Home Gujarat Surat Surat Zampa Bazar Dilapidated Building Wall Collapse

સુરતના ઝાંપા બજારમાં ભારે વરસાદ વચ્ચે જર્જરીત મકાનની દીવાલ ધરાશાઈ : મોટી દુર્ઘટના ટળી

ઝાંપા બજારના તૈયબી મોહલ્લામાં ધરાશાયી થયેલી જર્જરીત ઇમારતની દીવાલનું દૃશ્ય.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 21, 2026, 05:03 PM IST

Surat News: સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ઝાંપા બજાર વિસ્તારના તૈયબી મોહલ્લામાં આવેલી એક અતિ જર્જરીત ઇમારતની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલ પડતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને સુરક્ષા કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ધરાશાયી થયેલું મકાન વર્ષો જૂનું અને બંધ હાલતમાં હતું. એક વર્ષ અગાઉ પણ આ જ મકાનની દીવાલ તૂટી પડી હતી, ત્યારબાદ મકાનને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. જેના કારણે આ વખતે દીવાલ પડવા છતાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

પાલિકા અને બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરે કરી સ્થળ તપાસ

ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ આસપાસના વિસ્તારને સુરક્ષિત બનાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને જોખમી ભાગથી લોકોને દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી.

જર્જરીત ઇમારત તોડી પાડવા લેવાઈ શકે નિર્ણય

પાલિકા દ્વારા પ્રાથમિક તપાસ બાદ સમગ્ર ઇમારતની માળખાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. જો ઇમારત સંપૂર્ણપણે જોખમી હોવાનું સામે આવશે તો તેને તાત્કાલિક ઉતારી પાડવાનો નિર્ણય લેવામાં આવશે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને શહેરની અન્ય જર્જરીત ઇમારતોનું પણ સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.

આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ, જોખમી ઇમારતો સામે કાર્યવાહી કરવાની માંગ

દીવાલ ધરાશાયી થવાની ઘટનાના પગલે તૈયબી મોહલ્લા અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે વિસ્તારમાં હજુ પણ અનેક જૂની અને જર્જરીત ઇમારતો આવેલી છે, જે સતત વરસાદ દરમિયાન જોખમરૂપ બની શકે છે. રહેવાસીઓએ મહાનગરપાલિકાને આવી તમામ ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ACBની ટ્રેપ : લીંબડીના ઉટડી ગામના મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચ ₹5 લાખની લાંચ લેતા ઝડપાયા

વરસાદી સિઝનમાં જર્જરીત ઇમારતો પર વિશેષ નજર રાખશે પાલિકા

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે વરસાદી ઋતુ દરમિયાન શહેરની જોખમી અને જર્જરીત ઇમારતો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જ્યાં પણ માળખાકીય નબળાઈ જોવા મળશે ત્યાં માલિકોને નોટિસ આપવાની તેમજ જરૂર જણાય તો ઇમારત ખાલી કરાવવી અથવા તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now