Home Gujarat Surat Fake Diamond Singapore Real Diamond Theft Indian Arrested

સુરતમાં બનાવેલા નકલી હીરાથી સિંગાપુરમાં કરોડોની ચોરીનો પ્રયાસ : બે ભારતીયોની ધરપકડ

Singapore Diamond Theft, Surat Fake Diamond
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2026, 04:54 PM IST

સિંગાપુરમાં કરોડો રૂપિયાના હીરાની ચોરી કરવાનો એક ચોંકાવનારો અને ફિલ્મી અંદાજનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. બે ભારતીય નાગરિકોએ સુરતમાં અસલી હીરાની જેમ દેખાતો નકલી હીરો તૈયાર કરાવ્યો અને ત્યારબાદ સિંગાપુરની જ્વેલરી દુકાનમાં જઈ અંદાજે 1.5 કરોડ રૂપિયા (1,54,000 અમેરિકન ડોલર) કિંમતના 4.95 કેરેટના અસલી હીરાને નકલી હીરા સાથે બદલી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ અસલી હીરો મોઢામાં છુપાવીને દુકાનમાંથી બહાર નીકળવામાં સફળતા મેળવી હતી, પરંતુ CCTV ફૂટેજ અને ઝડપી તપાસના કારણે તેઓ ચાંગી એરપોર્ટ પરથી ભારત ભાગતા પહેલા જ ઝડપાઈ ગયા હતા.

સુરતમાં તૈયાર કરાવ્યો અસલી જેવો નકલી હીરો

કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, 41 વર્ષીય મંગરોલિયા મનોજકુમાર કુર્જીભાઈ અને 30 વર્ષીય સેરાસિયા મિલાન રામનિકભાઈ એક સામાન્ય મિત્ર મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંનેએ સિંગાપુર જવા પહેલા ગુજરાતના સુરતમાં અસલી હીરાની ડિઝાઇન, સ્પેસિફિકેશન અને સીરિયલ નંબર સાથે મેળ ખાતો નકલી હીરો તૈયાર કરાવ્યો હતો.

રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આરોપીઓને અસલી હીરાની ચોક્કસ વિગતો અને સીરિયલ નંબર કેવી રીતે મળ્યા હતા. જોકે, સમગ્ર ચોરીનું કાવતરું ખૂબ જ આયોજનબદ્ધ રીતે ઘડવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સિંગાપુરમાં જ્વેલરી શોપમાં કર્યો ફિલ્મી અંદાજમાં પ્લાન અમલ

બંને આરોપીઓ સોશિયલ પાસ પર 19 જૂન, 2026ના રોજ સિંગાપુર પહોંચ્યા હતા. તેમનું નિશાન ચાઈનાટાઉનમાં આવેલી Dianoche નામની જ્વેલરી દુકાન હતી, જ્યાં 4.95 કેરેટનો કિંમતી હીરો વેચાણ માટે રાખવામાં આવ્યો હતો.

બપોરે લગભગ 3 વાગ્યે બંને દુકાનમાં પહોંચ્યા અને સેલ્સ મેનેજરને તે હીરો બતાવવા જણાવ્યું. પ્લાન મુજબ મંગરોલિયાએ દુકાનમાં અન્ય હીરા અને જ્વેલરી જોવા માંગીને સેલ્સ મેનેજરનું ધ્યાન ભટકાવ્યું. તે દરમિયાન મિલાને પોતાના મોઢામાં છુપાવી રાખેલો નકલી હીરો બહાર કાઢ્યો અને અસલી હીરાની જગ્યાએ મૂકી દીધો. ત્યારબાદ તેણે અસલી 4.95 કેરેટનો હીરો પોતાના મોઢામાં છુપાવી લીધો.

ચોરી બાદ બંનેએ સેલ્સ મેનેજરને કહ્યું કે તેઓ ખરીદી અંગે વિચાર કરીને ફરી આવશે અને દુકાનમાંથી બહાર નીકળી ગયા.

CCTV અને મશીનથી પકડાઈ આખી ચોરી

આરોપીઓને લાગ્યું હતું કે તેમની ચાલાકી સફળ રહી છે, પરંતુ દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં તેમની તમામ હરકતો કેદ થઈ ગઈ હતી. બંને દુકાનમાંથી નીકળ્યા બાદ સેલ્સ મેનેજરને શંકા જતાં તેણે ઓપ્ટિકલ જેમસ્ટોન આઈડેન્ટિફિકેશન મશીનથી હીરાની તપાસ કરી હતી.

તપાસમાં સામે આવ્યું કે દુકાનમાં રહેલો હીરો અસલી નહીં પરંતુ નકલી હતો. આ માહિતી મળતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી અને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

ભારત ભાગતા પહેલા ચાંગી એરપોર્ટ પરથી ઝડપાયા

ચોરી કર્યા બાદ બંને આરોપીઓ પોતાના હોટેલ પર પરત ગયા હતા અને નક્કી કરેલા સમય પહેલા જ ચેક-આઉટ કરીને તે જ સાંજે ભારત પરત ફરવાની ફ્લાઇટ બુક કરી હતી. જોકે, તેઓ ચાંગી એરપોર્ટના ટર્મિનલ-3 પર ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરીને ફ્લાઇટ પકડે તે પહેલા જ પોલીસે બંનેને રાત્રે લગભગ 8:50 વાગ્યે ઝડપી લીધા હતા.

તપાસ દરમિયાન અસલી હીરો મિલાનના બેગમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ બંને સામે ચોરીના ગુનામાં કેસ નોંધવામાં આવ્યો હતો.

એક આરોપીને જેલ, બીજા કેસની સુનાવણી બાકી

આ કેસમાં સિંગાપુરની અદાલતે મંગરોલિયા મનોજકુમાર કુર્જીભાઈને ચોરીનો ગુનો સ્વીકાર્યા બાદ બે વર્ષ, બે મહિના અને બે અઠવાડિયાની જેલની સજા ફટકારી છે. જ્યારે તેના સાથી સેરાસિયા મિલાન રામનિકભાઈ સામે ચાલી રહેલા કેસની આગામી સુનાવણી શુક્રવારે થવાની છે.

આ સમગ્ર ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા વ્યવસ્થાઓ અને જ્વેલરી ઉદ્યોગમાં અપનાવવામાં આવતા ચકાસણીના માપદંડો અંગે પણ ચર્ચા જગાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now