Home Gujarat Surat Surat Three Dilapidated Buildings Collapse Monsoon

સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો : 24 કલાકમાં ત્રણ સ્થળે મકાનો તૂટી પડ્યા

સુરતમાં વરસાદ દરમિયાન ધરાશાયી થયેલા જર્જરિત મકાનનો કાટમાળ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 22, 2026, 03:36 PM IST

સુરત: ચોમાસાની શરૂઆત સાથે જ સુરત શહેરમાં જર્જરિત અને જોખમી મકાનોને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં જર્જરિત મકાનોના ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ નોંધાઈ છે. સદનસીબે ત્રણેય બનાવોમાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી, પરંતુ સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમ ઘટના હરિપુરાના સુખડિયા શેરી વિસ્તારમાં બની હતી, જ્યાં લાંબા સમયથી બંધ હાલતમાં રહેલા બે માળના જર્જરિત મકાનનો પાછળનો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ઘટનાના સમયે આસપાસ કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. બનાવની જાણ થતાં મનપાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આસપાસનો વિસ્તાર સુરક્ષિત બનાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝાપા બજારમાં રસ્તો બેરિકેટ કરી બંધ કરાયો

બીજી ઘટના ઝાપા બજારના તૈયાબી મહોલ્લામાં બની હતી. અહીં એક જૂના અને જર્જરિત મકાનનો ઉપરનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ઘટના બાદ સુરક્ષા પગલાંના ભાગરૂપે મનપા અને પોલીસ તંત્રે તાત્કાલિક રસ્તો બેરિકેટ કરી વાહનવ્યવહાર અને અવરજવર પર નિયંત્રણ મૂક્યું હતું. આસપાસના રહેવાસીઓને પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી.

કોટ વિસ્તારમાં ત્રણ વાહનોને નુકસાન

ત્રીજી ઘટના કોટ વિસ્તારના બાલાજી રોડ પર નોંધાઈ હતી. અહીં એક જર્જરિત મકાનનો આગળનો ભાગ રસ્તા પર તૂટી પડતાં નીચે પાર્ક કરાયેલા ત્રણ વાહનોને ભારે નુકસાન થયું હતું. વાહનોનો ચૂથો થઈ ગયો હતો, જોકે તે સમયે કોઈ વ્યક્તિ વાહનોની નજીક ન હોવાથી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં દોડધામનો માહોલ સર્જાયો હતો.

ચોમાસામાં જોખમી મકાનો બન્યા ચિંતાનો વિષય

ભારે વરસાદના કારણે જૂના અને નબળી હાલતમાં રહેલા મકાનો વધુ જોખમી બની જાય છે. સતત વરસાદથી દિવાલો અને છતની મજબૂતી ઘટતાં આવી ઘટનાઓ બનવાની શક્યતા વધી જાય છે. શહેરના જૂના વિસ્તારોમાં આવેલા અનેક જર્જરિત મકાનોને લઈને સ્થાનિકો લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તંત્ર પાસે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

મનપાની ટીમે શરૂ કરી તપાસ

ત્રણેય બનાવોની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મકાનોની સ્થિતિની તપાસ શરૂ કરી હતી. આસપાસના અન્ય જોખમી મકાનોનું પણ સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જરૂરી પગલાં લઈ શકાય. તંત્ર દ્વારા મકાનમાલિકોને પણ જોખમી ઇમારતો અંગે સાવચેતી રાખવા અને જરૂરી સમારકામ અથવા ખાલી કરાવવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વલસાડ અને સુરત સહિત જિલ્લાની તમામ શાળાઓમાં કાલે રજા જાહેર : ભારે વરસાદની આગાહીને પગલે લેવાયો નિર્ણય

સ્થાનિકોમાં ભયનો માહોલ, તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ

એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં મકાનોના ભાગ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રહેવાસીઓએ શહેરના તમામ જોખમી અને જર્જરિત મકાનોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now