હતો તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં બનાવેલા નકલી હીરાથી સિંગાપુરમાં કરોડોની ચોરીનો પ્રયાસ : બે ભારતીયોની ધરપકડ

અંકલેશ્વરમાં ફરી ડ્રગ્સ રેકેટ બહાર આવતા ચિંતા

ઔદ્યોગિક શહેર અંકલેશ્વરમાં ફરી એકવાર એમડી ડ્રગ્સ બનાવવાના કથિત કારોબારનો પર્દાફાશ થતાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે વિવિધ એજન્સીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ કેસમાં તપાસ આગળ વધતા વધુ લોકોની સંડોવણી અને મોટા ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now